2.1 - ‘વૉટરસ્ટોન્સ ગાઈડ ટુ બુક્સ’ : સર્વાશ્લેષી માર્ગદર્શિકા / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની
   પ્રકાશકો પોતાની વેચાણ- સામગ્રીરૂપ પુસ્તકોની યાદીઓ (કૅટલૉગ) વર્ષોવર્ષ પ્રગટ કરતા રહે છે. હવે તો કેટલાક પ્રકાશકોએ નિયમિત સામયિકોરૂપે પણ આ પ્રવૃત્તિને વિસ્તારી છે. એમાં પુસ્તક- યાદી ઉપરાંત પોતાનાં કેટલાંક પ્રકાશનો વિશેનાં વિગતવાર અવલોકનો- અભિપ્રાયો પણ પ્રગટ થાય છે અને મહત્વની સાહિત્યપ્રવૃત્તિની નોંધ પણ એમાં હોય છે. પરંતુ કોઈ પ્રકાશકે કે વિક્રેતાએ પ્રકાશિત થતાં પુસ્તકોની વિગતવાર સૂચિ ભાગ્યે જ પ્રગટ કરી હોય.

   હમણાં, લંડનની ‘વૉટરસ્ટોન ઍન્ડ કંપની’ નામની પુસ્તકવિક્રેતા પેઢીએ બ્રિટનભરમાંના પ્રકાશકોના સહયોગથી પ્રગટ કરેલી સૂચિની બીજી આવૃત્તિ (૧૯૮૮) જોવા મળી. એને માત્ર સૂચિ કહેવી પર્યાપ્ત નહીં ગણાય. આ ગ્રંથનું નામ છે : ‘વૉટરસ્ટોન્સ ગાઈડ ટુ બુક્સ’. એ સાચે જ પુસ્તક- માર્ગદર્શિકા છે. એ દળદાર છે એટલી જ ઝીણવટભરી છે. ડબલ ક્રાઉન કદનાં ૧૬૭૫ જેટલાં પાનાંમાં અહીં પસંદ કરેલાં ૬૦,૦૦૦થી પણ વધુ પુસ્તકોની સહાયથી માત્ર જહેમતપૂર્વક જ નહીં, સર્વાશ્લેષી આયોજનપૂર્વક આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.

   આયોજનને સર્વાશ્લેષી એટલા માટે કહ્યું કે અહીં માત્ર પુસ્તકનામ, લેખક/ સંપાદક/ અનુવાદક અને કિંમત – એટલી વિગતો આગળ અટકી જવાયું નથી. અહીં, ગ્રંથાલયવિજ્ઞાનનો નિષ્ણાંત કરી શકે એવું શાસ્ત્રીય અને સ્વચ્છ વિષયવિભાજન છે; કોશકારના લાઘવ- કૌશલની યાદ આપે એવાં (લેખકો- પુસ્તકો પરનાં) અધિકરણો પણ છે; વિદ્વાન અભ્યાસી ગ્રંથને અંતે મૂકવા ઇચ્છે એવી શ્રમસાધ્ય લેખકસૂચિ પણ છે; ચિત્રકળાકારો પાસે તૈયાર કરાવીને મૂકેલાં - આખા પાનામાં ઉપસાવેલાં – લેખકોનાં સુંદર રેખાંકનો છે; સરેરાશ પાનાદીઠ એક લેખે અસંખ્ય ફોટોગ્રાફ અને ચિત્રાંકનો (લેખકોનાં, પુસ્તકોનાં આવરણોનાં) છે; મુદ્રણકળાનો જાણકાર કરી શકે એવી કલાત્મક છતાં પ્રથમતઃ ઉપયોગિતાલક્ષી મુદ્રણસજ્જા (લે-આઉટ) છે. બ્રિટનનાં પ્રકાશનવિતરણ- ગૃહોમાં સુલભ સર્વ પુસ્તકોની, પૂરી ચકાસણીપૂર્વક યાદી તૈયાર કરવાની કાળજી ઉપરાંત અહીં, પ્રત્યેક વિષય- વિભાગના આરંભે, તે તે વિષયના નિષ્ણાત પાસેથી એને ગમતાં ઉત્તમ પુસ્તકોની, સ્પષ્ટ અભિપ્રાય સમેતની યાદી મેળવીને ‘બુક ચોઈસ’ એવા શીર્ષક હેઠળ મૂકવાની વિવેકભરી સૂઝ પણ દેખાય છે. આ ગંજાવર કામ આ રીતે દૃષ્ટિપૂર્ણ અને કલ્પનાશીલ પણ જણાય છે. બ્રિટનમાં પણ પહેલી જ વાર થયેલી આ માતબર સૂચિને ‘ધ ગાર્ડિયન’ સામયિકે યોગ્ય રીતે જ ‘અ પાયોનિયર વેન્ચર’ કહીને પ્રશંસેલી છે.

   આ ગ્રંથ ખોલતાં જ વિષયવાર (પેટાવિભાગોની ઝીણી વિગતો સાથે) મૂકેલો લગભગ ૧૧ પાનાં ભરેલો અનુક્રમ એના વ્યાપનો ખ્યાલ આપે છે. જ્ઞાનવિજ્ઞાનના વિશાળ પ્રદેશને એમાં, સ્વાભાવિક રીતે જ, આવરી લેવાયો છે : કળાઓ, સાહિત્યસ્વરૂપો, વાણિજ્ય, અર્થશાસ્ત્ર, પ્રાકૃતિક ઇતિહાસ, વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો, ધર્મ, ફિલસૂફી, સ્વાસ્થ્ય- વિજ્ઞાન, રમતજગત, વાહનવ્યવહાર આદિ.... એ પછી (ઉદાહરણ તરીકે) ‘આર્ટ એન્ડ આર્કિટેક્ચર’ વિભાગના પહેલે જ પાને વાન ઘોઘનું, પીંછીના ઓછામાં ઓછા લસરકાઓથી ખેંચેલું સ્પષ્ટ રેખાચિત્ર છે. (દરેક વિભાગને આરંભે તે-તે વિદ્યા/ કળાશાખાની સ્મરણીય વિભૂતિનું રેખાચિત્ર છે : સિનેમામાં ચાર્લી ચેપ્લીન, સંગીતમાં બિથોવન, નવલકથામાં ડિકન્સ, સામાજિક વિજ્ઞાનમાં ફ્રૉઇડ...).

   એ પછી (‘બુક ચોઇસ’થી આરંભાઈને) પેટા વિભાગો- અનુસાર, લેખકના એકારાદિક્રમે, યાદી શરૂ થાય છે. મોટાભાગનાં પુસ્તકોની માત્ર નોંધ નહીં પણ દરેકનો મિતાક્ષરી પરિચય અપાયો છે. એટલું જ નહીં, લેખકો વિશે તેમજ ફિક્શન, બ્લેક પ્લે, સુર્રિયાલિઝમ એવાં અનેક સ્વરૂપો- સંજ્ઞાઓ વિશે સ્પષ્ટ, વિગતકેન્દ્રી, લાઘવભર્યા અધિકરણો પણ મુકાયાં છે. યાદી કેવળ યાદી ન રહેતાં જાણે કે નાનકડા જ્ઞાનકોશને પહોંચવા જાય છે.

   વિષયવિભાજન કેટલા ઝીણા વર્ગીકરણ સુધી ફેલાયું છે એ એક દૃષ્ટાંતથી પણ સ્પષ્ટ થશે. ‘ડ્રામા’ વિભાગમાં પહેલાં, સ્વાભાવિક રીતે જ, શેક્સપિયર. એનાં કમ્પ્લીટ વર્ક્સ, પ્લેઝ, ટ્રૅજેડિઝ, કૉમેડિઝ, શેક્સ્પિરિયન ક્રિટિસિઝમ, સ્ટેજક્રાફ્ટ, ડ્રામેટિક ટૅકનીક, બાયોગ્રાફિકલ બુક્સ, રેફરન્સ બુક્સ – એમ દરેક પેટા વિભાગાનુસાર (ઘણાં વિભાગ- શીર્ષકો પરનાં અધિકરણસમેતની) પુસ્તકયાદી. શેક્સ્પિયરની તો આ અંગ્રેજી- સૂચિએ રીતસર ઉજવણી જ કરી છે. ૧૫ પાનાંમાં વિસ્તરતી યાદી, એક લઘુગ્રંથ થઈ શકે એટલાં અધિકરણો/ નોંધો સાથેની અને એના છોગારૂપે, આરંભમાં, શેક્સ્પિયરના જીવન- સર્જન વિશેનું ઠીકઠીક વિસ્તૃત અધિકરણ. એ પછી, રેનેસાં, રેસ્ટોરેશન, વિક્ટોરિયન... એમ યુગાનુસાર નાટકો ને (એના વિશેનાં) પુસ્તકોની યાદી; પછી એન્થોલૉજી, પછી વર્લ્ડ ડ્રામામાં આફ્રિકનથી માંડીને વેસ્ટ ઇન્ડિયન નાટકો સુધી, પછી વળી બ્લેક પ્લે, પીસ પ્લે; ડ્રામા સ્ટડી ક્રિટિસિઝમ, હિસ્ટ્રી રેફરન્સ; એક્ટિંગ. ડાયરેક્ટિંગ, કૉસ્ચ્યુમ, મેકપ, પપેટરી; ડ્રામા- ઍજ્યુકેશન, રાઇટિંગ ફૉર થિયેટર, ટેલિવિઝન ઍન્ડ રેડિયો.... આટલા બધા વિષયનાં પુસ્તકો આ સૂચિમાં છે એટલું જ બતાવવા નહીં (- એ તો હોય જ -) પણ એનું વર્ગીકરણ કેટલું પદ્ધતિ-બદ્ધ છે એ બતાવવા પણ આ વિગતો આપી છે.

   ‘ફિક્શન’ વિભાગ સૌથી લાંબો હોય એ સમજી શકાય એવું છે. અહીં ૩૮૦ જેટલાં પાનાંમાં કથાસાહિત્ય (અને એના વિવેચન) વિશેનાં લગભગ ૧૫,૦૦૦ પુસ્તકોની વિગતપૂર્ણ સૂચિ છે ! આ વિભાગમાં એક બીજી માહિતી પણ સમાવાઈ છે. ૧૯૦૧થી માંડીને ૧૯૮૭ સુધીના નોબલ પારિતોષિક વિજેતાઓની વિગતે યાદી અપાઈ છે. એ જ રીતે (’૮૭ સુધીનાં) છેલ્લાં પાંચ વર્ષમાં બૂકર, પુલિત્ઝર અને વિટબ્રેડ પારિતોષિકો પ્રાપ્ત કરનાર લેખકો ને એમનાં પુસ્તકોનાં વિગત- પરિચય પણ અપાયાં છે.

   ગ્રંથને અંતે આપેલી લેખકસૂચિ ૧૯ હજાર જેટલા લેખકોનાં પુસ્તકોની વિગત અહીં ક્યેક્યે પાને છે એ દર્શાવે છે. આ ગ્રંથને પાનેપાને એક વાક્ય મુકાયું છે: ‘ચૅક ધી ઇન્ડૅક્સ ફૉર ફર્ધર ઍન્ટ્રીઝ બાય ઇચ ઑથર.’ વાચકોની કેટલી કાળજી !

   હા. વાચકોની કાળજી. આમ તો વ્યવસાયી પેઢીએ આ સૂચિગ્રંથ કર્યો છે ને એમાં વ્યવસાયને સાવ કોરાણે રાખ્યો છે એવું પણ નથી. સૂચિમાં વચ્ચે ને છેલ્લે ઘણાં ઑર્ડર-ફૉર્મ મૂક્યાં છે. (ને એક ફૉર્મ વિગતો ભરેલું, નમૂના રૂપે, મૂકવાની ગ્રાહક- કાળજી ય લીધી છે). આખા ગ્રંથમાં વચ્ચે જ્યાંજ્યાં જગા મળી ત્યાંત્યાં 'વૉટરસ્ટોન'નાં મુદ્રાંકનો પણ જાહેરાતરૂપે મૂક્યાં છે. ક્યું પુસ્તક ક્યા પ્રકાશકનું છે એના સંક્ષેપાક્ષરો તો યાદીમાંના પ્રત્યેક પુસ્તક સાથે મૂકેલા જ છે અને આમાંનું કોઈપણ પુસ્તક કોઈપણ પ્રકાશક કે વિક્રેતા આપી કે મેળવી આપી શકશે એવી ખાતરી પણ આપી છે. પરંતુ સૂચિગ્રંથ ગ્રાહક આગળથી જ નહીં, વાચકના છેડેથી આરંભાય છે એટલે કે વાચકકેન્દ્રી છે. વાચકનાં જ્ઞાન- જિજ્ઞાસા પોષીને પછી જ એને ગ્રાહક તરીકે આકર્ષિત થવા દેવાનું આ શુભાશયી કૌશલ છે.

   ભાવનગરથી જયંતભાઈ મેઘાણીએ આ સૂચિગ્રંથ પ્રેમપૂર્વક મોકલ્યો ત્યારે લખેલું કે ‘આ એક પુસ્તકવિક્રેતાનું સર્જન મોકલું છું.’ સૂચિગ્રંથમાંથી પસાર થયા પછી એમનો એ ઉદ્ગાર સાચો – વાસ્તવિક પુરવાર થયો એનો આનંદ છે. એમની પાસે તો પછીની, ૧૯૯૦ની આવૃત્તિ પણ છે.

   પ્રકાશકની યાદીમાં દેખાતી એક મોટી ખામી આ સૂચિમાં પણ છે – ‘ફિક્શન’ વિભાગનાં કેટલાંક પુસ્તકોને બાદ કરતાં ક્યાંય પુસ્તકોનાં પ્રકાશનવર્ષ કે આવૃત્તિના નિર્દેશ નથી. એ હોત તો આ સૂચિગ્રંથ એક બહુ- ઉપયોગી સંદર્ભસૂચિગ્રંથ બન્યો હોત. પરંતુ આ બાદ કરીએ તો આ એક મોટી છલાંગ છે. પ્રકાશકોએ, સૂચિરસિકોએ તેમજ સાહિત્યના અભ્યાસીઓએ આ સૂચિગ્રંથ જોવો જોઈએ. સંભવ છે કે એ જોઈને ય કોઈને ક્યારેક એકાદ પ્રેરક ધક્કો વાગી જાય.
એપ્રિલ-જૂન ૧૯૯૫


0 comments


Leave comment