48 - કડવું ૩૬મું - અદ્વૈતપદની દ્દઢતા / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી
અદ્વૈતપદ તે વાણીમાં ન આવેજી,જે આવે તે દ્વૈત કહાવેજી;
એ ગીતા તે દ્વૈત સમાવેજી, વાકજાલ વામે ત્યારે લક્ષ આવેજી. ૧

પૂર્વછાયા
વાકજાલ તે વિશ્વ માંહે, અણછતું જાણે સહુ;
નાના વિધિની વાણ ચલી, મનના મત બોલ્યા બહુ. ૧

વસ્તુ વિચારે વિશ્વ નહિ, તો આચરણ તેહનાં શાં ખરાં;
એ તો વંધ્યાપુત્રે પોતાકેરાં, ચિન્હ લખી સાચાં કર્યાં. ૨

સંસાર સુત વંધ્યાતણો, તમે જાણજો નિરધાર;
પોતે કહે ને પોતે સાંભળે, એ વાણ્ય્નો વિસ્તાર. ૩

ધર્મ અર્થ કામ મોક્ષ લખિયા, ભૂત ભવિષ્યને વર્ત્તમાન;
બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસી, એ વંધ્યાસુત નિદાન. ૪

અંડજ, ઉદ્ભિજ્જ, સ્વેદજ, જરાયુજ, ચાર ખાણ ચોરાસી લક્ષ;
સ્વર્ગ મૃત્યુ પાતાળ દશો દશ, સર્વ વંધ્યાસુતની પક્ષ. ૫

જન્મમૃત્યુ ને દેહ કર્મ, ગુણ નથી કાંઇ પ્રાય;
મંત્ર યંત્રને યજન યાજન, વંધ્યાસુતની કાય. ૬

દાતા ભુક્તા દેશ કાળ, કર્મ ફળ સર્વે જાણો એહ;
થયું નથી તેનું થાય શ્યાનું, એ તો મિથ્યા પુરુષનો દેહ. ૭

વસ્તુ વિચારે કાંઈ નથિ, તે અણછતું રહે જાય;
શિવ તો તેમનો તેમ સદા, જેહને લિંગ નહિ પ્રાય. ૮

જેને ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ નહિ, અન્યવિના ગ્રહે તે કોણ;
આરોપણ એ વિશ્વ સઘળું, એ તો સ્ફુર્યા છે ત્રણ ગુણ. ૯

કહે અખો એ વસ્તુ વિચારે, ન મળે સ્થળ કાંઇ જંતને;
જેમ છે તેમ એ શિવ સદા, નિજસ્ફુરણ મહંતને. ૧૦
________________________________________
વાકજાલ = વાણીની જાલ.


0 comments


Leave comment