20 - સરકસના કૂવામાં કાગડાઓ / કિશોર જાદવ


   ઓરડાની મધ્યમાં व આવી ઊભો. ચારે દીવાલો પરથી નીતરતા પ્રકાશમાં, પાંખો પસારીને બેઠેલાં અસંખ્ય પતંગિયાની જેમ એના પડછાયાઓ ફરકતા હોય એમ લાગ્યું. સામે, બારીના કાચની પાછલી બાજુએ, આંખો પર ઊતરી આવતા પડળ જેવા ધુમ્મસની છત પર, એક ખૂંધાળી આકૃતિ ઊભેલી જણાઈ. એ એની પ્રતિકૃતિ હતી કે કશોક આભાસ? ખાતરી કરવા व સહેજ હલ્યો. પડછાયાઓ એકમેકને ભેદતા, છિન્નભિન્ન થઈ ગયા. જોયું તો, પેલી આકૃતિ, પંખાળા પગે ત્યાંથી નાસતી હતી. ચોપાસ ઉમટતા મૃગજળના અજગરી ચટાપટા જોઇને દિશાશૂન્ય બનેલું ઊંટ, ગાંગરતું હતું. દોડતું હતું. ભીની માટીને, પગના ચાપકાં પર દાબી રચેલાં નાનકડાં ઘરોથી ખીચોખીચ શહેર, ક્ષિતિજમાં તરતું દેખાયું. એણે હર્ષોલ્લાસમાં ઊંચે દષ્ટિ કરી. સફેદ કાગડાઓ, કોઈક પારધીએ નાખેલી જાળ સાથે, ભયત્રસ્ત અવાજ કરતા, જાણે હાલરડાં ગાતા હોય એમ-એક કતારમાં, પેલા શહેર તરફ, એના માથા પરથી અદ્ધર ઊડતા જઇ રહ્યા હતા. હમણાં જ વરસી ગયેલા વરસાદનાં બાઝી રહેલાં ફોરાં, રસ્તાની આજુબાજુ તગતગતાં હતાં. થોડેક દૂર, અટૂલા મકાનના બારણાં વચ્ચે ઊભેલી વ્યકિત, આ તરફ પ્રતિક્ષિત ચહેરે વકાસી રહી હતી-જાણે व ના આગમનને આવકારવા છેક નજદીક જતાં, ધૂંધળા ફાનસને એની સામે ઊંચે ઉઠાવતો હોય એમ, હાથની છાજલી નીચેથી એની ફગફગતી આંખોને व સામે ધરી. અણધાર્યા, એમની વચ્ચે કશીક ચિરપરિચિતતા સ્થપાઇ. એના આધારે, એ “આધેડ પાછળ व દોરવાયો. મકાનમાં પ્રવેશતાંવેંત, જાણે ચોમેર બેઠેલી વ્યકિતઓ સાથે, ઉત્તેજાયેલી દશામાં, એણે ઉગ્ર ચર્ચા આદરી. व ને લાગ્યું કે એની લપસણી જીભ, કોઈ અવાવરુ વાવ જેવી હતી. એના બોખલા અવાજ પરથી व આવું જ કંઈક ઉપજાવી શકયોઃ “અહીં હાલતા ચાલતા, લખલખ માણસોની એક વસાહત હતી. એમાંનાં કેટલાંક, કયારેય જનમ્યાં નહોતાં, એટલે કદી મૃત્યુ પામ્યાં કે પામવાનાં નહોતાં, તો કેટલાંક, ક્ષણે ક્ષણે ‘જન્મતાં હતાં ત્યાં જ...' બોલતાં, એનાં સઘળાં ગાત્રોને ચકળવકળ ફેરાવતો. કશીક એકધારી ચેષ્ટાઓ એ રચ્યા કરતો હતો-એક ક્ષણ પણ થંભ્યા વિના-કદાચ એની સર્વ હિલચાલ, સદંતર થીજી જાય, નિશ્રેષ્ટ બની જાય. એ બીકે; એમ व ને લાગ્યું. આમ, એની એ હિલચાલના લીધે, ચારે તરફ પ્રવર્તતા વેગનાં આંદોલનોમાં, આધેડ સતત વર્તુળાતો હતો. ત્યાં, બાજુમાંથી સંભળાતાં શહેરનો ઘોઘાટ, છોળભર્યા પગલાંની ભરતી, હવાની કિલકારીઓ... ધીમે ધીમે ઓસરતા જતા હોય એમ લાગ્યું. જોયું તો, કોઇ અણશીખાઉ હાથે કળીચૂનાથી દોરેલા ચિત્ર શો આઘેડ, જડાઇ ઊભો હતો. નિર્જીવ. પણ બીજી જ ક્ષણે, વળી પૂર્વવતુ પેલો તરવરાટ ઊછળતો દેખાયો. હવે આધેડ, અવિરતપણે કશુંક બોલતો હતો. ત્યારે એના અવાજની પેલે પાર, એક વિશ્વ સળવળતું હતું. ઘેઘૂર વડલાનો પથાર, દષ્ટિમર્યાદાની બહાર, વિલસી રહ્યો હતો. લટકતી વડવાઈઓની આંટીઓમાં व અને સુપ્રિયાનું કાલે કાલું હાસ્ય હિંચોળાતું હતું. એમનું એક અબૂઝ અને નિર્ભેળ જગત, ફેરફૂદડીઓમાં હિંડોળાતું હતું.
   ‘આ શહેરમાં, હું જન્મ્યો હતો.’ જુસ્સાવેગમાં व બોલી ઉઠ્યો.
   ‘ક્યું શહેર...?'
   બાજુમાં ખસીને, બારીના ધૂળિયા કાચ પર व એ હાથનું પોતું ફેરવ્યું.
   ‘જુઓ ત્યાં...'

   દૂર દૂર ક્ષિતિજની કિનાર પર સરક્તા એક શ્વેત ધાબા સિવાય, ત્યાં કશું જ વરતાતું નહોતું.
   ‘ત્યાં તો કશું જ નથી...' આધેડે નિરસતા દર્શાવી. ઘડીભર તો व આભો બનીને આકાશ પ્રતિ ટગટગી રહ્યો. વળી એ આવેશમાં નાચી ઊઠયો :
   ‘જુઓ... શહેર...શહેર...’

   આધેડને ખભેથી પકડીને બારી નજીક ખેંચ્યો-આસ્તે આસ્તે, સફેદ કાગડાઓના હઠતા વાદળ તળે ઢંકાયેલું પેલું શહેર ઊઘડી રહ્યું હતું.
   આધેડ, એ તરફ જરા દષ્ટિપાત કર્યો. ત્યાં ઓચિંતા, એક આંચકા સાથે, જાણે જીર્ણશીર્ણ ભીંત તૂટી પડતી હોય એમ અનુભવ્યું. પેલાના શરીરના ભાંગી ગયેલા પોપડાઓની ભુક્કી, व ના હાથમાંથી વેરાઈ ગઇ. બહાર દોડી આવતાં બરાડયો : “ ના... નહીં... ના...”- જાણે બળજબરીથી, કોઈક એનું અપહરણ કરી જતું હોય એમ. એકાએક એને ભાન થયું. જેની સાથે વર્ષોથી વસતો હતો, એ પોતાનો જ પડછાયો, જાણે ખાંધ પર व ને ઉપાડીને ! પૂરપાટ દોડી રહ્યો હતો. એણે મંત્રમુગ્ધ નજરે આસપાસ જોયું. માઇલોને , અંતર માત્ર પલકવારમાં કાપીને, આધેડના મકાનની પછવાડે આવેલા આકાશમાં ઝબુકતા પેલા શહેર વચ્ચે એ આવી પહોંચ્યો હતો. સામે, મકાનોના ઢગલાબંધ કરચલા, અનંતતામાં વિસ્તર્યે જતા હતા. વચ્ચે વહેતા રસ્તાની ધોરી નસ પર, આંગળી મૂકીને આ સૃષ્ટિના ધબકારા ગણવાનું મન થઈ આવ્યું. ઊડી ગયેલા સાપે ઉતારી નાખેલી કાંચળી જેવી શેરીઓ વચ્ચેથી એ પસાર થયો. આ દરમ્યાન, કોઈકની સાથે આડીઅવળી વાતચીત કરવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. પણ ચારેકોર ખુલ્લા રહી ગયેલાં સહસ્ત્ર બારી-બારણામાંથી, કશા જીવનો સંચાર સુધ્ધાં પામી શકાતો નહોતો. શેરીઓની આંટીઘૂંટીઓમાં ફેંદાતો, ઘૂમીઘૂમીને જ્યાંથી નીકળતો હતો, એ જ સ્થળે ફરી આવીએ અટવાતો હતો. અથવા તો અહીં ઠેરઠેર ગલીકૂંચીઓના સઘળા ઘાટઘૂટ દેખાવે તદ્દન એક સરખા હતા. બહાર નીકળવાનો કયાંય માર્ગ ઉકલતો નહોતો. “કોઈ છે.? કોઈ છે...?” એણે રાડ નાખી. પણ જાણે ખાલીખમ ઇંડાના કોચલાની બેબાકળી નીરવતા પડઘમી ઉઠી. ભય-વ્યાકુળ દશામાં, એ ત્યાંથી નાઠો. અધવચ્ચે એની નજરની ઊંચી પાળ પાછળ, કયાંક મેદાનમાં ખેલકૂદ કરતાં બાળકોનો કલશોર સંભળાયો. એણે આનંદિત શ્વાસ ફેંક્યો. ત્યાં દૂર હવામાં તોળાઈને, મકાનો પર ઝપટાતા સફેદ કાગડાઓના કકળાણ વચ્ચે એ આવી થોભ્યો. અત્યારે, પારધીની પેલી જાળ ક્યાંય નજરે ચઢતી નહોતી. આ શ્વેતપંખા નગરનો અર્ધ ભાગ, व ના રહેણાંકને હુબહુ મળતો આવતો હોય એમ લાગ્યું. એ મકાનના અધખુલ્લા બારણાને, સહજભાવે એણે હળવેકથી ધક્કો લગાવ્યો. એ સાથે પાંખોના ઝુંડનો ફફડાટ, એને અડફેટમાં લેતો બહાર ધસી વિખેરાઈ ગયો. એને યાદ આવ્યું. દિન-પ્રતિદિન, આ શહેરને અવરોધરૂ બનતા પેલા ઘેઘૂર વડને, વહેરી નાખવામાં આવ્યો હતો. ને હવે કાગડાઓના લાવ-લશ્કરે, આ મકાનોમાં વાસ કર્યો હતો. અહીંથી સરળતાપૂર્વક व બહાર મેદાનમાં નીકળી આવ્યો. વડના વિશાળ થડ પર બેસી પડયો. ક્ષણભર તો, એ થડ પર, વર્ષોએ આંકેલા ચકામાને ધારી ધારીને નીરખી રહ્યો. ત્યારબાદ, એક પછી એક કુંડાળા પર આંગળીના ટેરવાને ચકરાવવા લાગ્યો-એ વડના આયુષ્યને તાગવા. એક...બે...ત્રણ...ચાર... ગણતરી કરતો, એમ એ ક્યાંક વર્ષોના પોલાણમાં ઊંડે ને ઊંડે ઊતરતો જતો હતો.

   “થોભી જાઓ.. થોભી જાઓ...” કોઇકનો ચેતવણીભર્યો ઉહાપોહ સંભળાયો. એણે ઊંચે દષ્ટિ ફેરવી. પેલા શહેરમાંથી પ્રેક્ષકોના ટોળેટોળાં ઉમટયાં હતાં-પોતે જાણે સરકસમાં, મોતના કૂવાના ખેલમાં ઝૂઝતો હતો. આ કૂવાના ઘેરાવામાં, બેફામ વેગે, વાયુમંડળની જેમ व મારફાડ ઘૂમી રહ્યો હતો. ત્યાંથી હવે એ નીચે જઇ શકતો નહોતો. ઉપર આવી શકતો નહોતો. ને ઝીણવટથી એણે જોયું તો, એના અંગેઅંગ પર લીલા ઘાસનું વન ઊગી નીકળ્યું હતું. એ ઘાસમાં, પંખીઓએ માળો ગૂંથ્યો હતો. ને સાંકડી પગદંડીઓ પર, કીડીઓની હાર જેવી, નાગાબાવાની જમાત, ક્યાંક ચાલી જતી હતી.
* * *


0 comments


Leave comment