1.61 - પારધીના હાથમાં અસલી હતી / હેમેન શાહ


પારધીનાં હાથમાં અસલી હતી,
લોકશાહી વનની બિનઅમલી હતી.

એમ આસાની થઈ ઉત્થાનની
પડખે નાગરવેલની, કદલી હતી.

એક પણ ઘર ના બન્યું, દુર્ભાગ્ય છે,
પણ ઈમારત તો બહુમજલી હતી.

કર્કવૃત્ત પર કોઈને જઈ મેં પૂછ્યું :
એસ્કિમોની શું વ્યથા અસલી હતી ?

તર્જનીએ આંખને લૂછ્યા પછી,
કંકુચોખામાં ડૂબી ટચલી હતી.


0 comments


Leave comment