1.63 - ખાખી વરદીને પહેરી એક મવાલી નીકળે / હેમેન શાહ


ખાખી વરદીને પહેરી એક મવાલી નીકળે,
ને સલામી ઝીલતી રૈયત નમાલી નીકળે.

જ્યાં ટકોરા થાય, વિચારું – ખુશાલી નીકળે,
પણ હકીકતમાં ટકોરા ખુદ ખયાલી નીકળે.

કૈંક રખડુ તારલાઓ સાથે ઊઠવું, બેસવું,
શો ફરક છે રાત રૂપેરી કે કાળી નીકળે?

હું અમસ્તાં કાવ્યની બારી ઉઘાડું તો અરે !
કોણ જાણે વેદના કોની સફાળી નીકળે ?

આ નિયમસર થઈ જતો મુશાયરો બરખાસ્ત પણ,
શાંત ખુરશીની નીચે એકાદ તાળી નીકળે.


0 comments


Leave comment