1.64 - રાજી થઈને બેટા ચાલ, ટોપીમાંથી સસલું કાઢ / હેમેન શાહ


રાજી થઈને બેટા ચાલ, ટોપીમાંથી સસલું કાઢ;
હકડેઠઠ છે લોક-જુવાળ, ટોપીમાંથી સસલું કાઢ.

કાજળ જેવો છે અંધાર, પૂનમ અંગે છે ચકચાર,
વાદળ ! કર આછી હિલચાલ, ટોપીમાંથી સસલું કાઢ.

હોઠ ઉપર છે ધીમું સ્મિત, નીચી નજરોમાં સંગીત,
આ જ ઘડી છે બસ તત્કાળ, ટોપીમાંથી સસલું કાઢ.

પાથર તું સ્મરણોની સેજ, મોકો છે ઝીણો ને સ્હેજ,
ઝોકું ખાય જરા ઘડિયાળ, ટોપીમાંથી સસલું કાઢ.

કંઈ સૈકાથી છે સંગ્રામ, ક્યારે થાશે યુદ્ધવિરામ ?
નીચે મૂકી બરછી ઢાલ, ટોપીમાંથી સસલું કાઢ.


0 comments


Leave comment