1.70 - અધોગામી ગાડરિયાં વહેણોની સામે / હેમેન શાહ


અધોગામી ગાડરિયાં વહેણોની સામે, રહી છે મને દુશ્મનાવટ હમેશા,
પ્રવાહોમાં ઘસડાઈ જાવાને બદલે, જવાનું મેં રાખ્યું ઉપરવટ હમેશા.

નથી વેંત ઊંચે કદી ચાલનારો, નથી ધૃતમાં હું બધું હારનારો,
છતાં કેમ મારે ‘નરો કંજરો વા'ની કરવી પડે છે બનાવટ હમેશા?

પહોંચી નથી કેમ શકતો કદી પણ, હું સંવેદનાના બરફમય શિખર પર?
તૂટે છે ક્યો તાર જેથી કરી ના શકે રાગની હું જમાવટ હમેશા?

પણે દૂર છે એક જંગલ ભયાનક, ને જેની વચોવચ છે કિલ્લો જૂનો જ્યાં,
ફકત એક ચુંબન તણી રાહ જોતાં, બદલતું રહે કોઈ કરવટ હમેશા.

નગરની ભલે હોય જાહોજલાલી, મહેલો, ઝરૂખા, કમાનો, ફુવારા,
દટાઈ જવું / ડૂબવું / ભડકે બળવું, થશે અવદશા આ જ છેવટ હમેશા.


0 comments


Leave comment