1.73 - હે અળવીતરી અડધી એક ગઝલના શે'ર / હેમેન શાહ


હે અળવીતરી અડધી એક ગઝલના શે’ર,
શરમા થોડો, ને છંદોનાં વસ્ત્રો પ્હેર.

બ્રેડ સમા સૌ ખેતર પર ચોપડવો સૂર્ય,
એમ સવારો ઘરગથ્થુ, કરવી જાહેર.

ભાવ ચડે જેમ ‘છના વીસ' “દસના પચ્ચીસ',
ઉમ્મરનું વધવું એ પણ છે કાળોકે’૨.

ઝરણાં જેવી હાથ તણી રેખાઓ આપ,
હું કરવા ચાહું છું ભરપૂર લીલાલ્હેર.

સાંજે ઝાલર વાગે ને છૂટે નિશાળ,
સ્કૂલબસમાં પંખીઓ બેસી ચાલ્યાં ઘેર.

પાન ઉપર બે ટીપાનું જ્યાં ઘર છે ત્યાં જ,
મેઘધનુષને બાંધો, બોલાવી ઈજનેર.


0 comments


Leave comment