1.75 - બંધ છે આંખ ને સામે કિતાબ, જોઈ લો ! / હેમેન શાહ


બંધ છે આંખ ને સામે કિતાબ, જોઈ લો !
પૃષ્ઠથી નીકળી ગયા જનાબ જોઈ લો.

એ પછી રગ જુઓ કે રક્તદાબ જોઈ લો,
દિલધડક પણ જરૂર આજ ખ્વાબ જોઈ લો.

સામે પ્રસ્તાવ સ્વપ્નમાં મૂક્યો ગઈકાલે,
આંખ મીંચો જો આજ તો જવાબ જોઈ લો.

સાવ એળે નથી ગઈ પ્રણયની નિષ્ફળતા,
સ્વપ્નશ્રીનો મને મળ્યો ખિતાબ જોઈ લો.

રાત પૂરતો જ એ સીમિત રહે તો સારું પણ,
ફેલતો અંધકારનો નકાબ જોઈ લો.


0 comments


Leave comment