1.76 - પ્રશ્ન કે પગરવ કે પડછાયા વિના / હેમેન શાહ


પ્રશ્ન કે પગરવ કે પડછાયા વિના,
આવ, ચાલી આવ, શરમાયા વિના.

ડાબી બાજુ મોહ, જમણે મોક્ષ છે,
ચાલવાનું વચ્ચે લલચાયા વિના.

તંતુઓ તેજસ્વી તૂટી જાય છે,
આંગળાંની વચ્ચે કંતાયા વિના.

બે મિનિટનું મૌન એના માનમાં,
જે પ્રસંગો રહે છે ઊજવાયા વિના.

સ્મિત પણ મળતું જવલ્લે હોય છે,
ગિફ્ટના રેપરમાં વીંટળાયા વિના.

એ હતું અભરાઈ પર વર્ષો સુધી,
ને ગયું પસ્તીમાં વંચાયા વિના.


0 comments


Leave comment