1.77 - વિચારોને વિખરવા દો, જવા દો કંઈ નથી કહેવું / હેમેન શાહ


વિચારોને વિખરવા દો, જવા દો કંઈ નથી કહેવું,
હજી જ્યોતિ થથરવા દો, જવા દો કંઈ નથી કહેવું.

છીણી લઈ એ કળામય શિલ્પ કંડારે છે મારામાં,
પીડાને કામ કરવા દો, જવા દો કંઈ નથી કહેવું.

ઘણી ખોટી જગાઓ પર રખડવું પણ પડે છે દોસ્ત !
પરિમલને પમરવા દો, જવા દો કંઈ નથી કહેવું.

બરાબર બાળપણ જેવું જ અણસમજુ ઝરણ ખળક્યું,
જરા આંખોને ઠરવા દો, જવા દો કંઈ નથી કહેવું.

હજારો દીપમાલા જે રીતે મંદિરમાં પ્રગટે છે,
તમે સ્મિતને મુખરવા દો, જવા દો કંઈ નથી કહેવું.

એ કેડી હો, પરિચય હો, પ્રતીક્ષા હો, કે ફિલસૂફી,
બધે ધુમ્મસ પ્રસરવા દો, જવા દો કંઈ નથી કહેવું


0 comments


Leave comment