1.79 - પૂર ક્યાં ક્યાં સુધી જશે એ હદ ઠરી ક્યાં છે? / હેમેન શાહ


પૂર ક્યાં ક્યાં સુધી જશે એ હદ ઠરી ક્યાં છે ?
ગામ માટીપગું નથી – ની ખાતરી ક્યાં છે?

હોય વંટોળના પરિઘ મહીં સુરક્ષિતતા,
ફક્ત શોધી શકો છો પાતળી ધરી ક્યાં છે?

ઊઠે દેવળના ઘંટનાદ જેમ તોફાનો,
કોઈ શાસન સમુદ્ર પર તો લશ્કરી ક્યાં છે?

વાસનાને દમન-દહન-દફન કરો તો પણ,
એ સમાધિમાં અંતરાય આખરી ક્યાં છે?

કે પ્રવેશો વિવેકથી, ઉતારીને ટોપી,
ઢંગ ગુર્જર લિપિનો દેવનાગરી ક્યાં છે?


0 comments


Leave comment