1.81 - ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે / હેમેન શાહ


ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે,
પાંખ ફફડાવે અને અસ્થિમાં સારસ ઊઘડે.

હું તૃષામાં તરબતર, ધ્રૂજું નહીં તો શું કરું ?
હાથ છેટે ખેતરો લીલો ને લસલસ ઊઘડે.

વાત એવી શું હશે વર્ષાની બરછટ છાંટમાં,
કે અચાનક યાદમાં ચ્હેરાના અતલસ ઊઘડે ?

ક્યાં પહોંચ્યો છું વગર ઝાલ્યે પરીની આંગળી ?
સ્પર્શ કરવા જાઉં ને શમણાનું ધુમ્મસ ઊઘડે.

સાત રંગોમાં પછી ક્ષમતા બયાનીની નથી,
જો ઉષાની જેમ બસ એકાદ માણસ ઊઘડે.


0 comments


Leave comment