1.84 - જળના આંતરવિગ્રહમાં ડૂબેલી કશ્તી અમર રહે ? / હેમેન શાહ


જળના આંતરવિગ્રહમાં ડૂબેલી કશ્તી અમર રહે ?
તો છેકાઈ જાઓ પછી ક્યાંથી આ હસ્તી અમર રહે?

નોટબુકો પર ધન્ય તમારો ફોટો બેઠો રાજ કરે,
બાકી વસ્તી એને દાઢીમૂછ ચીતરતી અમર રહે.

શૌચ પતાવે છે પંખીઓ ખાં બ્હાદુરના માથા પર,
તાવ દીધેલી મૂછોની પથ્થરિયા સખ્તી અમર રહે.

જીવતાં હો તો ખાવું, પીવું, માંદા પડવું ઈત્યાદિ,
વર્ષે વર્ષે મૃત્યુનોંધમાં સૌ બિનશરતી અમર રહે.

વીસ સદીના અંત લગી આ પૂગ્યો તો લે દેખ કવિ !
અપશબ્દોથી ખદબદ ભાષા મરતી મરતી અમર રહે.


0 comments


Leave comment