1.5 - વિદ્યા-અનુસંધાન એ જ સાચી અંજલિ / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની   ચારેક માસના ગાળામાં જ આપણે પ્રાચીન-અર્વાચીન સાહિત્યના બે મેધાવી વિવેચક-સંશોધકો ગુમાવ્યા– ગયા નવેમ્બરમાં, જેને જરાય અતિશયોક્તિ વગર પ્રકાંડ વિદ્વાન કહેવાય એવા, હરિવલ્લભ ભાયાણીને અને હવે જયંત કોઠારીને. જયંતભાઈએ ભાયાણીસાહેબની વિદાય પછી કહેલું એ હવે આપણે આ બન્ને વિદ્વાનો માટે કહેવાનું રહ્યું : હવે આપણે મધ્યકાલીન સાહિત્ય અને સંશોધન અંગેના નાના-મોટા કોયડા લઈને કોની પાસે જઈશું?
*
   ગુજરાતના વિદ્યાજગતમાં અને સાહિત્યજગતમાં જયંત કોઠારી (૨૮.૧.૧૯૩૦ - ૧.૪.૨૦૦૧) ની શાખ એક શ્રદ્ધેય વિદ્વાન તરીકેની હતી. વિદ્યારુચિ થોડીક પણ કેળવાયેલી હોય અને ખરી જિજ્ઞાસા હોય એવા સાહિત્યના વિદ્યાર્થીઓ અને નવદીક્ષિત અધ્યાપકો પણ જયંતભાઈનાં લખાણો તરફ આકર્ષાતા કેમકે એમાંથી તેમને સમજાય એવું સંતોષકારક, ઉપયોગી અને નક્કર કશુંક ને કશુંક મળી રહેશે એવો એમને વિશ્વાસ હતો. જયંતભાઈનું કોઈપણ વિદ્યાકીય કામ પાયામાંથી આરંભાતું, જિજ્ઞાસુ અભ્યાસીને સાથે લઈને ચાલતું ને પછી આરોહણ કરતું- દુર્ગમ અને દુર્બોધમાં પણ પ્રવેશીને, કુશાગ્ર વિશ્લેષણશક્તિથી અને મર્મજ્ઞતાથી એને સુબોધ- વિશદ કરી આપતું. શાળાકક્ષા માટેનું વ્યાકરણ -વિષયક લખાણ હોય કે અખાની કૂટ તત્ત્વચર્ચાનો લેખ હોય- પોતે ગૂંચાયા વિના ને વાંચનારને ગૂંચવ્યા વગર, વસ્તુ-વિગતને તેમજ લખાવટને સ્પષ્ટ ને ચોખ્ખાં રાખીને એ ચાલતા, હંમેશાં.

   શિક્ષક કે વક્તા તરીકે તેમની એક લાક્ષણિક મુદ્રા ઊપસેલીના હતી. આંજી નાખવાની કોઈ પેરવી નહીં – એવો સ્વભાવ જ નહીં; તારણો પકડાવી દેવાની કશી ઉતાવળ પણ નહીં. વિષયના હાર્દને તે ક્રમશઃ મુદ્દાસર ખોલતા રહે, સજ્જતાપૂર્વક આગવી દૃષ્ટિનાં નિરીક્ષણો આપતા રહે ને એમ વક્તવ્યવિષયને નક્કરતાનો સ્પર્શ આપે. એથી તેમની સ્વસ્થ-ગંભીર અને તર્કાશ્રિત વક્તવ્યરીતિ પ્રભાવક, અને રસપ્રદ પણ બની રહેતી. તેમણે સાહિત્યસિદ્ધાંતો- વ્યાકરણ- ભાષાવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો તેમજ પાઠ્યસામગ્રીને સંકલિત કરતાં સંપાદનો કર્યા છે એ બધામાં તેમની લાઘવભરી છતાં વિશદ-પ્રવાહી રહેતી લેખનશૈલી પણ સૌથી વધુ કારગત નીવડી છે. શિક્ષકની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને શાસ્ત્રીય વિષયનું આધારભૂત પુસ્તક લખનાર તરીકેનો આ કૌશલ-વિશેષ એક બીજા શિક્ષક- વિદ્વાન સ્વ. પ્રબોધ પંડિતની યાદ આપી જાય છે.
*
   વતન રાજકોટમાંથી ૧૯૪૮માં મેટ્રીક થયા એ પછી, તેજસ્વી કારકિર્દી છતાં, જયંતભાઈ માટે તરત કૉલેજ-અભ્યાસ શક્ય ન બન્યો– કૌટુંબિક વ્યવસાયમાં જોડાવાનું થયું. કટલેરીની દુકાન ચલાવી, અને રેલવેક્લેઈમ્સના એજન્ટ તરીકે કામ કર્યું. આ દિવસોમાં પણ, જયંતભાઈ એકવાર કહેતા હતા કે, કુટુંબ ને પડોશના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાનું, ભણાવવા-શીખવવાનું તેમને ગમતું. વિદ્યાપ્રીતિ અને અધ્યાપનપ્રીતિ આમ સ્વભાવમાં જ પડેલાં હતા.

   પાંચેક વર્ષના આવા અધ્યયન-વિરામ પછી ઉચ્ચ શિક્ષણ લેવાનું શરૂ કર્યું ત્યારે ખંતભરી અભ્યાસવૃત્તિ અને તેજસ્વિતાને કારણે બી.એ.(૧૯૫૭), એમ.એ.(૧૯૫૯)માં પ્રથમ વર્ગ મેળવ્યો અને રાજકોટ છોડી અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયા. સ્વાધ્યાય-શીલતાનું સાતત્ય એવું કે અધ્યાપક થયાને બીજે જ વર્ષે રાજકોટના સહાધ્યાયી મિત્ર પ્રા. નટુભાઈ રાજપરા સાથે તૈયાર કરેલું પુસ્તક ‘ભારતીય કાવ્યસિદ્ધાંત'(૧૯૬૦) તેમણે આપ્યું. આ પ્રારંભિક અધ્યયન, હમણાં મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર- વ્યાખ્યાનમાળા નિમિત્તે કરેલા સ્વાધ્યાય- પુસ્તક ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા’ (૧૯૯૮)માં પરિપક્વરૂપે, નવા સંદર્ભમાં, પ્રતિફલિત થયું છે.

   પછી તો તેમના અધ્યયન-તપનાં ફળરૂપે વિવેચન-સંપાદનનાં પુસ્તકો સતત તેમની પાસેથી મળતાં રહ્યાં. ૧૯૬૯માં, પાશ્ચાત્ય કાવ્યસિદ્ધાંતના આરંભિક વિદ્વાનોની વિચારણાને ચર્ચતું ‘પ્લેટો- એરિસ્ટોટલની કાવ્યવિચારણા' પ્રગટ થયું. (એ પુસ્તક ઘણાં વર્ષો સુધી અપ્રાપ્ય રહ્યું ત્યારે એને કેવળ પુનર્મુદ્રિત કરવાને બદલે જયંતભાઈએ, એમાં લોન્જાઈનસની વિચારણા વિશેનો પોતાનો અભ્યાસ ઉમેરીને ૧૯૯૮માં ‘પ્લેટો- એરિસ્ટોટલ અને લોન્જાઈનસની કાવ્યવિચારણા' પ્રગટ કર્યું.) ૧૯૬૯ના વર્ષમાં જ, તેમની સમતોલ અને સ્પષ્ટ નિરીક્ષણ-શક્તિને તેમજ ઊંડા અભ્યાસપૂર્વક કરેલાં નિજી પ્રતિપાદનોને રજૂ કરતો, મધ્યકાલીન-અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશેના લેખોનો સંગ્રહ ‘ઉપક્રમ’ પણ પ્રકાશિત થયો – જેણે એક મર્મજ્ઞ વિવેચક તરીકે તેમને પ્રતિષ્ઠિત કર્યા. એ પછી, એમનું અધ્યયન-વિવેચન વધુ ને વધુ પક્વ ને સંગીન થતું ચાલ્યું - ઊંડાણની સાથે વ્યાપ પણ વિસ્તરતો રહ્યો. સાહિત્ય-વિચારના, પાયાની પોતીકી ભૂમિકા રચતા કેટલાક લેખોની સાથે સર્જન-વિવેચનના પ્રવાહોને અવલોકતા, આગવાં નિરીક્ષણો આપતા દીર્ઘ અભ્યાસલેખો એમણે આપ્યા છે – ટૂંકી વાર્તા, નિબંધ આદિ સ્વરૂપોની સ્પષ્ટ-સ્વચ્છ વ્યાવર્તક રેખાઓ ઉપસાવી આપતા લેખો એના દૃષ્ટાંતરૂપ છે. પ્રવાહદર્શી મૂલ્યાંકને લક્ષ્ય કરતો, ગુજરાતી સાહિત્યવિવેચનનાં મુખ્ય સ્થિત્યંતરોની તુલનાદર્શી વિશદ ચર્ચા કરતો અને ત્યાં સુધીના કેટલાક મહત્ત્વના વિવેચનગ્રંથોની તલસ્પર્શી સમીક્ષા આપતો ગ્રંથ ‘વિવેચનનું વિવેચન’ (૧૯૭૬) વિશેષ ધ્યાનપાત્ર છે.

   જયંતભાઈની, વિવેચક તરીકેની આગવી મુદ્રા કૃતિવિવેચનમાં ઊપસી છે – આકરી ચિકિત્સાદૃષ્ટિથી એમણે વેધક નિરીક્ષણો કર્યા છે અને કોઈની પણ શેહમાં ન આવતું સ્પષ્ટ અસંદિગ્ધ કથન મૂકતાં એમની કલમ ક્યારેય ખચકાઈ નથી. પરંતુ સાધાર વસ્તુ- વિચાર- પરીક્ષણ પર મંડાયેલી ને નરી સાહિત્યપ્રીતિથી જ દોરવાયેલી રહી હોવાથી એમની આ તેજસ્વી સમીક્ષાઓ ઉચ્છેદક નહીં પણ વિધાયક વિવેચનના નમૂનારૂપ છે. વળી ક્ષતિઓની જેમ જ, કોઈ પણ લેખકના ઉત્તમાંશો પણ એમની ઝીણી દૃષ્ટિમાં હંમેશાં ઝડપાયા છે. ‘આસ્વાદ અષ્ટાદશી’માં મધ્યકાલીન-અર્વાચીન કૃતિઓના એમના આસ્વાદો એક સંપન્ન ભાવકની રુચિના પ્રસન્ન પ્રતિભાવ- આલેખો છે. પરંતુ તેમાંય કૃતિના વસ્તુ/ સંવેદનના પરિઘમાંથી બહાર નીકળી જતી ઉડાઉ છાપગ્રાહિતા કે રંગદર્શિતા તો ક્યારેય જોવા નહીં મળે.

   ઉપયોગી, અધિકૃત ને ઉત્તમ અભ્યાસ-સામગ્રી વિદ્યાર્થીઓને સુલભ કરી આપવી એને જયંતભાઈ અધ્યાપક- વિવેચકનો એક પ્રધાન ધર્મ માનતા ને તેમના આ આગ્રહને તેમણે ચરિતાર્થ કરી બતાવ્યો- નમૂનેદાર સંપાદનો- સંચયો અને સ્વતંત્ર પાઠ્યપુસ્તકો આપીને. અનેક સામયિકો-પુસ્તકોમાં વેરાયેલી અભ્યાસી લેખકોની લેખ-સામગ્રીને સંકલિત કરીને, અને સંમાર્જિત- સંપાદિત કરી લઈને તેમણે ગુજરાતીમાં નિબંધ, ટૂંકીવાર્તા અને એકાંકી સ્વરૂપો વિશે કરેલાં ત્રણ સંપાદનો (અનુક્રમે ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૮૦) તેમની શ્રમશીલ ને આયોજનયુક્ત સંપાદનશક્તિનાં – ને સાચી વિદ્યાર્થીહિત- ચિંતાનાં દૃષ્ટાંતો છે. ‘સરસ્વતીચંદ્ર : વિસરાયેલાં વિવેચનો' (૧૯૮૭) માં પણ, અભ્યાસીઓને ઉપયોગી બનનારી એમની સંશોધન- સંપાદનદૃષ્ટિ ઉપરાંત સાહિત્યના વિદ્યાર્થીઓને માટે સહાયક સંદર્ભસામગ્રી સુલભ કરી આપવાની કાળજી પણ જોવા મળશે. એમની આવી જ આગવી સંપાદનદૃષ્ટિનો ખ્યાલ આપનારો એક ગ્રંથ – મેઘાણી વિશેનાં અદ્યાવધિ પ્રકાશિત વિવેચન- લખાણોમાંથી સંમાર્જિત- સંપાદિત કરીને વ્યવસ્થાપૂર્વક મૂકી આપતો ગ્રંથ હવે પ્રકાશિત થવાનો છે. (‘મેઘાણીવિવેચનદોહન' નામે, બે બૃહત્ ખંડોમાં એ ગ્રંથ ૨૦૦૨ માં પ્રગટ થયો છે.) ભાષાવિજ્ઞાનના વિષયમાં જ્યારે એક તરફ ઉત્તમ છતાં અસુગમ તથા બીજી તરફ અવિશ્વનીય અને અનધિકૃત પુસ્તકોની વચ્ચે વિદ્યાર્થી મૂંઝાતો હતો ત્યારે ઘણાં મથામણ અને અભ્યાસ કરીને ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૭૩, પાંચમી આવૃત્તિ ૧૯૯૪) નામનું એક સાચા અર્થમાં માર્ગ-દર્શક પાઠ્યપુસ્તક તેમણે આપ્યું.

   એક અધ્યાપક- વિવેચકની સર્વદેશીય સજ્જતાના સંદર્ભમાં મધ્યકાલીન સાહિત્ય પણ આરંભથી જ તેમના રસનો વિષય તો રહેલું જ. ‘ઉપક્રમ’માંનો ‘પ્રેમાનંદ : તત્કાલે અને આજે’ એ દ્યોતક લેખ, ‘અનુક્રમ’ (૧૯૭૫)ના લેખો તથા પ્રેમાનંદ અને ‘નરસિંહ મહેતા’ પરના દીર્ઘ-સઘન અભ્યાસો અને મધ્યકાલીન કૃતિઓનાં શાસ્ત્રીય સંપાદનો એની સાહેદી પૂરશે. પરંતુ, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદમાં, સાહિત્યકોશના મુખ્ય સંપાદકની કામગીરી સ્વીકારી એ પછી મધ્યકાલીન સાહિત્યનો તેમનો અભ્યાસ સર્વાશ્લેષી અને મર્મગામી બન્યો. મધ્યકાલીન કર્તા-કૃતિઓ વિશેના કોશની સંદર્ભસામગ્રી તૈયાર કરવા-કરાવવાના આ ગંજાવર કામને લીધે તેમની સજ્જતા અને અધ્યયનશીલતા, તેમની યોજકબુદ્ધિ અને સંશોધકદૃષ્ટિ વધુ ને વધુ સમૃદ્ધ થતાં ગયાં. પરિણામસ્વરૂપ, ‘ગુજરાતી સાહિત્યકોશ: ખંડ-૧: મધ્યકાલીન’ (૧૯૯૩) એ અધિકૃત કોશ ગ્રંથના સંપાદન ઉપરાંત, વ્યક્તિગત રીતે પણ તેમણે મધ્યકાલીન સંપાદન- સંશોધન- વિવેચનના અનેક લેખો તથા પુસ્તકો આપ્યાં. એક જ વિષયની છ કૃતિઓને સમાવતું, તુલનાત્મક અભ્યાસ રજૂ કરતું, ‘આરામશોભા રાસમાળા' નું સંપાદન (૧૯૮૯); ‘અખાના છપ્પા: કેટલોક અર્થવિચાર’ નામનું, કૂટ શબ્દોના અર્થસંદર્ભો ચર્ચતું પુસ્તક (૧૯૮૮); સંશોધક અને વિવેચકે રાખવામાં ચોકસાઈ અને સંશોધન-વિવેચનની પરસ્પર-ઉપકારકતાને, કોશસંપાદનના બહોળા અનુભવમાંથી હાથવગાં બનેલાં અનેક દૃષ્ટાંતોને આધારે, ચર્ચતા લેખોનો ગ્રંથ ‘સાહિત્યિક તથ્યોની માવજત’ (૧૯૮૯) અને પછી ‘સંશોધન અને પરીક્ષણ' (૧૯૯૮) એનાં નોંધપાત્ર ઉદાહરણો છે.

   સાહિત્યકોશનું સંપાદકપદ છોડ્યા પછી થોડાક જ વખતમાં તેમણે અધ્યાપકની નોકરીમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી અને બધો સમય, માંદગીથી શરીર ક્ષીણ થતું જતું હતું એ સંયોગોમાં પણ, સાહિત્ય- સ્વાધ્યાય- લેખનમાં કાર્યોમાં તે પ્રયોજતા રહ્યા. એનાં, અન્ય લેખનકાર્યો ઉપરાંત, બે મૂલ્યવાન પરિણામો તેમણે વિદ્યાજગત સામે ધર્યા છે. એક તે, મોહનલાલ દલીચંદ દેશાઈના પરિશ્રમસમૃદ્ધ સૂચિગ્રંથો “જૈન ગૂર્જરી કવિઓ'નું અદ્યાવધિ અભ્યાસ-સંશોધનોને આધારે કરેલું નવસંસ્કરણ (ભાગ ૧થી ૧૦: ૧૯૮૬થી ૧૯૯૭) અને બીજું મહત્ત્વનું બલકે તેમની સંપાદક- સંશોધક- શક્તિના ઉત્તમ ફળરૂપ પ્રકાશન તે ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ' (૧૯૯૫). ભાયાણીસાહેબ જેવા અધિકારી વિદ્વાને ‘જૈન ગૂર્જર કવિઓ’ના નવસંસ્કરણમાં જયંતભાઈના ‘સમુદ્ધારયજ્ઞની પૂર્ણાહુતિ’ જોઈ છે તો મધ્યકાલીન શબ્દકોશને એમણે ‘એક નૂતન શિખરનું આરોહણ’ ગણાવ્યો છે.
*
   વિવેચન-સંશોધનની સાધના તેમણે એકધારી કરી પણ આ લેખન- શિક્ષણ- ઉપાસના એકાંગી બની રહી નથી. તેમણે સાહિત્યના અધ્યાપકો- અભ્યાસીઓને પ્રેરક નેતૃત્વ પણ પૂરું પાડ્યું. ૧૯૭૮થી પાંચેક વર્ષ સુધી ‘ગુજરાતીનો અધ્યાપકસંઘ’નું મંત્રીપદ સંભાળ્યું એ દરમ્યાન સંઘની પ્રવૃત્તિઓને તેમણે વધુ આયોજનબદ્ધ, વધુ ફળપ્રદ બનાવી, પ્રતિષ્ઠિત તેમજ આશાસ્પદ અભ્યાસી અધ્યાપકોનો સાથ લઈને તેમણે વિદ્યાવિસ્તારની પ્રવૃત્તિને અર્થપૂર્ણ વેગ આપ્યો. વહીવટકાર તરીકેની તેમની કુનેહનો પણ એમાં મોટો ફાળો.

   વહીવટકારની આ કુનેહ સાહિત્યકોશના સંપાદક તરીકેની કામગીરી દરમ્યાન પણ કાર્યશીલ બની હતી. સહકાર્યકરોને ઉષ્માપૂર્વક સાથે રાખીને તેમણે માર્ગદર્શન આપ્યું. પરામર્શક સમિતિને પણ કોશ-સક્રિય રાખી તેમની પાસેથી માર્ગદર્શક રેખાઓ મેળવી, કામગીરીનું સરસ સંયોજન-આયોજન કર્યું અને એમ ‘સાહિત્યકોશ’ને સમૃદ્ધ કરવાની સાથેસાથે, ચીવટવાળા અભ્યાસી સંશોધકની બીજી હરોળ તૈયાર કરતા રહ્યા. ૧૯૮૦-૮૫ના એ ગાળામાં કોશમાં કામ કરનાર સૌ આજે પણ કહે છે કે, કોશ-કાર્યમાંથી ઘણું શીખવાનું મળ્યું છે, તો અત્યંત શ્રમકેન્દ્રી હોવા છતાં એ દિવસો મધુર સ્મરણોના પણ બની રહ્યા હતા. એમાં જયંતભાઈના સર્વગ્રાહી છતાં સહજ પ્રવર્તનનો પણ મોટો ફાળો રહ્યો.
*
   સ્વભાવ ચોકસાઈ ને આગ્રહવાળો, પણ વ્યવહારમાં જયંતભાઈ સૌમ્ય ને સૌજન્યશીલ. વ્યક્તિગત સંબધોમાં એમના આગ્રહોની ધાર વાગવા ન દે. અન્યમતસહિષ્ણુતા પણ એટલી જ. પ્રતીતિ થાય ત્યાં ફેરવિચાર પણ કરે. પરંતુ, સાહિત્યચર્ચામાં ને લેખનમાં, સાચા આગ્રહને પકડી રાખે ને અસંદિગ્ધ ભાષામાં કહી દે- સામે ભલેને ગમે તે કેમ ન હોય કે ભલેને તેમને તત્કાળ કે ભવિષ્યમાં એથી ગેરલાભ થવાનો હોય. વિદ્યાકાર્યમાં આકરી શિસ્ત પાળે ને પળાવવાનો આગ્રહ રાખે. ક્યારેક કોઈને વધુ પડતા ચીકણા કે જિદ્દી લાગે એટલા ચીવટવાળા. સાહિત્ય પરિષદમાં કોશના મુખ્ય સંપાદક રહ્યા એ લગભગ આખા ગાળામાં પરિષદના વહીવટકારો સાથે એમને મતભેદ, અને પરિણામે સંઘર્ષ થતો રહ્યો- એ સંઘર્ષની તીવ્રતા કડવાશની ને સંપૂર્ણ વિમુખતાની હદે એમને લઈ ગયેલી. પરંતુ, આ તીવ્ર મતભેદોને ને મનદુ:ખને એમણે વિદ્યાકાર્યમાં વચ્ચે આવવા દીધો નહીં. કોશ માટે જે અનુગામીઓએ જે માગ્યું એમને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું, ને પોતાના ઘડતરમાં કોશકાર્યનો ને એનું નિમિત્ત બનનાર પરિષદના ફાળાનો એમણે અવારનવાર ઉલ્લેખ કર્યો છે – ‘સાહિત્યિક તથ્યોની માવજત’ નામનું પુસ્તક પરિષદને એમણે અર્પણ કર્યું છે. જોડણી અંગેના એમના આગ્રહો વિવાદ- વિષય બન્યા એ ખરું પણ એમણે જે તાર્કિક ભૂમિકાથી પ્રતિવાદ કર્યો તે ભૂમિકા પ્રતીતિકર રહી.

   વિવેચક તરીકે એ હંમેશાં આદરપાત્ર બન્યાં પણ હંમેશાં અજાતશત્રુ પણ ન રહ્યા – વિદ્યાના સત્યને ભોગે અ-શત્રુ રહેવાનો કોઈ વિચાર એમણે કદીય કર્યો નહીં. અલબત્ત, તેમનું આકરાપણું હંમેશાં વિધાયક રહ્યું, વિદ્યાપ્રીતિથી ભરેલું રહ્યું, દ્વેષબુદ્ધિ કે પરપીડકવૃત્તિ વાળું કદી ન રહ્યું (બલકે પોતાનાં લખાણોને પોતે જ ‘વાંકદેખાં વિવેચનો' કહીને વાતને રમૂજથી હળવી કરી દીધી; નિખાલસતા ઉપર તરી આવી.) એથી તેમની ટીકા પામનારને પણ છેવટે તો તેમના વિશુદ્ધ પ્રયોજનની પ્રતીતિ થઈ હોય ને જયંતભાઈ માટેનો રોષ તેના મનમાંથી નીકળી ગયો હોય – આમ બહુ વિલક્ષણ રીતે તે અ-શત્રુ બલકે વિરોધી-શૂન્ય થતા ગયા.
*
   જયંતભાઈએ જે કામ હાથમાં લીધું એમાં શક્તિ બતાવી. વિવેચનમાં, સંશોધનમાં, સંપાદનમાં, કોશકાર્યમાં, ભાષાવિજ્ઞાનમાં – બધે તેમણે પરિશ્રમમૂલક અધ્યયનથી અને સ્વતંત્ર વિચારણાનો વિનિયોગ કરીને અધિકૃત પરિણામો પ્રગટાવ્યાં છે. અપ્રમત્ત સ્વાધ્યાયની એકાગ્રતા અને તેજસ્વી બૌદ્ધિક ક્ષમતાથી પ્રગટતી કુશાગ્રતા તેમના આ ઉત્કૃષ્ટ વિદ્યાકાર્યનું રહસ્ય છે. અને કદાચ એ જ એમની, નવા અભ્યાસીઓ માટે, એક મોટી પ્રેરકતા પણ બની શકે એમ છે. આવું વિદ્યા-અનુસંધાન જ ભાયાણીસાહેબ ને જયંતભાઈ જેવા વિદ્વાનોને ખરી અંજલિરૂપ બની શકે.

જાન્યુઆરી-માર્ચ ૨૦૦૧


0 comments


Leave comment