5 - ઘૃણા / કંદર્પ ર. દેસાઈ


   અત્યંત ઘૃણાથી મન ખદબદી ઊઠે છે, શું હક્ક છે આ પુરુષોને સુખી થવાનો? તોય એ પરમ સંતુષ્ટિથી જોઈ રહે છે. ચહેરા પરનો ભરપૂર સંતોષ એમને જોવાલાયક બનાવે છે. બાકી તો, કેવા કદરૂપા હોય છે ? સીદી જેવા કાળામેશ ને ધોળાધબ્બ ગરોળીના પેટ જેવા. ચહેરાની રેખાઓ ખેંચાયેલી. આ એક અવાજ સંભળાયો. સાવ ગમાર જેમ ચઇડ ચઇડ કરતા જોડા પહેરેલા – ન રંગનાં ઠેકાણાં ન રૂપનાં; ન આકારનાં. માત્ર શરીર જ શું કામ; બુદ્ધિ પણ ઓછી. પૈસા ને પદપ્રતિષ્ઠાની તો વાત જ ક્યાં –

   મને હજી પેલો મુસ્લિમ યુવક યાદ છે. કશું વિશિષ્ટ નહોતું એના દેખાવમાં. કપડાં સાધારણ મજૂર જેવાં. જોકે એના હોઠ લાલચટ્ટક હતા. પોતાની તકલીફની વાત કર્યા પછી કહે, ‘સાહેબ, એવી દવા આપો કે –'
   ‘લગ્ન થઈ ગયાં છે ?’
   ‘ના.’
   ‘તો પછી –'
   પછી એણે જે કહ્યું એ તો નાની સરખી વાર્તા જ જોઈ લો. એની બાળપણની બેનપણીના નિકાહ થઈ ગયા હતા. પણ પતિથી પૂરું સુખ ન હતું. ઘણા સમયે પિયર આવી હતી. આની આગળ ઇચ્છા વ્યક્ત કરી. સનાતન સત્ય સમજાવતો હોય એમ મને કહે, ‘સ્ત્રીને સુખ તો આપવું જોઈએને, મર્દ થઈને ?’
   ‘–પણ આ તારી પરણેતર તો નથી.’
   ‘તો શું થઈ ગયું? એની ઇચ્છા ટાળીએ તોય પાપ લાગે ! આખરે મર્દ ઔરતને બીજું શું આપતો હોય છે ?’ એણે સામું પૂછ્યું, મારી આંખોમાં આંખ પરોવીને એ ચમકતી-ચળકતી આંખોમાં મને જે દેખાયું એથી રુંવેરૂંવે કેવળ ઈર્ષ્યા જ ઈર્ષ્યા પ્રજળી ઊઠી. જોકે મેં એને દવા તો, એને જોઈતી હતી એ જ આપી.

   પરંતુ આવા કિસ્સા એક-બે નથી. હજી આઠ મહિના પહેલાં હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયેલી સવિતા પાછી આવી છે. કાંખમાં બચોળિયા જેવું છોકરું છે ને બીજું છે... – કેટલી ના પાડી હતી ! એને અને એના વરને ખાસ્સી સમજણ પાડી હતી. નિરોધનાં પેકેટ પણ પકડાવ્યાં હતાં. પણ બધું બેકાર, નફ્ફટ નજરે એ દાંત ખોતરતો સવિતાનું પેટ તાકી રહ્યો છે. મને દેખાય છે એની નજરમાં ભર્યોભર્યો સંતોષ, બેફિકરાઈભરી ખુમારી અને ચહેરા પર, પડશે એવા દેવાશે કે પછી, આ ગઈ તો બીજી આવશે-ની બેપરવાઈ ? હાથમાં દવાનું કાગળિયું લઈ સવિતા રવજી સાથે બહાર ગઈ. ત્યાં થોડીવારે રવજી પાછો આવી પૂછવા લાગ્યો, ‘સાયેબ કંઈ ચંત્યા જેવું તો નથીને ?’ ગુસ્સાથી મારો પિત્તો ઊછળું ઊછળું થઈ રહ્યો. શું કહેવું આને ?

   જ્યારે ચિંતા કરવા જેવું હતું ત્યારે એણે કરી નહીં. પેલાં નિરોધનાં પડીકાં એમનેમ પડ્યાં રહ્યાં, હવે આ ડફોળ પૂછે છે : કંઈ ચંત્યા તો નથીને ? તોય કહેવાયું, ચિંતા તો ખરીને, આ આવશે એનુંય પેટ તારે જ ભરવાનું છે. મહિને મહિને બતાવતો રહેજે. ઈ તો હૌ હૌનાં નસેંબનું લેઇને આવ શ.’ કહેતો પાછો દાંત કાઢતો ચાલ્યા ગયો.

   નસીબ. કેવું હોય છે નસીબ ? મને કમલ અને માધુરી યાદ આવે છે. કમલ બહુ સુંદર, દેખાવડો જુવાન, ઊંચો, ભર્યોભર્યો, સહેજ શ્યામ, રુંવાંદાર શરીર. એનો અવાજ પણ કુદરતી રીતે સહેજ ખરાશવાળો. હાજરાહજૂર પુંસકતા, જોતા જ કામના ભાવ જાગે. એને મેળવી માધુરી ખુશ હતી. જોતજોતામાં ત્રણ-ચાર વર્ષ વીતી ગયા. પણ બાળક નહોતું. છેવટે આવ્યાં. હવે જુઓ નસીબની વાત. કમલ આટલા સુંદર, પૌરુષી ને સુખી જણાતો હતો પણ એનાં સ્પર્મ કાઉન્ટ ઓછાં હતાં. જાણીને મનેય આઘાત લાગ્યો. હુંય એનાં દેખીતા પૌરુષથી પ્રભાવિત હતો. પહેલાં તો સમજીમાં ન આવ્યું. પણ પછી સમજાયું એ પુષ્કળ સિગારેટ પીતો. એના શબ્દોમાંથી તમાકુની કડક ગંધ આવ્યા કરે. જાનથી પ્યારી સિગારેટ છોડાવી. થોડી દવા આપી. કેટલોક સંયમ પાળવા સમજાવ્યું. એક લાંબી નવ મહિનાભરી તપસ્યા પછી સોનાનો સૂરજ ઊગ્યો. અમસ્તાં જ હસતાં હસતાં પૂછ્યું હતું: ‘સોનોગ્રાફી કરાવવી છે ?’ ભર્યા સ્વરમાં કમલે ના કહી હતી : ‘જે હશે તે, અમારે તો આ પહેલું જ છે.’ માધુરીએ પણ સંમત નજરે એની સામે જોયું ને હથેળી પર હથેળી મૂકી.

   એકવાર કમલ એકલો મળવા આવ્યો. હું દરદીઓથી ઘેરાયેલો. સમય લઈને આવ્યો હતો એથી એને રાહ જોવામાં વાંધો ન હતો. કલાક પછી મેં એને બોલાવ્યો; ત્યારે બપોરના દોઢ વાગવા આવ્યો હતો. હું થાકેલો હતો. ‘બોલ કમલ શું લઈશ, ચા કે કૉફી?’ એણે ના પાડવાનો વિવેક બતાવ્યો. મેં કૉફી માટે કહી દીધું. શાંતિથી એના ચહેરા સામે જોઈ રહ્યો. કેટલો સુરેખ-સ્પષ્ટ છે ! ક્યાંય એક કરચલી નથી; ડાઘ નથી. ઠીક ઠીક સમય વીત્યો છતાં એ બોલ્યો નહીં. મને અકળામણ થઈ. પણ આમ અકળાવું, ધીરજ ખોવી, અધીરાઈ બતાવવી એ બધું મારા વ્યવસાયમાં શોભે નહીં. માણસને મોકળાશ આપવાની. ધીમે ધીમે એ ખૂલતો ગયો.

‘   થોડી વાતો કરવી છે. એનો કોઈ અર્થ છે કે નહીં એ નથી જાણતો. પણ તમને નહીં કહું તો મને નિરાંત નહીં થાય. સાચું કહું તો લગ્ન પહેલાંથી જ હું સેક્સ માણતો આવ્યો છું. લગ્ન પછી પણ. માધુરી ભોળી છે. સાવ અંધારામાં રહી. ઉંમરનો તફાવત પણ હું ન જોતો ને ન જોતો દિવસ ન રાત. કેટલીક વાર તે પણ - જોઉં છું કે આ ફક્ત મજા માટે નથી. એનો પણ ચોક્કસ હેતુ છે. વંશ ચલાવવો. મને લાગે છે, હવે હું માધુરીને પૂરેપૂરો વફાદાર રહી શકીશ તો એ કારણે કે – મને સમજાયું છે કે – મારી જવાબદારી શી છે.

   મને હવે ત્રાસ થવા લાગ્યો. ઠીક છે, થાય. પશ્ચાતાપ થાય. ઉંમર વધતાં આવેગો ઓગળે. ન ઓગળે તો શરીર જવાબ આપશે. પણ આ શી જવાબદારી ને વંશ ચલાવવો – આખરે તો એ પુરુષ. પુરુષ હોવાનો અહમ્ એ કેવી રીતે છોડી શકે ? કમલ બોલે છે પણ મારું ધ્યાન પૂરેપુરું નથી. એકાએક એના એક પ્રશ્ને મને ચોંકાવી દીધો, ‘સાહેબ તમને કેટલાં બાળકો ?’

   શું જવાબ આપવો એ સમજાયું નહીં ! ટેબલના ખૂણે પડેલા કવર પર મારી નજર ઠેરવી રહ્યો. હળવો ઊંડો શ્વાસ ભરી મેં એની સામે જોયું.
   ‘મિ. કમલ, જે હતું તે વીતી ગયું. હવે પૂરા આનંદથી, મનથી, તમે બાળકને આવકારવાની તૈયારી કરો. માધુરીને મદદરૂપ થાઓ. પૂરતી કાળજી રાખો. હમણાં તમે જે વિચારો છો એ જ જિંદગી છે !’

   કમલ ગયો. પણ પ્રશ્ન મૂકતો ગયો. એક બીજો પ્રશ્ન પણ છે ત્યાં. પણે - ખૂણે પડેલા કવરમાં. મંદિરાના વકીલે મોકલ્યું છે. આખરે એ પણ જશે. વાત ખેંચી રાખવાનો શો અર્થ છે ? તો પણ એટલી હિમ્મત નથી; કવર ખોલીને જોઉં, વાંચું - એટલે કે એક ધારણાને વાસ્તવ બનતી જોઉં.

   કૉફી ઠંડી પડી ગઈ છે. કમલે પીધેલા ગ્લાસમાંથી જરા જરા વરાળ ઊઠી રહી છે. હજી કૉફી ગરમ હશે ? એક ઘૂંટડે ગળામાં ઠાલવી દીધી. પણ એથી યે કોઈ નિર્ણય પર ન પહોંચી શકાયું. ધીરે રહીને ઊઠું છું. બહાર નીકળું છું.
   હૉસ્પિટલના વિશાળ મકાનમાં બપોરની નીરવતા છે. દરવાજા બહાર પણ પ્રમાણમાં શાંતિ છે. આમ હું ક્યાં સુધી ચાલ્યા કરીશ? આ ચાલવાનો અર્થ –
  *
   મેં પુરુષો જોયા છે. સ્થૂળતાની હદ વળોટતાથી લઈ સાવ માયકાંગલા, મજબૂત શરીર કેળવતા, ગર્વ ધરતા, ઘમંડી પુરુષો. દર્પણના ખૂણે પણ મેં જોયો છે એક આકાર. પાનના ગલ્લે ટોળે વળતા, પાળીની આજુબાજુનો ઝમેલો, અડધી રાતે સોળથી વીસના છોકરાનું ટોળું, મેદાનમાં – હોકી, વૉલીબૉલ કે ક્રિકેટ ખેલતાં, સ્ટેજ પર અદાકારી કરતાં – પૂરા જુસ્સાથી છવાઈ જાય છે પૌરુષ. હાથીની સરખામણીમાં ઊતરેલી દેડકી જેવો પેટ ફૂલાવતો ! એક કીકમાં સ્કૂટર ચાલું કરવું, પોતે કહે એટલે થવું જોઈએ. પોતે આમ માને છે એટલે વાત એમ જ હોય. ક્યાંથી આવે છે આટલો બધો આગ્રહ ? અધિકાર ભાવ ? કેવળ પુરુષ હોવાના લીધે જ મળી ગયો માન પામવાનો અધિકાર, શોષણ કરવાનો અધિકાર ? કેટલાક સ્વીકારી શકતા નથી કોઈ બીજી વાત, સિવાય પુરુષ હોવું. આખી દુનિયાનું કેંદ્ર પોતે છે એમ માનવું. આ આગ્રહ, અધિકાર આવે છે વિશ્વાસમાંથી. જાત માટેનો અદમ્ય વિશ્વાસ. ના, કેવળ પુરુષ હોવાથી જ જન્મતો વિશ્વાસ, એટલો નક્કર, એટલો ઘન કે તેનાં ચોસલાં પડી શકે, પથ્થર જેવો પૂરેપૂરો પાર્થિવ – એકવાર જે સ્ત્રીને આ પાર્થિવગંધ સ્પર્શી જાય, પછી વાયવીય વસ્તુમાં રસ સુકાઈ જાય, કઈ છે એ વાયવીય વસ્તુઓ –

   દરિયાની ભીની રેત પર પગલાં ઊપસે છે અને પછી તરત જ પાછળથી આવતું મોજું એ છાપને રેલાવી દે છે. પાછા વળતાં જળમાં વહી જાય છે પગલું અને પગલાં – ભીની રેતાળ ભોંય તાકી રહું છું. એક પગલુંય સાચવી શકાતું નથી તો પછી આ ક્ષણોની હારમાળા – સિગારેટના ધુમાડામાં નથી ઊડી જતી પરેશાનીઓ ને નથી આવી શકતી કોઈ મસ્તીભરી બેફિકરાઈ...

   મંદિરા, મંદિરા ! મારા ડ્રાઇવર સાથે ભાગી ગઈ ! છૂટાછેડા માટેના પેપર્સ દાખલ કર્યા. શું લખ્યું હતું કારણ ? નપુંસકતા.
   નરી કડવાશ અનુભવું છું. ધાર્યું હોય તો રજુ કરી શક્યો હોત સીમેનના રિપોર્ટસ ને ઇન્જેક્શન ટેસ્ટ. પરંતુ ઈચ્છા જ ન થઈ. મન મરી ગયું હતું જાણે. પેપર્સ સાઇન કરીને મોકલી દીધા. છૂટી ગયો મંદિરાનો સાથ.
   – પણ માત્ર એટલું જ હતું ?

   એક એવી હકીકત મારે સ્વીકારવી પડી જે વાસ્તવિક ન હતી. એવી કઈ વસ્તુ છે જેનાથી સાબિત થાય છે આ પૌરુષ? શરીર – સંતાન – લેબોરેટરીના રિપોર્ટ્સ કે વિશ્વાસ ? વ્યક્તિના હોવાના મૂલ્યનું શું ? તેના સંસ્કારનું શું ?
   સુવર્ણાનું એ દિવસોમાં મારી પાસે આવવું અને મારું સદ્ભાગ્ય ગણું છું. આખરે કોઈએક એવું તત્ત્વ છે જે બધું જ નિયંત્રિત કરે છે. અજય મારો દર્દી હતા અને સુવર્ણા એની પત્ની. નિઃસંતાન. શક્યતા પણ નહીં. આ વાસ્તવિકતા સ્વીકારી સુવર્ણા આવી હતી. કહે, ‘મારે સંતાન નથી જોઈતું. મારે જોઈએ છે મારો પતિ. એ મને પાછો મેળવી આપો.’

   એક ક્ષણ તાકી રહ્યો સુવર્ણા ભણી. પૂરા યૌવનથી પ્રભાવિત એની દેહયષ્ટિ. ચુસ્ત, તંગ સ્તન. લાંકદાર કમ્મર ને ગરદન, પુષ્ટ નિતંબ. નાના બાળકની જેમ એ અજયને સાચવતી, હુંફ આપતી. આને વળી, મા થવાની શી જરૂર છે ? એ છે જ ! બહુ કપરી શરત હતી સુવર્ણાની. મારે દેખાવો કરવાના હતા. સૌથી પહેલાં અજયની સારવાર. એની હાલત સુધરી રહી છે એવા રિપોર્ટ આપવાના. બેત્રણ મહિના આ ખેલ ચાલુ રાખવાનો. પછી અચાનક એક દિવસ કહી દેવાનું, સુવર્ણા પ્રેગ્નન્ટ છે. પણ એ થશે કેવી રીતે ? સુવર્ણા બધું જાણે છે. કૃત્રિમ બીજદાનની એને ખબર છે. પણ આ બધું શા માટે ? ‘બાળક તો ગમશે જ પણ મૂળે તો ઉગારી લેવાનો છે મારે મારો પતિ ! મારા માટે મુખ્ય મારો પતિ. અને એના માટે પોતાનો આત્મવિશ્વાસ. એ જો નહિ રહે તો મારો સંસાર વેરવિખેર થઈ જશે. એનાં ધંધાપાણી ચોપટ થશે. અમે સડક પર આવી જઈશું.’ એને બહુ ગુસ્સો છે આ સમાજવ્યવસ્થા પર, એનાં પ્રચલિત મૂલ્યો પર. ‘એનિમીયાના દરદીમાં પણ રક્તકણોની કમી હોય છે. એ પણ સારવાર કરાવી પાટે ચઢે છે. એ કેમ આત્મવિશ્વાસ ગુમાવતો નથી ? કારણ કે સમાજ એના તરફ શંકાની નજરે નથી જોતો ? તો પછી શા માટે – એટલે કહું છું, ડૉક્ટર, જુઠ્ઠાણા સામે જુઠ્ઠાણાથી લડાય. આખરે મારે માટે સત્ય મારું ઘર ને મારો પતિ જ છે.'

   હું સુવર્ણાના આ બધા વિચારો કરતાં સૌથી વધારે પ્રભાવિત અજય માટેના એના પ્રેમથી થાઉં છું. એથી જ હું તૈયાર થાઉં છું એ જેમ કહે એમ કરવા. પરંતુ કૃત્રિમ બીજદાનના અમારા કાર્યક્રમમાં જોઈતી સફળતા નથી મળતી. એક બીજા ગાયનેકૉલોજીસ્ટની મદદ પણ લઈ જોઈ. પરિણામ એ જ. સુવર્ણ ચિંચિત છે. શું એના ભાગ્યમાં બાળક જ નથી ? ભાગ્ય ! છટ્ આ વિકસતા વિજ્ઞાનયુગમાં માણસની ઇચ્છા એ જ એનું ભાગ્ય. ઈચ્છા પૂરી કરવા પુરુષાર્થ કરો તો –.

   ત્યાર પછી સુવર્ણાએ જે પ્રસ્તાવ મૂક્યો એ નકારવો સંભવ ન હતો. છ મહિના. બધું મળીને સુવર્ણાનો સંપર્ક છ મહિના રહ્યો. જેવી એ પ્રેગ્નન્ટ થઈ, છેલ્લીવાર મળવા આવી. કહેવા લાગી, ‘તમારો ભરોસો કર્યો છે. એ તોડશો નહીં. હવે પછી હું ક્યારેય તમને નહીં મળું. ભૂલી જજો, સુવર્ણા નામની કોઈ સ્ત્રી હતી.’ એણે એક જાડું કવર ધર્યું. મને આંચકો લાગ્યો.
‘તને નહીં મળું એ કબૂલ પણ તને ભૂલવી શક્ય નથી. તારું પ્રેમરૂપ સાચે ભુલાય એમ નથી. આ કવર મારાથી નહીં લેવાય. કારણ કે મેં જ તને આપ્યું છે એમ નથી. તેં પણ મને આપ્યું છે. હા, એ નહીં કહું કે તેં શું આપ્યું છે.'

   ‘ડૉક્ટર !’ કહેતી સુવર્ણા ઊભી થઈ ગઈ. હું એના પેટને તાકી રહ્યો. અંદર રહેલું બાળક ! એ જરૂર જગતને કંઈક આપી જશે. ન આપે તોય શું ? જન્મ પહેલાં જ એણે બે પુરુષોને નવો જન્મ આપ્યો છે. અજયમાં આત્મવિશ્વાસ ટકાવી રાખી, અને મારામાં આત્મવિશ્વાસ પ્રગટાવીને.

   આ વિશ્વાસ જાગતા અંતથી પણ આગળ વધાયું. પૂરું કરી નાખવાની ઇચ્છા શમતી ગઈ. કંઈ પણ બને પણ જીવવાનું. હું મારા અવાજમાં બળ પૂરીને યત્નશીલ રહું છું જીવવાના હેતુને વળગી રહેવા. મારા દરદીને વધુ ધીરજથી ને વધુ ધ્યાનથી સાંભળું છું. એમની સારવાર કરવામાં મને આનંદ આવે છે. જ્યારે એ મારી સૂચનાની અવગણના કરે છે, મને ગુસ્સો પણ ખૂબ આવે. સહેલાઈથી માફ કરવું મારા વશમાં નથી. દેખીતું છે, આ કારણે મંદિરાને પણ માફ નથી કરી શકતો. એની સ્મૃતિ સાથે જ સાંભરે મારું ખાલી ઘર, પછી સાંભરે છે એણે આચરેલો ઉપહાસ. દાંતિયાં કરતો ઉપહાસ.

   આખરે એવું તે શું છે જે – મનોમન સરખામણીમાં ઊતરી પડું છું, મારા ડ્રાઈવર સાથે. વળતી જ ક્ષણે પડતી મૂકું છું. જાણે એમ કરવામાંય મને અપમાન લાગે છે. ધીરે ધીરે કરીને રળેલી સ્વસ્થતાને લીધે હવે આ મુદ્દો મિત્રો સાથે ચર્ચવા ઇચ્છું. એવા મિત્રો જે બુદ્ધિમાન છે, સંપન્ન ને પ્રતિષ્ઠિત છે. જોકે હંમેશની જેમ મુદ્દાને વ્યક્તિગત ન રાખતાં, વ્યાપક દૃષ્ટિકોણથી ચર્ચા ચાલે છે. પરંતુ કોઈ પાસે ઉકેલ છે ખરો ? ખરેખર તો ટૂકડા જ હાથ આવે છે. અંદાજ લગાવાઈ રહ્યો છે આકારનો. વાસ્તવ જોવાની મારી દૃષ્ટિય સીમિત છેને ! હું એને જોઈ શકું છું કેવળ મારા ખૂણેથી. મંદિરાના ખૂણેથી કોણ જોશે? અને સુવર્ણાનો ખૂણો ? – બધાંને પોતપોતાના ખૂણા છે, સ્તર છે. કોઈને સમાન સ્તર સાંપડ્યું નથી. સમાનતા, ભાષા ધર્મ-જાત-પ્રાંતના ભેદ ભૂંસતી સમાનતા. ક્યાં છે આ સમાનતા જે સ્ત્રી કે પુરુષને નહીં માત્ર વ્યક્તિનું મૂલ્ય આંકે ? કહેવાતી સમાનતા પણ અમુક હદ સુધી જ સ્વીકાર્ય બને છે. એક વ્યક્તિને જોવાને બદલે, સામાન્યને જોવાને બદલે જોઈએ છીએ વિશેષને. સમાજ સામાન્ય ધોરણોને વશ નથી ચાલતો. એ તો છે વિશેષોનો સમૂહ. ને પછી એ વિશેષોનાં ચોકઠાંમાં બાંધી દેવામાં આવે છે મને, તમને, સૌને..

   પાછો ફરું છું મારા સુસજ્જ પણ ખાલી ઘરમાં. જાતે જ લાઇટ કરું છું. ટી.વી. ચાલુ કરી લંબાવી દઉં છું. નથી જૂતાં કાઢતો, નથી કપડાં બદલતો. જમવાની તો - રાધાબાઈ ડાઇનિંગ ટેબલ પર રસોઈ ગોઠવી ગયાં હશે, શું બનાવ્યું છે એ જોવાની પણ ઇચ્છા નથી થતી. સામે સત્તાવીશ ઈંચના સ્ક્રીન પર કોઈ સિરિયલ ચાલે છે. પતિપત્ની ઝઘડી રહ્યાં છે, બાળક હોં વકાસી તાકી રહ્યું છે. લાગે છે હું ને મંદિરા ઝઘડી રહ્યાં છીએ પણ બાળક ક્યાં ? એણે તો સુખનો રસ્તો શોધી લીધો. એના સુખનો માર્ગ મારા માટે યાતના. – યાતના તો એણે પહેલાં પણ ક્યાંય ઓછી આપી છે ? કેવાં કાતિલ વાગ્બાણ – અરે તું તો કેવી જાતનો ડૉક્ટર છે ? પહેલાં તારી જાતને તો ઠીક કર. પછી દરદીઓને ! – થાય છે મારે તારા દર્દીઓને જ પૂછવું જોઈએ. કંઈ ફાયદોબાયદો થાય છે ખરો કે પછી હરિ હરિ ! પોર્ચમાં પડેલી ખાલી ગાડીને તાકી રહું છું. એની ઉપર કવર ચઢાવ્યું છે. એનો વપરાશ નથી હવે. પહેલાં પણ હું ખાસ વાપરતો નહોતો. મંદિરા જ મોટાભાગે વાપરતી. શું હવે એને ગાડી વિના ચાલતું હશે ? ઘરમાં કંઈ કેટલીય ઝીણીમોટી વસ્તુઓ છે જે મંદિરા વિના વપરાયા વિના પડી રહી છે એમનેમ. શું હજી આશા છે કે –

   મારો એક વ્યક્તિનો પરિવાર. મારાં દુઃખ તે માત્ર મારાં, મારાં સુખ તે માત્ર મારાં. ન વહેંચી શકું, ન ભાગ લઈ શકું. ત્યાં સુધી કે મારા દરદીઓની પીડા પણ હવે મારા સુધી નથી પહોંચતી. તે ઠીક જ થયું છે. હવે હું વધારે પ્રોફેશનલી એમનો ઇલાજ કરી શકું છું. પણ આ ઘર - ટી.વી. ચાલુ છે છતાં જોતો નથી. રસોઈ તૈયાર છે, જમતો નથી. સુખના અંતિમ પર્યાય જેવી મઝાની ગાડી સામે પડી છે. એક સુંદર વ્યક્તિત્વ પડ્યું પડ્યું.....

   અચાનક ટી.વી.નો પડદો બ્લેંક થઈ જાય છે. ન દૃશ્યો ન અવાજ; ફક્ત કાળી ધોળી મમરી. તોય સિરિયલ ચાલુ છે. કાળીધોળી મમરી ભરેલા પડદા પર આકારો ઊભરાય છે, કૉલાજ રચાતાં જાય છે. સૌથી પહેલાં હું, નવી નક્કોર ગાડી ઘુમાવતો. પછી મંદિર સાથે હું, ગાડી જોઈ મારા ગળે લટકતી મંદિરાને ઉછાળતો, લહેરાતાં પાણી અને વરસતી ચાંદનીમાં ડેમની પાળ ઉપર બેઠાં બેઠાં કશુંક મધુરું ગણગણતી મંદિરાની પડખે હું. રીંગણાનાં ભુટ્ટાંને ગેસ પર શેકતી, બાજરીના લોટને મસળતી મંદિરાને જોઈ રહેતો, હોંશભેર નર્સરીમાં જઈ અનેક નાનામોટા રોપ, કૂંડામાંથી પોતાની પસંદગી જણાવતી મંદિરાને પ્રશંસાભરી નજરે તાકી રહેતો હું. મારા દર્દીઓ વચ્ચે કૅલેન્ડરમાં ફફડતાં પાનાઓની પડછે બેઠો છું. મિત્રો સાથે પાર્ટીમાં વ્યસ્ત. સક્કા વૃક્ષ નીચે બેઠેલો. ખાલી ઘરના ખૂણામાં ખડકાયેલો, જાતે ધકેલાયેલો. હૉસ્પિટલમાં દટાયેલો – એક ઉપર એક ઓવરલેપ થતા આકારો, એકમેકમાં ગૂંથાતા, એકબીજાને ધક્કો મારતા, પોતા પૂરતી જગ્યા બનાવતા આકારોમાંથી ધીમેધીમે ખસતો જાય છે એ હું. ઓગળતો જાય છે હુંય. મંદિરા સાથે હુંના બદલે ફક્ત મંદિરા. લહેરાતું જળ ધીરેધીરે શોષાતું જાય ને વરસતી ચાંદની બળબળતી લુમાં પલટાતી જાય, ખાલી ઘરના ખૂણામાં હવે હુંયે નથી. પણ મઘમઘતી મધુમાલતીનો માંડવો થઈ રહ્યો છે જાડી નસોનું જાળું. તારીખિયાનાં ફફડતાં પાનાંને તાક્યા કરે છે, દરદીઓ – એમ મિત્રો – હૉસ્પિટલ – સૂકું ઝાડ – ખુદ મારામાંથી બાદ થઈ ગયો છે હું – પણ હું સાવ નામશેષ થઉં એ પહેલાં એક વધુ ઘટના જોઉં છું. એક પછી એક સતત બદલાતાં રહેલાં દૃશ્યોમાં ઉમેરાવા લાગ્યાં છે થોડાંક ભાવસંવેદનો – પ્રેમનો, વિશ્વાસનો, સહાનુભૂતિ ને અરેરાટીનો, મનને કંપાવતો, સભર બનાવતો, ખાલી કરતો, ધૃણાનો ભાવ, ઈર્ષ્યા ને રીસ, ક્રોધ ને તુમાખી ! અવનવા ભાવ – બધું સમાંતર કે એકમેકમાં મળીને ચાલે છે. બહુ ભીડ લાગે છે તોપણ બહાર નીકળી શકતાં નથી. કેમકે દુનિયા હવે માત્ર ટી.વી.ના પડદા જેટલી જ છે એટલે લડતાં ઝઘડતાં, જૂથ બનાવતાં, પાટલી બદલતાં, પાછાં ભળતાં-મળતાં સહુ ગોટાયા કરે ધુમાડા જેમ. અવાજ સંભળાતો નથી પણ સ્પષ્ટ થાય છે કોલાહલ. ખળભળતા દરિયા જેવા, પથ્થરો પર ઝીંકાતા, પછી વિખરાઈ જતાં મોજાં શો કોલાહલ, ધડ ધડ ધડ ધડ કરતા આવી ઊભા રહે છે પુરષો. બેફિકરાઈથી હસતા, પાન ચાવતા, ચાવી ઘુમાવતા, સ્ત્રીના પેટને તાકી રહેતા, સંતાનોને સ્કૂલે મૂકવા જતા – મસ્તી ને ખુમારીમાં જીવતા. થાય છે, સાવ ઓગળતાં પહેલાં એક ક્ષણ તો ભલે એક ક્ષણ; હું બની જઉં એમાંનો એક –
[ગદ્યપર્વ જાન્યુઆરી, ૧૯૯૬]


0 comments


Leave comment