6 - એકલું ઘેઘૂર / ભાનુપ્રસાદ પંડ્યા


આંબો ભરીને જેણે આપ્યો કલશોર
એને વાંસળી ભરીને દિયો સૂર,
કેડી કોરેલ જેણે દીધાં છે વંન
એને પગલાં દઈ હાલજો જરૂર !

વીંધી લીલોતરીના પ્હાડો સુગંધને
સોંસરવા ચાલવાના હેવા,
અણધારી હરિયાળી ચાલ કોઈ નીકળે
તો જોયાના ઢંગ પણ એવા !
ખાલી બપ્પોર કરી દીધી નવરાશ
એમાં છલકાતાં થાવ ભરપૂર
આંબો ભરીને જેણે આપ્યો કલશોર
એને વાંસળી ભરીને દિયો સૂર !

છાંયડી ઢાળીને જેણે આશરા દીધા છે
એને પડછાય એક પ્હોર પોઢજો,
નીંદરના દોર હજી બાંધો ન બાંધો ત્યાં
પાંપણમાં હીંચકે પરોઢ જો !
ગામ-નામ-ગલી-ફળી સાગમટાં ઓગળી
ઝૂલે જ્યાં એકલું ઘેઘૂર,
આંબો ભરીને જેણે આપ્યો કલશોર
એને વાંસળી ભરીને દિયો સૂર !


0 comments


Leave comment