9 - એક રીતે જોઈએ તો / બિપિન પટેલ


   સક્કરપારાની ડિઝાઈનવાળી જાળીમાંથી બે આંગળી બહાર આવી. સળિયા પર ઊંચી આંગળીએ ટકોરા મારીને ટકટક કર્યું પણ તિલોત્તમાનું ધ્યાન ન જતાં મોબાઇલનાં રિંગટોન જેવી લાંબી ટ્યૂન વગાડી. એ પછી પણ તિલોત્તમા સાબુ, કપડાં અને મેલડાઘામાં જ મસ્ત રહી એટલે પછી વર્ષોથી ઓળખતી હોય એમ, ‘અલાં, ક્યારની ડોકાઈ રહી છું અને તમે તો દાદ જ નથી આપતાં?’ સીધો સવાલ પૂછાયો. સવાલ પૂછનારાં બહેનનો સાવ અજાણ્યો ચહેરો જોઈને તિલોત્તમાએ પહેલાં તો ઠંડો પ્રતિભાવ જ આપ્યો. પણ તોય ઝળુંબી રહેલી નિષ્પલક ભાવપૂર્ણ નજરે એને મજબૂર કરી. સાબુવાળા હાથ ધોઈ, સાલ્લે લૂછીને ચોકડીમાં જ ઊભી થઈ. ‘કેમ છો?’ એમ જાળી પાછળ ઊભેલી સ્ત્રીને પૂછ્યું. ‘ઓળખાણ ન પડી.’ એણે ટૂંકો પ્રત્યુત્તર આપ્યો. ‘ક્યાંથી પડે ?’ એ અજાણી સ્ત્રીની પાછળ ઊભેલી રાની બોલી. ‘આ શર્મિષ્ઠા છે. વરુણના બિઝનેસ પાર્ટનરનાં વાઇફ. તમારી નાતનાં છે એટલે મને થયું, તમારી ઓળખાણ કરાવું.'

   હવે વાત કરવા અધીરી શર્મિષ્ઠાના ચહેરા પર પરિચિતતાનું સ્મિત ફરક્યું. ‘કેમ છો બહેન?’ કહીને તિલોત્તમા ચોકડીની બહાર આવીને ઊભી રહી. શર્મિષ્ઠાએ એ ઔપચારિક સવાલની પરવા કર્યા વિના સીધું ઝંપલાવ્યું. ‘મજામાં છું એમ કહું તો હું ખોટી કહેવાઉં અને પાછું સાવ એવું તો નથી કે મજામાં નથી એમ કહું, પણ તમને શી વાત કરું. આપણે એક નાતનાં છીએ એટલે સંકોચ નથી રાખતી. વળી, આમ પણ આપણી નાતમાં મોટે મોટેથી બોલવું ને ચોખેચોખ્ખું સંભળાવી દેવાની નવાઈ નથી. મારાં સાસુ જ જુઓને, પોતાની જાતને સમથિંગ સમજે છે. વહેમ તો મારી બઈ અમેરિકાના પ્રમુખ જેટલો. મારા પપ્પાએ મારું માગું નાખ્યું ત્યારે મારાં સાસુએ જબરી શરત કરી હતી. એમનો આખો વેલો મને ચારેકોર ફેરવી ફેરવીને જુએ પછી જ છોકરો- છોકરી એકબીજાને મળે એવો બેત એમણે ગોઠવ્યો હતો અને એ મને જોવા આવ્યાં ત્યારે એમનો ઠસ્સો જોયો હોય તો મારી બઈ, મોટા દૈત દેહ ફરતે કડક અવરગંડી સાડી વીંટાળેલી ને મારી મામીએ, ‘આવો’ ન કીધું ત્યાં સુધી બારણામાં ખોડાઈ રહ્યાં. સોફામાં બેઠાં પણ મોરારજી દેસાઈની જેમ ટટ્ટાર. વિવેક ખાતર પાણીના ગ્લાસમાંથી સહેજ હોઠ ભીના કરી ટ્રેમાં ગ્લાસ મૂક્યો. હું ટ્રેમાં આઇસક્રીમ લઈને આવી ને ફટ કરતું મારું સ્વાગત કર્યું. ‘આ તો નેચી સ.’ આઇસક્રીમની ટ્રે હલી ગઈ. બસ, એ દિવસથી આજ સુધી આખી જિંદગી આવું જ કથોલું સાંભળ્યું છે. શું કરીએ ત્યારે ? લગ્નના બીજા દિવસે મોટું તાંસળું ભરીને બટાકા સમારવા જોતરી. મારા ઘેર થતી હતી તેમ પોટેટો ચિપ્સ જેવાં પાતળાં પીતાં કર્યો. એમની નજર જતાં જ ‘વેતા વનાની, માએ કશું શિખવાડ્યું નથી લાગતું?’ એમ કહીને બુતાર્યા. હીંચકે બેઠેલા મારા જેઠે સાસુને ટપાર્યા. ‘બા, શું પહેલા દા'ડે જ પરચો બતાવો છો, એને જરા હળવાભળવા તો દો.’ ઊભાં ઊભાં સાંભળતાં તિલોત્તમાના પગે ખાલી ચડી. પગ સહેજ આમતેમ કર્યા ને જાળીના ટેકે ફરી ઊભી રહેતાં બોલી, ‘એ તો બહેન, ઘેર ઘેર માટીલા ચૂલા, પણ બીજી રીતે તો સુખી ખરાં ને, પૈસા વગેરેમાં.’

   ‘પૈસાનું તો મારી બહેન સમજ્યાં. પોતાનું ઘર છે. સાત પેઢીથી રૂની દલાલીમાં તગડા થતાં ગયાં છે. મારા સાસરાય મોટા ઠોડુજીની જેમ ફરે. આખો દહાડો ખાટેથી પાટે અને પાટેથી ખાટે. સાસુજીની સૂચના પ્રમાણે, દાતણ માટે પાણીના લોટાથી, ઠાકોરજીની જેમ એમની સેવા શરૂ થાય. બોલો, અત્યારના મૉડર્ન જમાનામાંય આંગણામાં સવારના પોરમાં હા... ક... થૂ, હા...ક...થૂ શરૂ થઈ જાય એ શોભતું હશે? સતીશ એમને ઘણું સમજાવે. પાછું કડકાઈથી કહેવાય નહીં. આમેય ધંધાવાળું ઘર એટલે બધું તંત્ર મોભીના હાથમાં. મારા સસરા પિવડાવે એટલું જ પાણી પીવાનું. એમના માટે ઉકાળો મૂકવાનો, નહાવાનું પાણી ગરમ કરવાનું, કપડાં બાથરૂમની બહાર મૂકી દેવાનાં, જોડા ઝાપટીને બારણા બહાર મૂકવાના ને એવી કંઈક સેવા. હા, એમનું એક સુખ છે. આપણી ઘણી કાળજી લે. ખાવાપીવાની ગમે તે આઇટેમ હોય, શર્મિષ્ઠા માટે રાખ્યું ? એને હમણાં, આટલી વહેલી જગાડશો નહીં, સફરજન એને ભાવે છે. દરરોજ ફ્રુટવાળા પાસેથી લેતાં હો તો? એ છોકરી પોતાનું ઘર છોડીને અહીં આવી છે, જરા પ્રેમથી એની જોડે વર્તજે – એમ મારી સાસુને સૂચના આપ્યા કરે. સાસુ પણ બડી પેક. એમને મોઢે હા હા કર્યા કરે અને તે પછી પોતે જે કરતાં હોય એ કર્યા કરે.

   રસોડામાંથી તિલોત્તમાના પતિએ ઇશારો કર્યો. વળતી, હાથ લંબાવીને તિલોત્તમાએ ‘આવું છું'ની મુદ્રા કરી. શર્મિષ્ઠાનું ધ્યાન જતાં કહ્યું – ‘જાઓ જાઓ બહેન, મારી વાતોનો તો પાર જ નહીં આવે પણ જો ટાઇમ હોય તો એક છેલ્લી વાત કરું. અમારા ઘરની એક ખાસિયત, ઘરની કોઈ ચર્ચામાં વહુઓને કશું પૂછવાનું નહીં અને વહુએ કશું બોલવાનું નહીં. મારાં જેઠજેઠાણી કાનપુર રહે એટલે એમને નહીં કંઈ ના'વાનું કે નહીં નિચોવવાનું. પણ આપણી કરમની કઠણાઈ કે અમારા એ એટલે કે સતીશને કંઈ નવું સૂઝ્યું નહીં તે બાપના કૂવામાં બૂડી મર્યા. એટલે એ ત્રણેય જણાં સાસુ, સસરા ને સતીશ કુટુંબની, ધંધાની ને એવી બધી કોઈ વાતે આપણને પૂછે કે ગાછે. જુઓને, ગઈ સાલ ઘર ઉકેલ્યું હતું. એ વર્ષે રૂનો સટ્ટો સવળો પડ્યો તે પૈસાની રેલમછેલ હતી. ઘરનું ફ્લોરિંગ બદલવાની વાતમાં મેં કહ્યું, આછા ક્રીમ કલરનાં વિટ્રીફાઈડ ટાઇલ્સ, બારીબારણાંની ડાર્ક પૉલિશ સામે જામશે. તો તરત જ મારી વાત અરધેથી કાપી નાખતાં સતીશ બોલ્યો. ‘મમ્મીપપ્પાને તો બોલવા દે.' ઘરના ટોડલા પર સરસ મોર કોતરેલા. આપણને થાય, હમણાં ઊડશે. એના બદલે ઍલ્યુમિનિયમની ફ્રેમ નક્કી કરી. મેં એ ટોડલો કપાતો જોયો ત્યારે જીવ કળીએ કળીએ કપાવા માંડ્યો ને હૈયું આંગણામાં તરફડવા માંડ્યું. પણ કહેવું કોને?’ તે ચૂપ રહી.

   સતીશનું એટલું સારું કે મને ખસેય ન કહે. ઘરની કોઈ વાતે ભલે કંઈ પૂછે નહીં પણ કોઈ દિવસ નામનોય છણકો ન કરે. પણ આખો દિવસ ધંધામાં ગૂંથાયેલો રહે અને સાંજે બસ માબાપ જોડે વાતો જ વાતો. વખત છે ને એમની જોડે ના બેઠો હોય તો પરબડીએ દોસ્તારો જોડે તડાકા મારવા નીકળી પડે. તે અરધી રાતે ભરઊંઘમાં હોઉં ને જગાડે, બસ પછી કાયમની જેમ એક જ વાત.... ને એ પતી જાય એટલે તરત મહાશય નસકોરાં બોલાવીને ઘોરવા માંડે. મને બળ્યું ક્યાંય સુધી ઊંઘ ના આવે. વિચાર્યા કરું. વાત કરું પણ તમે જ કહો, કોની સાથે ? આમ જ એકલાં એકલાં દસ વરસ શી રીતે કાઢ્યાં છે એ મારું મન જાણે છે. ભલું થજો ભગવાનનું, તે લગ્નનાં દસ વરસે રતન જેવો છોકરો આવ્યો. હું તો બહેન, તમને શું કહું, સાતમા આસમાને પહોંચી ગઈ. દુનિયા આખી હવે મારી જૂતી બરાબર. મારા લાલિયાની કૂણી ડોડી જેવી આંગળીઓ નિત રમાડ્યા કરું. ઊંઘતો હોય તોય એકીટશે જોયા જ કરું. સાસુ ઘણી વાર કહે, ‘અલી છૈયા તો સૌને આવે, તારું ચમકું ફરી ગયું છે કે શું? રાતદા'ડો મોટા માણસની જોડે કરે એમ ધૈવત જોડે વાતો કર્યા કરે છે? ઘરમાં થોડો ડોળો રાખો, વહુરાણી.’ હુંય બળ્યું આ કાને સાંભળું અને પેલા કાને કાઢી નાખું. મારા ધૈવતને પૂછી પૂછીને રજેરજ કામ કરું. રમતમાં એનું ડોકું આમતેમ ધૂણે – એ મારે મન હુકમ. એ કામ પછી નહીં કરવાનું તે નહીં જ કરવાનું.

   પગે ફરી ખાલી ચડવા જેવું થયું એટલે તિલોત્તમાએ એક પગ દીવાલ પર મૂકી જોયો. દીવાલ ઊંચી પડતાં વળી, બે પગ બરાબર ગોઠવી બે હાથથી જાળી પકડી. શર્મિષ્ઠાનું ધ્યાન જતાં, એણે કહ્યું, ‘તમને થશે બહેન, લ્યો તમારું નામેય ભુલાઈ ગયું, તિલુબહેન કહું તો ચાલશે? જાળીમાંથી આવે એટલી આંગળીઓ તિલોત્તમાના ગાલે ફેરવીને બોલીઃ ‘કેટલાં વહાલાં લાગો છો’ એટલું બોલતાંમાં તો આંખમાંથી દડડડ આંસુ દદડ્યાં. તિલોત્તમા, ‘ઊભા રહો, ઠંડું પાણી લાવું કહીને ઝડપથી રસોડામાં જઈને ગ્લાસ લઈને આવી. પણ ગ્લાસ જાળી સાથે અથડાયો. બીજી બાજુની દીવાલ ઠેકીને પાણી આપવા જતી તિલોત્તમાને શર્મિષ્ઠાએ રોકી. એકાદ પળ કોઈ કશું બોલ્યું નહીં. શર્મિષ્ઠા પણ પાછી વળવા જતી હતી ત્યાં તિલોત્તમાએ કહ્યું, ‘છેવટે વાતનો વિસામો મળ્યો ખરો શર્મિષ્ઠાએ નિઃસાસો નાખી કહ્યું: ‘એક રીતે જોઈએ તો મળ્યો કહેવાય ને ના મળ્યો પણ કહેવાય. ‘એમ કેમ કહો છો?’ તિલોત્તમાએ પૂછ્યું અને શર્મિષ્ઠા પાછી બોલવા લાગી.

   ‘બાબો બે વર્ષનો થયો ન થયો ને આખો દિવસ એનો ટકટકારો ચાલ્યા જ કરે. આખા ગામની એને પડપૂછ. વા સાથેય વાતો કરે : આ કોણ છે? તમે ઓળખો છો? તમે ક્યાં જાવ છો? કેમ જાવ છો? કેમ? મેં તો મારા રોયાનું નામ જ ક્વેશ્ચન માર્ક પાડ્યું'તું. આખા ખાંચાની રજેરજ વાત મને કરે, મારાં સાસુ તો એવાં ચિડાય, વાતે ને વાતે ‘સાવ ગાડાં છો, સમજતાં જ નથી’ ‘એમ એમની સાથે ઝગડ્યા કરે.’

   એ વરસે ધંધામાં બેઠાબેઠ, ખાસ કંઈ કામ નહીં. મારા સસરાએ કહ્યું, ‘સતીશ, ધૈવતનો જન્મ થયો ત્યારથી ફરવા નથી ગયા, તે આ વરસે સિમલાબિમલા ફરી આવો, ધંધાપાણી મંદા ચાલે છે. કંઈક હશે તો હું પહોંચી વળીશ. તમે તમારે ઉપડો.’ સતીશે ગોઠવી કાઢ્યું. રાજ ટ્રાવેલ્સમાં ઉત્તર ભારતની યાત્રા ટુ બાય ટુ લકઝરીમાં. ધૈવતને સાચવીને અમારી વચ્ચે બેસાડ્યો. પણ એવો સતપતિયો, મારાં સાસુ કાયમ કહેતાં, એની માએ જપનો પૈસો જ નથી મેલ્યો. બસમાં આમથી તેમ દોડાદોડ કરે. બ્રેક વાગતાં છેક આગળ ઘસડાઈ જાય. પણ બીએ એ બીજા. આ તો મારો વાલો કિલકારિયો કરે. વળી, બધાંને કંઈ ને કંઈ પૂછવાનું તો ખરું જ. આગળની સીટ પર ક્લીનર જોડે એવો હળી ગયો કે નાસ્તાપાણી પણ એની સાથે બેસીને જ કરે. અમને તો જાણે ઓળખતો ના હોય એમ બોલાવીએ તો સામુંય ના જુએ. બહુ ઘડ કરી તો ‘સમજતી નથી, આવું છું.' પણ પછી વાત પડતી મૂકી. આફૂડો આવશે, થાકશે ત્યારે. એમ કરતાં આબુરોડ સુધી પહોંચ્યા. જમીને સંઘ આગળ ચાલ્યો. બસના બધા પેસેન્જરને દાળભાતનો મેણો એવો ચડ્યો કે એકબીજા પર પડતાં નાખવા લાગ્યા. આખી બસ ઝોકે ચડી પણ હું અને મારો લાલિયો જાગતા હતાં, ઘૂવડની જેમ. ડ્રાઇવર પણ ઊંઘ ઉડાડવી હોય કે પછી પીધેલો હોય, સ્પીડમાં જ બધા ટર્ન પર બસ વાળે. અચાનક લાલિયાની બૂમ સંભળાઈ, ડ્રાઇવર અંકલ, મોટી ટ્રક આવે છે જોતાં નથી? ને બસ હચમચીને ડાબી બાજુના મોટા ઝાડના થડ સાથે ધડાકાભેર અથડાઈ, ચીસાચીસ મચી ગઈ. હું સીટમાંથી ઊભી થઈ ગઈ. આગળની સીટનો લોચો થઈ ગયો. લાલિયો ક્યાંય દેખાયો નહીં. મેં સતીશનો ખભો પકડીને ઝંઝેડી નાખ્યો. સતીશ દોડીને આગળની સીટ પાસે બેસી પડ્યો. લોહીલુહાણ લાલિયાને સતીશ ખેંચતો હતો. હું સીટમાં પછડાઈને બેસી પડી. મને સતત એક જ વાક્ય ‘સમજતી નથી, આવું છું.’ સંભળાયા કર્યું.

   શર્મિષ્ઠાએ હોઠ દાબી રાખ્યા. કચ્ચીને જાળી પકડી લીધી. જાળી હલી ઊઠી. ઝડપથી પાછી ફરી. ત્યાં સહેજ ઊભી રહી. ત્યાં રાનીનો અવાજ સંભળાયો, ‘પટેલઆંટી ચાલો, આ લોકોનું ડ્રિક્સ પતી ગયું છે, ગરમાગરમ જમાડીએ, પતિદેવોને.’ તિલોત્તમાને થયું વાત અધૂરી રહી ગઈ. એણે જરા વિચારીને જાળીમાં ટકોરા મારીને શર્મિષ્ઠાને બોલાવી, શર્મિષ્ઠા સહેજ અટકી, પાછળ જોઈ નિસાસો નાખતાં બોલી, ‘હશે બહેન, મળતાં રહીશું' અને એ રાનીના રસોડામાં ઓગળી ગઈ.

(‘પરબ', નવે. ૨૦૦૭)


0 comments


Leave comment