17 - અપભ્રંશ / કિશોર જાદવ


   એ ઘૂંટણિયે પડી. ગરદનને જમીન પર ઢળતી રાખી, મજબૂત પકડેલા ચપ્પાની કાતિલ અણીને,બીજા હાથની હથેળીમાં એણે હુલાવી. લોહીનું એક ટીપું સરખું દદડયું નહિ. એણે બૂડબૂડતો અવાજ કર્યો. 'હું આમપણ કરી શકું છું.' એવું જ કઈંક. વાતવાતમાં જીવ પાર આવી જઈને, આમ જાણે બેહુદો ઢોંગ કરતી એ તરફરડતી. આથી, વિનાયકને કશી મનોપીડા અનુભવાતી કે કેમ એ સમજાતું નહિ. આ દ્રશ્યને નિર્વાક બની,એ જોઈ રહ્યો. આવી ઉપસ્થિતિની સંભાવના માત્રને પહેલેથી જ ટાળવા,સર્વ કાંઈ કહી છૂટેલા એના હિતેચ્છુ-મુરબ્બીઓ,એમને ત્યાં વેળાસર પહોંચવામાં કેમ ઢીલ થઈ એ પ્રકારનું વર્તન દર્શાવ્યું-પોતે કાશી મહત્વપૂર્ણ ક્ષણને ચૂકી ગયો હોય એમ. પણ એમણે કોઈ નિશ્ચિત સમયે,એને મળવા બોલાવ્યો હતો.પોતે તો અહીં અણધાર્યો આવી ચડ્યો હતો. એમના મૂંગા પ્રશ્ન સામે ઊભા રહીને,બળજબરીપૂર્વક અતિતમાંથી એ કઈંક યાદ કરવા મથ્યો. પણ જેના શ્વાસોચ્છવાસમાં, પોતાના રાત-દિવસ ધબક્યા હતા એનું નામ હોઠે ચડતું નહોતું.

   'જયા....!' એ સહસા બોલી ઉઠ્યો.
   હકીકતમાં, જયા તો જીવતી હતી. જયા સાથે એને કશી નિસ્બત નહોતી. મુરબ્બીએ એના પ્રત્યેના વાત્સલ્યના લીધે, એને સુયોગ્ય યુવતીનો બંદોબસ્ત કરેલો. આ વિરુદ્ધ, જયાએ ઘણાં તરકટ રચ્યા હતા. એ બર આવવાને કારણે નહિ,પણ પેલી યુવતી બીજા જ કોઈ પ્રણય-ફંદાના વૈફલ્યમાં, હાથમેળે અંગેઅંગ પાર આગની ભભૂત લગાવી મૃત્યુ પામી હતી. આમ, મુરબ્બીના અથાગ પણ અફર નીવડેલા સઘળા પ્રયત્નોનું માથા પાર ઋણ લઈને એ બહાવરો ફરતો હતો. એ રાત્રે,કશું પણ અકારું ન લાગે એ અર્થે, એના મકાનમાં પાડોશીનો સહવાસ લીધો. આ મકાનની એક દીવાલ ઝૂલતા પારદર્શક પરદા જેવી હતી. 'ને બહાર ,જિજ્ઞાસાવશ, માણસોની ભીડ જામી હતી. તગતગતા અંગારાને જોઈને પોતે અંદર હતો-તેઓ પામી જશે, એ બીકે એણે સિગારેટ જલાવી નહિ.બાદમાં, રસ્તા ઉપર ઉભેલી સ્ત્રીના ચહેરામાં એની ડોક રોપીને જોયું તો બળિયાના સુકાઈ ગયેલા દાણાએ સ્ત્રીનો ચહેરો છાવરી લીધો હતો.

   'આજકાલ 'પેલાની' સાથે હરતી ફરતી નથી?'
   'છુટ્ટીનો પૂરો દિવસ એને આપું છું.'
   એ સ્ત્રીના અર્ધ-અંગમાં પોતાને સાંકળીને,બંને આગળ નીકળ્યાં.એને લાગ્યું કે બન્ને ચાલતાં નહોતા.જાણે જમીનને સ્પર્શ્યા વિના,હવાની સપાટી પર, બન્ને અધ્ધર-પગે,રસળતાં જતાં હતા. શરુ થતા બજારથી છૂટી પડી ગયેલી એક દુકાનમાં પોલીસોએ અકારણ દરોડો પડ્યો હતો. જાંચપળતાલ જારી હતી. કાળા બુરખામાં ,ધૂંધવાતી બંદૂકોની એડી પર, રાત્રિના અવતાર જેવા ડાકુઓએ ત્યાં લૂંટફાટ ચલાવી હતી 'ને અલોપ થઇ ગયા હતા. કારણેજ, દુકાનના સરસામાનને પોલીસો વીખી રહ્યા હતા એવો દેખાવ એની નજરે પડ્યો હોય એમ લાગ્યું. ઊંચે, હવાના લીરા નાચતા,તરવરતા જોયા. અહીંના ઊંચાણના ખભાને વળગી પડીને લટકી રહેલા રસ્તા તરફ બજારમાં જરા સરખીય અવરજવર જણાઈ નહિ. ચર્ચના પેઢા આગળ, એકબીજાના ધક્કા સાથે બન્ને વિખૂટાં પડ્યાં. નજીકમાં જ, ચાર રસ્તાઓના વેઢ પર જડેલા લોખંડી ચકરાવામાં દિવસભર ટટ્ટાર ખોડાઇને,'થોભો, જાઓ'ની સંજ્ઞાઓ આપતો પોલીસ, અત્યારે ત્યાં નહોતો. પાછળ વળીને, જે લમ્બો ઢોળાવ, બંનેની જાણ બહાર પગ તળેથી સરકી ગયો હતો એ બાજુ દ્રષ્ટિપાત કર્યો. ઊંચાણ પરથી, અવકાશને સૂંઢ પર જાણે વીંટાળતો એક માયાવી હાથી ચારેપગે ઉડતો આવી રહ્યો હોય એવું લાગ્યું. એની પીઠ પર 'લક્ઝરી કાર'ની અંબાડી બેસાડવામાં આવી હતી.'કાર' ખાલી હતી. એના લીલાશ પડતા રંગ પરથી ખ્યાલ આવ્યો. એ 'કાર' વિનાયકના માલિકની હતી. એને ત્રાહિમામ ત્રાહિમામ પોકારાવનાર, એ હવે એના મલિક રહ્યા નહોતા. એમનાં અધઃપાતી કૃત્યોએ, એમને આ જગતના ભોગવટામાંથી બરતરફી આપી હતી. ને હવે, એમણે ક્યાંક અગોચર-પ્રદેશમાં વાસ કર્યો હતો. એમનું મરણ નીપજ્યું નહોતું...

   હજી પણ, ઝાકળભર્યા તડકામાં એ બેઠા છે. ને આંખો પર પાટા બાંધી, માથા પરના ધોળા વાળને એમની ઉચ્છુકલ પુત્રીઓ પાસે, કાળા પ્રવાહી એવા કશાક ઝેરી પદાર્થનું સેવન કરાવે છે. આસ્ફાલ્ટના રસ્તા પર કોઈ જાનવરની વાગતી ખરીઓનો અવાજ, પુત્રીની આંગળીઓમાંથી મલિકના માથા પર તડતડી બજાવે છે, ને એમને ઘા કરવાની તાલાવેલી પોતાને થઇ આવી હોય એમ, હેરબ્રશને અસ્ત્રાની જેમ પકડીને એ ઉભો છે. ત્યારે બન્નેની આંખો, હાસ્યતાળીઓ ઝીલે છે. પણ એ તો, આ પ્રસંગે લાધતું માત્ર ક્ષણિક સામિપ્ય. બીજી જ પળે, એનાથી અળગો થતા, દેખાવમાં એકસરખી લગતી ઘણી બધી યુવતીઓમાં, આ પુત્રીને તારવવા જતાં, એ ભૂલાવામાં પડી જાય છે. મલિક પાટા ખોલી નાખી, ઝટપટ વાળને સમારવા કરે છે. ત્યારે એમની આંખો જળની સપાટી પર લસરકા મારતા તીતીઘોડા જેવી લાગે છે. મલિક કહે છે. આસપાસ ઊભેલાં બધાં, કશાક રદબાતલ કરેલા લખાણ પર, લોહીથી મારેલા છેકાઓ જેવા લાગે છે. પુત્રી નમણી બનીને નતમસ્તક ઊભી રહે છે. પણ એમને બન્નેને બચકાં ભરવા માંગતા હોય એમ એ તડી કરે છે-રખેને, આ દરમ્યાન, એમણે કંઈ આંખ-મિંચકારા તો કર્યા નથીને ! ત્યાંથી, ઊડતા સાપ જેવા મલિક, રઘવાયાની જેમ શહેરની ગલી-કૂંચીઓમાં ચિંથરેહાલ દશામાં અહોરાત ભટકે છે- કહેવાય છે કે રાત્રિની પાંખ પર ઊતરી આવતો મનુષ્યભક્ષી એક નરપશુ,એની બુભુક્ષા અર્થે, બંધ મકાનોમાં બાકોરાં શોધતો ફરે છે-એનો ધ્વંસ કરવા. એટલે માલિક સર્વવ્યાપી છે. જ્યાં જાઓ ત્યાં, ઓચિંતા, અદ્રશ્યમાંથી જાણે એ ફૂટી નીકળતા હોય એમ લાગે છે! આખરે,એમના આવાસમાં, હાકોટા નાખતા એ પાછા ફરે છે- બંને હાથને મગરૂરીમાં ખુલ્લા રાખીને-જાણે એ લોહીથી ખરડાયેલા હોય કે પછી ક્યાંક તીર્થાલયોમાં મૂર્તિઓના ખંડનકાંડ સર્જીને આવતા હોય એમ. ને જાણે માથામાં ઊતરી ગયેલા ઝેરના દાહક ઘેન તળે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યા વિના, સીધા એમના 'ગુપ્ત ખંડ'માં એ ભરાઈ જાય છે. કોઈની સાથેની 'ખાસ' મુલાકાત પર્યંત, ત્રાહિત વ્યક્તિ એમને દખલ ન કરે એ હેતુસર, બંધ દરવાજા સામે એ દ્વારપાળ શો ખડો રહે છે. ક્યારેક, તરુણીઓના વૃંદ ઊમટે છે- માલિકની ઝળહળતી પ્રતિભા નું બહુમાન કરવા. એ વેળા બંધ દરવાજાની તિરાડમાંથી એની એક આંખનું એ દૂરબીન રચે છે. જોજનો માઈલ દૂર ક્યાંક અપાર્થિવ એવા ઉપગ્રહની સપાટી પર માલિકના અવાજના ચોમેર ભડકા ઊઠતા દેખાય છે; કારણકે માલિક ઊડતી આગ જેવી તરૂણીઓને ગળતા હોય છે. કશું સંભળાતું નથી- મૂંગી ફિલ્મના જેવી હલનચલન. આંતક નજરે વિનાયક શૂન્યમાં તાકે છે. ત્યારે ક્ષણાર્ધમાં, બહાર નાસતી જતી તરૂણીઓની પીઠનાં ખોરડાં દેખાય છે. આવીજ પળે , કોઈક યુવતી કુતૂહલવશ, એ 'ગુપ્ત ખંડ'માં પ્રવેશે છે. તૂટી ગયેલા પવનમાં ઊંઘતા વૃક્ષ જેવા મલિક,સ્થગિત થઇ ગયા છે. વૃક્ષને જોઈને પંખી ડાળ પર નહિ તો બીજે ક્યાં બેસે? આ 'રાક્ષસી વૃક્ષ'ની ટાંપી રહેલી ડાળીઓ, ફાળ ભરીને, નજીકમાં ભમતા જીવનો કોળિયો કરી લે છે. પેલી યુવતીનો નહિ સંભળાતો સ્ત્રૈણ ચિત્કાર, એના વિસ્ફારિત હોઠના રચાતા આકાર પરથી એ પામી જાય છે. 'પિતા ..પિતા ..'

   ત્યારબાદ શહેરમાં એમના નામની ચકચાર ફેલાવામાં, હાથી પર સવાર થયેલા માલિકને એણે નીરખ્યા હતા- ક્યાંક વધસ્તંભ તરફ એ જય રહ્યા હોય એમ; પણ અત્યારે , એ 'કારની અંબાડી'માં માલિક નહોતા. ને અચાનક, પેલા લોખંડી ચકરાવાની ઓથમાં એના શરીરને ફંગોળીને,જમીન સરસો ચટ્ટાઈ ગયો. એક છલાંગ સાથે ચકરાવાને ઓળંગીને, હવાની પીઠ પરથી કૂદી પડેલો હાથી, એની સૂંઢને ગોળગોળ ઘુમાવવા લાગ્યો-પોતાને નષ્ટ કરવા, એને શોધતો હોય એમ.

   'કેટલું ભયકંર ....! ' હાથીના પગ નીચે કચરાઈ જતાં એ બચી ગયો.
   ને શેરીઓને ઢંઢોળતાં,ખૂંદતા, માલિક ક્યાંકથી આવી ચઢીને એને પૂછતાં હોય એમ લાગ્યું.

   'પેલા નરપશુને ક્યાંય જોયો?'
   ને બાઘાની જેમ નિરુત્તર બનીને, મલિકને ઝીણવટથી જોવાનો એણે પ્રયત્ન કર્યો.


0 comments


Leave comment