1.51 - જિંદગી ! જિંદગી ! / રાજેન્દ્ર શાહ


રાત્રિની અરવ અંધારની આરસી
પાસ બેસી મને હું ઘડી ન્યાળતો.
મહદ આશ્ચર્ય
કે ઊઘડ્યાં લોચનો એમ થંભી ગયાં
પલકને વીસરી,
હોઠની રેખ જાણે કંઈ બોલવા માગતી
તેમ ખુલ્લી રહી ગૈ જરી,
સ્થગિત મારી સ્થિતિ,
વ્હેણનાં પાણીની જેમ કો બંધ આગળ
રુંધાતી ગતિ,
વિમલ અંધારને આયને ન્યાળતો
હું જ મુજને અજાણ્યો પરો લાગતો !

બિંબની મૂર્તિ તે મારી કાયા નહિ, -
પ્હોર નમતો થયે
પૂર્વની ભૂમિ પર
બૃહદ બનતી રહી શ્યામ છાયા - છવિ.
છાંયની ઓથમાં તેજ કેવું લસ !
ક્ષિતિજના સજલ ઘનમાંહીં સોહી રહે
અર્ક જ્યમ ઓજસે,
જેમ થાકેલ પોઢી રહ્યાં પોપચે
આ મધુર શમણાંનું સૌંદર્ય જગ ઉલ્લસે,
તેમ આ છાય-છવિમાંથી પ્રગટી રહી
મૂળનું ચિત્ર મુજ ચારુ ચંચલ હસે.

એકદા વિશ્વની પાર્શ્વ ધરણી ઉપર
મુગ્ધ મનને ઉમંગે હતો ખેલતો.
નયનમાં તેજનાં લાસ્ય સોહામણાં,
અંગમાં મુક્ત તોફાન નિર્ઝરતણાં,
કંઠમાં –
મંજરીની સુગંધ બન્યા મત્ત –
- કોકિલતણાં ગાન ઉત્સર્ગ પામ્યાં ઘણાં,
નિત્ય આનંદ આનંદમાં મ્હાલતો;
નીલ દુર્વાતણાં ફૂલ ઝીણાં મને
સરસિજલ પર કમલદલ સમાં લાગતાં,
મંદ સંચારથી છદ્મ રે'નાર તે
કીટ, ચંચલ પતંગે રૂપાન્તર થતાં,
મન ઘણાં ભાવતાં....

રંગનાં ગાન શું વાયુમાં ઊડતાં ! –
એ શું મુજ નેણ પણ સહજમાં નાચતાં.
વનતણી કુંજ, તરુપુંજ, ગિરિશૃંગ ને
ગગનમાં ગહન ટમકંત તારાવલિ
પ્રેમને ઈંગિતે હૃદય મુજ સ્પર્શતા,
સર્વનો હું અને મારું આ સર્વ
એવા કંઈ ભાનમાં
ઝલક આનંદની વદન પર રેલતો,
એકદા વિશ્વની પાર્શ્વ ધરણી ઉપર
મુગ્ધ મનને ઉમંગે હતો ખેલતો.

મુગ્ધ મનને ય શાં કિંતુ બંધન અહો !
જે નહિ સ્પર્શથી, દૃષ્ટિથી, ગંધથી
જાય કો દી લહ્યો,
નેતિ નેતિ કહ્યો,
તે ય શો રૂપમાં અગણ, વિલસી રહ્યો !
કેવું બંધન અહો !

ચિત્તને પ્રાણ ધારી રહે,
પ્રાણને અન્ન
ને અન્ન પર્જન્યને આશ્રયે....
યજ્ઞ પર સકલ આધાર સંસારનો
કર્મના ધર્મનો માર્ગ તેથી ગ્રહ્યો.
કર્મનું ક્ષેત્ર આ...
ભૂમિ આ જલધિની મધ્ય જાણે ખીલ્યા
પદ્મ શી સોહતી.
ને અહીં નિત્ય નિધિજા રહે છે વસી,
અમિત સમૃદ્ધિ છે....

અમિત સમૃદ્ધિ છે....
તો ય તે સિદ્ધિ ? –
- કાજે કશાં મૂલ્ય ?..
આ નગરના માર્ગ સરિયામ લંબાય છે,
મોલ ઊંચા જ્યહીં નયન અંજાય છે.
આડી ને ઊભી રેખાતણી સીમની
સૃષ્ટિ-અલકા મહીં દૃષ્ટિ બંધાય છે.
આંહી લખ લોકનું મિલન છે, રે છતાં
સંગમાં સંગ છે માત્ર પોતાતણો....
આંહીં તો ‘રેસ’ ચાલી રહી......
કૉણને ઓળખે કોણ ? - હ્યાં
એક ગતિ, એક બસ તાલ છે, યંત્ર જ્યમ
ગંધ ઉંજણ તણી કે છ પ્રસ્વેદની,
તો ય માયા કશી ?
પામવું અધિક, ને પામવા કાજ પણ
ખર્ચવું અધિક,
આ દોડમાં
કોઈ હારેલ, કોઈ અભાગીણી
એક તે મીટ અનુકંપવાળી કશી ?
આંહીં તે ક્યાં ય શાંતિ નહિ,
ઝંખના...

હૃદય અણતૃપ્ત.....
ચિંતામહીં આત્મનાં તેજ સૌ લુપ્ત......
રે સિદ્ધિ કાજે કશાં મૂલ્ય ?

હું એકદા.
ગહન અંકાશમાં ગરુડ સમ ઊડતો
હું જ તે આજ શો ઋષભ સમ લાગતો !
અરવ અંધારની આરસી પાસ બેસી
વિમાસી રહ્યો....

જાત-ભૂલેલનો મહદ મેળો લહી
પણ હસી કૈં રહ્યો......

હું નહીં દૂર
હું રંગ તરબોળ
ત્યાં ગહન લીલામહીં કૈંક રૂપે મને
હું લહી ખેલતો
સહજ રે ઉચ્ચર્યો
‘સંસૃતિ.....સંસૃતિ
જિંદગી.....
જિંદગી !’


0 comments


Leave comment