1.52 - પથ દૂર દૂર જાય / રાજેન્દ્ર શાહ


પથ દૂર દૂર જાય
નયને ન ઝાંખી થાય
અનંત નિ:સીમ માંહીં
ક્ષુદ્ર પગલું ભરાય.

અધુના આ
દિનની દીપક જ્યોતિ
સાગરનાં જલમહીં
જશે ડૂબી ...

અધુના આ
અંતરીખ થકી આવી
ઘન તિમિરની છાયા
ભરતીને પારાવારે
જગને તે જશે કરી
એક રંગ, એક રે આકાર.

રમણ-શમન કેરું.
ટહુકે ચરમ ગાન
સૂર એના મ્રિયમાણ
ક્ષણમાંહિ ચરાચર
થઈ રહેશે અરવ.

અધુના દીપક – જ્યોતિ
કાલજલે જશે ડૂબી
પથ તો ય
અનંત નિ:સીમ.


0 comments


Leave comment