1.56 - પ્રભાતમાં નાસિક / રાજેન્દ્ર શાહ


પ્રાચીમહીં દ્યુતિની કૈંક લકીર લાગી:
અંધારને નિબિડ પૂર ડૂબેલ સૃષ્ટિ –
(ઓ અદ્રિ સાનુ, ધ્વજ, ઘુમ્મટ, વૃક્ષ આદિ)
જ્યાં ઓસરે જલ જરા, ધરી નવ્ય દીપ્તિ
- સોહે ઊભેલ દ્વિજ શી કટિબૂડ સૌમ્ય,
અર્પત અંજલિ હિરણ્મયને વરેણ્ય.

દેવાલયે મધુર ઝાલર ક્યાંક વાગી,
જે ને ગભીર ધ્વનિ આદિમ ગૂઢ મંત્ર
ગુંજંત, વાયુમહીં ઝાકળ- સિક્ત વ્યાપી,
ધીરે રહે જગવી પાર્શ્વ અને દિગંત.
એ નાદની શ્રુતિથી કાલ-વિવર્ત માંહીં,
કો દિવ્ય શાશ્વત રહસ્યની થાય ઝાંખી.
ગોદાવરીતટ પુરાતન, વ્હેણ એનાં
છે નિત્ય, કિંતુ જલ તો નવલાં સદૈવ
આવે, રમી ક્ષણ મહીં વહી જાય. નૈના
કો બિંદુમાં મુજ લહે રૂ૫ આધિદૈવ.
ક્યાંથી અહીં ? અવ ક્યહીં ? રહી જાય પ્રશ્ન !
કિલ્લોલતે નિરખું જાગ્રતિ કેરું સ્વપ્ન !


0 comments


Leave comment