1.59 - ઘન શ્યામ આવ્યો / રાજેન્દ્ર શાહ


આવ્યો સખી ! હૃદયની ચિર ઝંખનાની –
- ઝિંગોરની - ગહકથી કીધ સાદ જેને,
આષાઢને ગગન તે ઘન શ્યામ આવ્યો.

ના પદ્મનું શયન, ના જલસ્નાન, કિંવા
જેને વિલેપન ન ચંદનનું ય શીત,
તેનો સહુ શમવતો ઉર-તાપ આવ્યો.

આછાં જલે હસત નેત્રની અંજલિથી,
વાણી બને અરવ, ત્યાં ફરકંત ઓષ્ઠે
આનંદથી કુટજ-ફૂલ વડે વધાવ્યો.

મારે નિવાસ જ્યહીં દીપક મેં જલાવ્યો,
એણે ત્યહી મુરલિમાંહીં મલાર ગાયો.


0 comments


Leave comment