1.60 - એક સવાર / રાજેન્દ્ર શાહ


રાત્રી કેરા ચરમ પ્રહરે જાગીને જ્યાં દુવાર
ખોલ્યાં, ત્યાં મેં સ્તિમિત નમણી શાન્ત ન્યાળી સવાર:
આછા એવાં શબનમ ઝીણાં વસ્ત્ર આચ્છાદનેથી
સોહી રે'તું અરુણ-દ્યુતિ-લાવણ્ય એનું અપાર.

ભૂલ્યાં મારાં દૃગ પલકવું દૃષ્ટિને સોમપાન,
ને ઘેરાતાં અવશ બની તંદ્રામહીં રે અજાણ :
શી તો યે જાગૃતિ ? - ભ્રમરની ગુંજનાને વિમુગ્ધ
ઝીલું, ને હું દલ દલ લહું પદ્મને સ્પંદમાન !

ત્યાં તો કોઈ વિહગ-ઉર-ઉલ્લાસનો ટૂહુકાર
સીમે સીમે અનુરણનમાંહીં રમતો ઝિલાય,
કુંજે કુંજે તરુ-પરણ-પુંજે હવાને હિલોળે
ઝૂલી, મારે હૃદય ગહને સંમુદામાં સમાય.

ને જ્યાં બાજે મૃદુ રિષભને સૂર-ઝંકાર બીન,
ત્યાં તો એને ઉદિત રવિને ભર્ગ ન્યાળું વિલીન.


0 comments


Leave comment