5 - નિરુદ્દેશે / ગુણવંત વ્યાસ


મોબાઈલ ઑન કર્યો કે નાનકડા સ્કીનમાંથી ફૂટી નીકળેલો પ્રકાશ આખા ઓરડાને અજવાળી ગયો. સ્ક્રીન પર બા મલકાતી હતી. બાળપણ સામે આવીને ખીખીખીખી કરવા લાગ્યું. ફોન મૂકી પડખું ફર્યો. હજુ ય ઓરડો આછા અજવાળાથી ભર્યો ભર્યો હતો. માંડ મિનિટ થઈ હશે, ઉજાસ સાથે બા પણ અંતર્ધાન થઈ. ઓરડો ફરી અંધારામાં આળોટવા લાગ્યો. ટાવરે બે-ના ડંકા વગાડ્યા. શોભાએ પડખું બદલ્યું. એના ચહેરાની રેખાઓ આ અંધકારમાં નહીં કળાય. આંખો ખુલ્લી કે બંધ રાખવામાં કોઈ ફેર ન જણાતાં મીંચી. એ ખુલી શોભાના ચિત્કારથી –
- “હાય હાય ! છ વાગી ગ્યા ! ઊઠવું નથી ?”

મેં આળસ મરડી. એ ફડકમાં જ ઊભી થઈ ગઈ હતી. મેં હાથ પકડીને ફરી સુવાડી. બથમાં લેવા ગયો ત્યાં છટકી, ફરી ઊભી થતી બોલી પડી : ‘તમે નવરા હશો; મારે હજી ટિફિન બનાવવું છે. હટો, છોડો મને! '
- “આજ છોડ એ બધી જંઝાળને; સૂ નિરાંતે !”
- “મૂકો ! ને તમારો મોબાઈલ બદલો. ખરે ટાણે વાગતો જ નથી તે !”
- “મેં જ એલાર્મ ઑફ કર્યો'તો !”
- “ક્યારે ? શું કામ ? કેમ ?” – કામ ભુલાઈ ગયું. આશ્ચર્યો ઓઢીને આવતા પ્રશ્નોની ઝડી કોઈ પોલીસ અધિકારીના સવાલોની જેમ વરસતી વીંઝાવા લાગી. મેં કોઈ ગુનો કર્યો હોય એ ભાવે એની આંખો મને તાકી રહી. “બસ, એમ જ !” એવા મારા ઉત્તરથી એને સંતોષ ન થયો. કદાચ વિશ્વાસ જ ન પડ્યો. “હૈં!” થી એનું આશ્ચર્ય બેવડાયું. મેં ફરી એ જ ઉત્તર દોહરાવ્યો : “બસ, એમ જ !”
- “તબિયત નરમ છે ?”
- “ના.”
- “સાઈટ વિઝિટ પર જવાનું છે?”
- “ના.”
- “કોઈ ગેસ્ટ આવવાના છે ?
- “ના.”
- “કોઈને મળવા જવાનું છે?”
- “ના”
- “બોસ તો જીવે છે ને ?!”

એના પ્રશ્નોમાં ઠલવાતી અકળામણમાં હવે ગુસ્સો પણ ભળ્યો હતો. મારાથી હસી પડાયું. એ હસી શકે તેમ નહોતી. અકારણ આમ ઓચિંતી રજા એની કલ્પના બહારની વસ્તુ હતી. કંઈક અંશે મારી પણ ! આછું-આછું આશ્ચર્ય તો મને ય મારા આ વર્તન વિશે હતું. કોઈ કારણ વિના એલાર્મ આમ ઓચિંતો જ ઑફ કરવાના મૂળમાં શું હતું એ હું ક્યાં કળી શક્યો હતો ! શોભા જેવા ને જેટલા પ્રશ્નો તો મારા મનમાં નહોતા જમ્યા, પણ એના ઉત્તરો તો મારી પાસે ય નહોતા. ધાર્યું જ નહોતું કે આવા પ્રશ્નો પુછાશે. બસ એમ જ, નોકરીએ નહીં જવાના એક નાનકડા વિચારે મોબાઈલ ઑફ થઈ ગયો હતો. ઊંઘ પણ પછી આવી જ ગઈ હતી ને ; કોઈ વિચાર વિના ! એ તો હવે, શોભાના પ્રશ્નોએ વિચારતો કર્યો હતો. પણ વિચાર્યા પછી યે જવાબ તો ન જ મળ્યો.

શોભાના ચહેરાની રેખાઓ સ્પષ્ટ વાંચી શકાતી હતી. એનું રૂટિન ડિસ્ટર્બ થવાની ભારઝલ્લી વેદના એના મોં પર ગંભીરતા લીપી રહી હતી. આવું ક્યારેક સૂરના સ્વરોમાં થતું, જ્યારે એ ગોખેલા આંકપલાખાં યાંત્રિકતાથી ફટાફટ બોલતો; એમાં કોઈ અંક કોઈ અવરોધે ચૂકી જવાતો, તો પછી યાદ અપાવ્યા પછી યે એ આગળ ન જ વધી શકતો ને ફરીથી એકડે એકથી આરંભતો. જોકે, આજે ઊઠવામાં મોડું તો ખાસ નહોતું થયું. એલાર્મની આદતે વગર એલાર્મ પણ જાગી જવાયું'તું. દસેક મિનિટ મોડું હતું, પણ એ તો એની ઝડપ એને કવર કરી શકે તેમ હતી. પ્રશ્ન એ નહોતો; પ્રશ્ન એ હતો કે નોકરીએ આજે આમ ઓચિતું જ નહીં જવાનું કારણ શું? ઉત્તર અઘરો હતો. કદાચ અશક્ય પણ. એક-બે વાક્યોમાં તો નહીં જ ચાલે. સાર-સંક્ષેપ પણ નહીં. સવિસ્તર સમજાવટ કદાચ કામ આવે.

શોભા અકળાતી ઓરડો છોડી ગઈ. સૂરને જગાડ્યો. પછીનું રૂટિન પહેલા શરૂ થયું. સૂર, ‘હજી તો વાર છે, મમ્મી, સૂવા દે ને !' કહેતો રહ્યો પણ શોભા અક્કડ જ રહી. પગ પછાડતી એની આવનજાવન ફરિયાદોની એક પછી એક થપ્પી ખડક્યે જતી'તી. એના ખખડાટે મારી ઊંઘ ઊડી ગઈ. થોડીવાર આળોટ્યા પછી ઊભું થવું જ પડ્યું. રોજ, રોજેરોજના રજેરજ સમાચાર સંભળાવતી શોભા મારા અકારણ સહવાસે સકારણ મૌન બની ગઈ હતી. એનું મૌન મને અકળાવતું. આજે એ વધુ કઠ્યું. એમ જ મોબાઈલ ચેક કર્યો. બા હસતી સામે આવીને ઊભી રહી. પૂછવાનું મન થઈ આવ્યું : બોલ બા ! બોલ; એને કેમ બોલાવું? - બા ય મૂંગી જ રહી. થોડી વારે ઠરી ગઈ. મોબાઈલ મૂકી બ્રસ ઝાલ્યું. પેસ્ટ આજે જાતે જ લગાવવું પડ્યું. ન્હાવાનું પાણી યે ક્યાં આજે ગરમ હતું ! ટુવાલ માગવો જ પડ્યો. નિઃશબ્દ ટુવાલને ખંખેરતાં એમાંથી મૌન જ ખર્યું. ચા પર ચુપકીદીના પડને આંગળીથી હટાવતાં હું બોલ્યો :
- “તારી ચા ?”
- “મેં પી લીધી !”
મેં અકળામણનો ઘૂંટ ગળે ઉતાર્યો. હીંચકો મૌનની વચ્ચે કિચૂડાટ રેલાવતો રહ્યો. શબ્દો શોધવા પડશે કે શું ? થોડા મળ્યા. ગોઠવ્યા. બોલ્યો :
- “આજ થયું, થોડો આરામ કરીએ !”
- “આરામ ? તો પરમ દા'ડે રવિવારે શું કર્યું, તું? ઘરે જ હતા આખો દિ' ! બસ, એક કાલનો દા'ડો કામેં જઈ આવ્યા એમાં તો થાકી યે ગયા !”
- “થાકનો પ્રશ્ન જ નથી, શોભા ! આ તો થયું, ચાલો આજે કામ વગરનું જ કંઈક કરી જોઈએ !”
- “કામનું કરો તો યે ઘણું છે !”
- “કામનું તો રોજ થયા જ કરવાનું ને !”
- “તો નકામનું બસ, બેઠું રે’વાનું ઘેરે ?”
- “ના, રે ! ખાએંગે, પીએંગે, એશ કરેંગે, ઔર ક્યાં ?”

હું થોડો રોમેન્ટિક બન્યો. શોભા પર એની કોઈ અસર થઈ કે નહીં એ જોવા મેં એની સામે જોયું. એ, ઊલટી છંછેડાઈ :
- “એક કામ કરો : રોજ ઘરે જ રો’ ને એશ કરો; ખાજો ખરપિયાં !”

હું કૃત્રિમ હસ્યો. એની થોડી અસર શોભા પર થતી લાગી. એ જરા નરમ પડી જણાઈ. એ મારા તરફ ફરી, બોલી :
- “ખરેખર, એમ જ રજા મૂકી ?”
- “તો શું; સૂરની સગાઈના કામે મૂકી ?!”

હું હવે ખરેખર હસવા લાગ્યો. એની નરમાશભરી બનાવટ ખરી પડી. એ જાણે બરાડી :
- ‘હવે જુઓ, ખરે ટાણે ખભા ઉલાળો ! ઢસડીને લઈ જાવ છું કે નંઈ !”

એનું નોખું રૂપ જોઈ, મોંમાં આવેલા શબ્દો સુકાઈ ગયા. નહીં જ સમજે એવું સમજાતાં સમજાવવું છોડ્યું. બાજુવાળા બાબુભાઈ આ ખખડાટ સાંભળી બહાર આવ્યા :
- “અરે ! રાજુભાઈ ! આજે ઘેરે ? શું વાત છે !'
હજુ ઘરનાને સમજાવતો રહું ત્યાં બહારથી આશ્ચર્યો ઠલવાવા લાગ્યાં. પ્રશ્ન પણ પુછાયો: “કંઈ સ્પેશ્યલ ટાસ્ક કે?” કહેતાં બાબુભાઈએ આંખ મીંચકારી.
- “શું તમેય ! આ તો અમસ્તા જ રજા રાખી !”
બાભુભાઈ ન જ માન્યા :
- “નો બને ! વાણિયાભાઈ વિચાર્યા વિના રજા પર નો રે !”
કમાલ છે ! માનવું જ નથીને કોઈને ! એ હજુ ય ઊભાઊભા હસી રહ્યા હતા ને હાથને ઈશારે પૂછી રહ્યા હતા.

- “કંઈ નથી, ભઈ !!” - મેં કંટાળીને ઉત્તર દીધો. તો કહે :
- “કુછ તો હૈ !”
- “શું “કુછ તો હૈ” ? સી.આઈ.ડી. બોલાવો; તપાસ કરે : ક્યા હૈ !” મારાથી ગુસ્સે થઈ જવાયું. એ ચોંક્યા. થોડા ગંભીર થયા ને મોં મચકોડી જતા રહ્યા. “શું જમાનો આવ્યો છે ! મારે હવે મારા ઘરમાં રહેવા માટેનાં કારણો “કોઈને' આપવા પડશે !” - હું બબડ્યો આ બબડાટથી અસર શોભા પર સીધી જ થઈ. મારા ‘કોઈને' શબ્દોમાં તે પોતાની જાતને પારકી માનવા લાગી. પત્યું. રડવા સાથે દામ્પત્યજીવનનો હિસાબ રજૂ થવા લાગ્યો :
- ‘દહ-દહ વરહ થ્યાં ઘરને ઘર બનાવવા તૂટી મરી, પારકાને પોતાના કર્યા; એનો આ બદલો. ઘસાઈ મરો તો ય “કોઈ” જ રહેવાના...!”
- “અરે ! ભઈ, આ તારી વાત નથી. આ પેલો બાબુ...”

પણ માને તો ને ! અવળા ટ્રેક પર ચડી ગયેલી ગાડીને પાછી વાળવી અશક્ય. હવે તો મૌન એ જ હથિયાર ! એ બબડતી જતી હિબકા ભરતી રહી. હું હીંચકે ઝૂલતો, મોબાઈલ રમવામાં ખોવાયો. મને આમ મોબાઈલમાં મસ્ત જોઈ એ ચોંકી. એને એમ જોઈ હું યે ચોંક્યો. મોબાઈલ એમ જ અટકી પડ્યો. પ્રશ્નો ફરિયાદનાં વાઘાં વીંટી સામાં આવ્યાં :

“વીસમીએ વાલીમિટિંગમાં જવાનું કહ્યું'તું; ત્યારે રજા નો'તી. અરે ! ગ્યા મૈને મોસાળમાં ય ક્યાં આવ્યા'તા, મારી સાથે ! મામીસાસુ તો મરે; હું ભલો ને મારી નોકરી ભલી ! વે'વારમાં ક્યાંય ઊભા ર’યા છો, કોઈ દિ' ? ને આજે આરામનાં બા'ના ! લાઈટબિલ આવ્યું છે, ભર્યાવજો; ને મકાનમાલિક બે મૈનાથી બોલાવે છે, મળ્યાવજો.”
આક્રોશે જાણે આદેશનું રૂપ ધર્યું. મને જાણે છટકવાનો મોકો મળ્યો. ઝડપથી બહાર નીકળું; નહીં તો આજ બસ, દિ' આખો આમ જ. .હું ઊભો થયો. કપડાં બદલી બહાર નીકળ્યો. રસોડામાં રાંધતી શોભા મોબાઈલ ફંફોસી રહી હતી. એને એમ જ છોડી મેં ઘર છોડ્યું. મને આમ, કશું કહ્યા વિના જતો જોઈ, મોબાઈલ લઈ એ પાછળ દોડી. પણ આગળ નીકળી ગયેલા મેં પાછું વાળીને ન જ જોયું. મને તો એ જોઈ જ રહી, ને પછી પાછી વળી. ઘર જ નહીં, સોસાયટી આખી દેખાતી બંધ થઈ ત્યારે જ થોભ્યો. તોયે ન જાણે ક્યાંથી, સામેવાળાં સવિતાબેન ઓચિંતા જ ફૂટી નીકળી સામે મળ્યાં. મને જોતાં જ થોભ્યાં. થોડા આશ્ચર્ય ને થોડી જિજ્ઞાસા સાથે એય પૂછી બેઠાં :
- “કેમ ! આજે આમ ઓચિંતી જ રજા ? કોઈ ખાસ કામ કે ?”

મારી પાસે એ જ ઉત્તર હતો, જે શોભાને જણાવ્યો'તો; જે બાબુલાલને કહ્યો'તો :
- ‘ના; બસ,એમ જ !’

સવિતાબેન આટલેથી માને એવાં ક્યાં હતાં !
- “ક્યાંક બા’ર જાવાનું હશે !”
- “ના, રે !”
- “તો કોઈ આવવાનું હશે !”
- “ના, ભઈ, ના !”
એ ન જ માન્યાં. જતાં-જતાં બોલતાં ગયાં : “માળાં ! પતિ-પત્ની બે ય પાક્કાં હોં !”

હશે ! એમનાં માનવા – ન માનવાથી મને કોઈ ફેર પડવાનો નહોતો. પણ એને સંતોષ નહીં થાય. અહીંથી સીધાં જ શોભાને મળશે. એમણે ધાર્યું સત્ય જાણવા મથશે. અને ન જાણવા મળતાં પડોશીને પૂછવા પ્રેરશે. હું એમને જતાં જોઈ રહ્યો.

રિક્ષા પાસે આવી ઊભી રહી; પણ ક્યાં જવું એ જ ક્યાં નક્કી હતું ! એને જવા દઈ, એમ જ ઊભો રહ્યો. જતા લોકોને જોઈ રહ્યો. સૌ પોતપોતાનાં કારણો સાથે ગતિમાં હતા. એ બધા વચ્ચે અકારણ સ્થિર ઊભેલો હું જ અગતિગમન કરવા નીકળ્યો હતો. મારી સામે જોવાની ફુરસદ પણ ક્યાં હતી કોઈ પાસે ! ભીડભર્યા વાહનોની ભરચકતામાં અટવાતા, ગૂંચવાતા ને પાછા ઉકેલાતા એ પાછું જોયા વિના જ આગળ ધસી રહ્યા હતા. એમાં હું મને શોધવા મથ્યો. એકેએક ચહેરામાં મને હું જ ભળાયો. અખિલ બ્રહ્માંડમાં એક તું જ અનંત રૂપે ભાસતાં મારી મૂંઝવણ વધી. આમાં અસલી હું ક્યાં ? ઓળખ અઘરી લાગી. મારામાં મને જ શોધવાની પીડા વલૂરતો હું સાવ જ ખોવાઈ જાઉં એ પહેલાં મેં નજર હટાવી લીધી. મારા પગ એકબીજાને છેદતાં, એકબીજાની હરિફાઈમાં જ, એક સ્કૂલના દરવાજે આવીને ઊભા રહ્યા. દરવાજા બંધ છે. અંદર કમ્પાઉન્ડમાં હારબંધ શિસ્તમાં ઊભેલાં બાળકો કસરત કરી રહ્યાં છે. ગણવેશધારી બાળકોમાં હું સૂરને શોધવા મથું છું. સૂરને મળવું મુશ્કેલ છે. યુનિર્ફોર્માલિટી જ એમાં અવરોધ બની આડી ઊતરી છે. કસરતના દાવનું કોઓર્ડિનેશન કાબિલેદાદ છે. જુદાં પડનારને જુદાં કરાય છે; અનુસરનારને આગળ ! “અનુકરણ એ જ અનુશાસન” એ નિયમના પાઠ બાળકો ભણી રહ્યાં છે. ક્યાંય સુધી હું આ તાલ જોઈ રહું છું. અંતે, એકની પાછળ એક, ક્રમબદ્ધ કદમથી કદમ મેળવતી આ કસરતથી હું કંટાળું છું. એમને એમ જ કરતાં રહેવા દઈ, હું આગળ વધુ છું. કોઈ ભાઈ; કદાચ પુત્ર જ, વૃદ્ધ મા-નો હાથ ઝાલી રસ્તો ઓળંગવા ઊભો છે. કોઈ પિતા બાળકની આંગળી પકડી ટ્રાફિક ઘટવાની રાહ જોઈ રહ્યા છે. બે પ્રેમી જણાતાં યુવક-યુવતી એકબીજામાં ધીરજ પરોવીને ધસમસતા ટ્રાફિકને જોઈ રહ્યા છે. બે સખીઓના પંજા એકબીજામાં ભીડવેલા છે. નાનો હતો ત્યારે આ જ રસ્તાઓ બા-ની આંગળી ઝાલીને ઓળંગેલા. એ જ બાની નનામી ઊંચકીને જ્યારથી આ રસ્તાઓ ઓળંગવાનો થાક ખભે લઈને ફરું છું, ત્યારથી રસ્તા ઓળંગતા ડરું છું. પણ આ જ નહી ડરું. હું ટ્રાફિક વચ્ચે જ, એના અટકવાની રાહ જોયા વિના જ, ઝંપલાવું છું. થોડો અથડાતો, થોડો બચતો રસ્તો ક્રોસ કરું છું. અકથ્ય આનંદ રૂંવેરૂંવે ટમટમી જાય છે. રસ્તાને ફરી ઓળંગવાની ઈચ્છા ઊગી નીકળે છે. રોમાંચિત થતો ઓળગું છું. ઈચ્છાને ફૂલ આવ્યાં છે. એની સુગંધના દરિયાને સાચવતો ગજવામાં મૂકી આગળ વધું છું.

સ્ટેશન નજીક આવ્યું છે. ભીડની ભીંસ વધતી જાય છે. પ્લેટફોર્મ પરની દોડધામ, ટ્રેનની આવનજાવન, પેસેન્જરોની ભીડભાડ અને કાબરોનો રોજના કલબલાટથી ઊબકી ગયેલો હું આજ અવળે રસ્તે ફંટાઉં છું. પાસેની ગલીમાં બાળકો રમી રહ્યાં છે. એમને સ્કૂલે નહીં જવું હોય ?! કે પછી એ ય આજ મારી જેમ જ...! હું એમને રમતાં જોઈ રહ્યો. મને એમની બેફીકરી દોડધામ ગમી. નિરુદ્દેશ એવી આ ભાગંભાગ, નાસભાગ ! શું નામ આપી શકાય આને ? છૂપાછૂપી ? પકડમદાવ? ચોરપોલીસ ? – કદાચ, કંઈ નહીં. નિર્બંધ એમની આ હડિયાપટ્ટી ધૂળ ઉડાડતી, ફાવે તે દિશામાં ફંટાતી, નિરાકારી નિજાનંદમાં મસ્ત હતી. મારી આસપાસ ઘૂમતી એ, આંખોથી ઓઝલ થઈ ત્યાં સુધી હું જોતો રહ્યો એને. ઓચિંતા જ કોઈ અજાણ્યાએ દોડતા આવી, ધક્કો મારી મને શેરીની એક બાજુ ફંગોળી દીધો. હું કશું વિચારું એ પહેલાં એક માતેલો સાંઢ મારી બાજુમાંથી છીંકોટા ઝીંકતો, ધૂળ ઉડાડતો ધસમસતો પસાર થઈ ગયો. મોત જાણે તેનું વિકરાળ રૂપ બતાવી ગયું. ક્ષણભરની ય વાર થઈ હોત તો...! અકથ્ય ! ભયાવહ ! શરીરે પરસેવો વળી ગયો. કોઈએ બાજુમાં આવી બાવડું ઝાલ્યું. મને ઊભો કર્યો. પાંચ-સાત બીજા ફરી વળ્યા. એનું ટોળું થયું. પ્રશ્નોની ઝડીઓ વચ્ચે ગભરાયેલા મને સ્વસ્થ થતાં વાર લાગી. પાણી પીધું. ને સ્વસ્થ થતાં જ આગળ વધ્યો.

થોડે દૂર જતાં સામે ખાઉંધરી ગલી મળી. ભવની ભૂખ લઈને ભેગા થયેલા લોકોની અહીં ભારે ભીડ જોઈ. મફત મળતું હશે કે શું ?! પૈસા ચૂકવીને લાઈનમાં ઊભેલા લોકો મરીને ય જીવી લેવા માગતા હતા. બસ, હવે જીવતેજીવ નથી મરવું ! હેલ્થ કૉન્સિયસનેસ ફંગોળી દીધી, “ચાલીસ પછીથી કેવી રીતે ચાલીશ”ના વિચારો ખંખેરી નાખ્યા. ડાયેટિંગના ચક્કાને ચગદીને હું લાઈનમાં ગોઠવાઈ ગયો. ભૂલવા આવેલા સ્વાદ ફરી જીભ પર આવી બેઠા. મોં પાણી-પાણી થઈ ગયું. ખાવા માટે જ જાણે જીવતા લોકોએ થોડાં વર્ષોમાં તો કેવા-કેવા સ્વાદ વિકસાવ્યા હતા ! કેટકેટલા નવા ટેસ્ટ !! વાનગી તો સાવ અજાણી ! નામ કોને આવડે ! પણ મજા પડી ગઈ !

બાજુમાં કંઈક બોલાશ સંભળાયો. બેસવા માટે બે ગ્રાહકો વચ્ચે કંઈક તકરાર થઈ. એમની હુંસાતુંસીમાં પાણીપુરી ખાતી બે યુવતીઓને ધક્કો લાગ્યો. સાથેના યુવકો છંછેડાયા. ચડસાચડસી ને ખેંચાખેચીમાંથી વાત મારામારી સુધી પહોંચી. બેઉ પક્ષે મોટાં ટોળાં આકારાવાં લાગ્યાં. ધક્કામુક્કીમાં હું યે ધક્કે ચડ્યો. ખાવાની મારી ડીસ પડી ગઈ. થોડાં કપડાં બગડ્યાં. ધક્કો મારનારને કશું કહું ત્યાં બીજો ધક્કો આવ્યો. હાથ વીંઝાવા લાગ્યા. હાથમાં આવ્યું તે હથિયાર ગણી ધસી આવતું ટોળું હીંસક બન્યું. નક્કી, ન્યાય સત્યના પક્ષે નહીં પણ બળના પક્ષે બેસશે એવું લાગતાં જ હું ભાગ્યો. સામાં પ્રવાહે તરવાનો શ્રમ કરતો હું માંડ ટોળાને ભેદી શક્યો. બહાર નીકળી જોયું તો રીતસરની (!) મારામારી શરૂ થઈ ચૂકી હતી. ભાગો, નહીં તો માર્યા ઠાર ! – કહેતાં મેં મુઠ્ઠીઓ વાળી. સુરક્ષિત અંતરે પહોંચ્યા પછી હાશકારો થયો. ઓહ! લારીવાળાને રૂપિયા ચૂકવવાનું તો રહી જ ગયું ! ચાલો, આજ એનો ય આનંદ ઉઠાવીએ ! - કહેતાં હું આગળ વધ્યો.

નહેરુ બાગને નજીક આવતા જોઈને હું હરખાયો. બા મને અહીં અનેકવાર લઈ આવેલી, આંગળી ઝાલીને ! સૂરને પણ હું લઈ આવેલો, બે-ત્રણ વાર; અંદર પ્રવેશવું ગમશે. ગયો. જઈને જોયં તો વારતહેવારે માનવવસ્તીથી ખદબદતો બાગ અત્યારે વૃક્ષોથી શોભાતો હતો. પાંખી વસ્તી વચ્ચે લહેરાતાં વૃક્ષોના પડછાયા મેદાનમાં પથરાયેલાં ઘાસની હરિયાળી સાથે રમણે ચડ્યા હતા. બંધ પડેલા ફુવારાની ફરતે, તેના ચાલુ થવાની રાહે ઊભેલા છોડની ડાળીએ ઊગેલાં ફૂલો કૂતુહલતાથી મને તાકી રહ્યાં. કંઈક ઓળખાણ પડી હોય તેમ ઝૂકીને મને આવકાર્યો. વૃક્ષોએ પણ પૂર્વની પરિચિતતાએ જ જાણે કે મને પાસે બોલાવ્યો. એક ખિસકોલી દૂરથી મને જોઈ રહી. મારા નિરુપદ્રવી માનસને વાંચી લીધું હોય તેમ થોડી વારે એ નજીક આવી, ઘાસમાંથી કશું વીણતી, ખાવા લાગી. મારી સામે ઘટાદાર ને ઊંચાં બે વૃક્ષ એક કુળનાં જ હોય તેમ લાગ્યું. એ ક્યાં વૃક્ષો છે એ હું ન જ કળી શક્યો. મેં આસપાસ નજર કરી. બે-એક ફૂલછોડને બાદ કરતાં નામથી બધાં જ અપરિચિત લાગ્યાં. વનસ્પતિજગત વિશેનું મારું અજ્ઞાન મને ભોઠોં પાડતું, કોસવા લાગ્યું. હું છોભીલો પડી ગયો. આ વૃક્ષો જરૂર મને ઓળખતાં હશે. મારું નામ પણ એણે બાના મુખેથી સાંભળ્યું હશે. હું એ કદાવર વૃક્ષોની સામે તાકી રહ્યો. એ જાણતાં હોવાનો હોંકારો ભણતાં હોય તેમ મને લાગ્યું. મારામાં રાજીપો છલકાઈ ઊઠ્યો. પરિચિતતાને આત્મીયતા સુધી લંબાવવા હું ક્યાંય સુધી એ વૃક્ષોને નીરખતો રહ્યો. એક જ કુળનાં હોવા છતાં ય એમની વચ્ચેનું થોડુ જુદાપણું મારા રસનો વિષય બન્યો. હજુ હમણાં જ નાહીને ઊભેલા કોઈ બાળકની જેમ સ્વચ્છ ને તેથી આકર્ષક લાગતા એક વૃક્ષની બાજુમાં જ ઊગી નીકળેલા બીજા વૃક્ષની ગોબરાઈએ મારામાં કૂતુહલતા જગાવી. પક્ષીઓની ચરકથી ખરડાયેલાં એનાં પાન-ડાળખાં કેટલાં ગંદાં હતાં ! નક્કી, કોઈ પંખીઓનું ઝૂંડ આ વૃક્ષ પર રાતવાસો કરતું હશે. પાંદડે-પાંદડે પંખી ફૂટ્યાનું સૌન્દર્ય જરૂર ત્યારે એ વૃક્ષની શોભા વધારતું હશે. ત્યારે; હા, ત્યારે જ પોતાના વાંઝિયાપણાને કોશતું રૂપાળું પેલું વૃક્ષ કોઈ શાપિત અવસ્થાને સ્મરતું આંસુ સારતું હશે. એની સ્વચ્છતાનું રાજ આંસુથી ધોવાયેલાં આ પાંદડાં હશે ?! હું વિચારતો જતો એનાં પાંદડે-પાંદડે પંખી ચીતરવા લાગ્યો.

કોઈના વિચિત્ર ખડખડાટથી હું જાગ્યો. કેટલા વાગ્યા હશે ખબર નહીં, પણ સાંજ પડવા આવી લાગે છે. મેં આંખો ચોળી. આળસ મરડી, અવાજની દિશામાં જોયું. થોડા આધેડો, મારાથી થોડે દૂર, વર્તુળાકારે ઊભા રહી, હાથ ઊંચા કરતાં કૃત્રિમ હસી રહ્યા હતા ને આસપાસના લોકોનું ધ્યાન ખેંચી રહ્યા હતા. મને એમનાં બનાવટી હાસ્યમાં રસ પડ્યો. સાચું ન હસી શકતા ચહેરાઓના નકલી હાસ્ય પાછળ દેખાઈ આવતી, અસલ કરુણતાની રેખાઓને ઉકેલવાની મજા પડી. એ હાસ્ય વાગવા માંડ્યું ત્યારે હું ઊઠ્યો. બહાર આવી ચા પીધી. બસ સ્ટેશન સામે મળ્યું. આવતા-જતા માણસોની અધિરાઈ એમની ચાલમાં વર્તાઈ આવતી હતી. રાત પહેલાં ઘરના ઘરે પહોંચવાની ઉતાવળ ચહેરેચહેરે વાંચી શકાતી હતી. કોઈ અજાણી બસમાં બેસી, છેલ્લા અપરિચિત સ્ટેશને પહોંચી, અણકલ્પ્યો/આકસ્મિક આનંદ લૂટ્યાની વાત કોઈ જગ્યાએ વાંચ્યાનું સ્મરણમાં તાજું થયું. એને અનુસરવાનું હવે ફરી કોઈ શુભદિને; અત્યારે હવે ઘરે જવું જોઈએ.

શેરીમાં ભીડ જામી હતી. ઘરની આસપાસ ખાસ્સાં વાહનો ખડકાયાં હતાં. લોકોને પણ, ખાસ્સાં એકઠા થયેલાં જોઈ કશુંક અમંગળનો અંદેશો જન્મ્યો. મેં ઝડપ વધારી. પરિચિતોની નજર મારા પર પડતાં જ તે, હરખ જતાવતાં જાણે ચિલ્લાયા: “આ રહ્યા રાજુભાઈ, આ આવી ગ્યો !” - મને થયું, મારી જ શોધ ચાલે છે કે શું ?! ઘર છોડ્યા પછી ઘરમાં ઊગેલી શંકા-કુશંકા, મંગળ-અમંગળની કલ્પનાઓએ સૌને આકુળ-વ્યાકુળ કરી દીધા હશે. પડોશીઓ રસ લેતા દોડ્યા હશે. ફોન પર ફોન કરીને મારા હોવા - ક્યાં હોવા વિશેની શોધ અતિશયતાની હદ વટાવી ગઈ હશે. સાંજ સુધીમાં તો શું નું શું ય વિચારી લીધું હશે.

હું ઘરમાં ઘૂસ્યો કે આક્રોશ ને ગુસ્સાભરી અનેક નજરો મને વીંધવા લાગી. બે-ત્રણ ખૂણા નફરતનો ભાવ પણ વરસાવી રહ્યા. એક ખૂણો રુદન વચ્ચે ય થોડો હરખાતો લાગ્યો. એ હરખમાં થોડી ફરિયાદો હતી, થોડો અસંતોષ પણ; વહેતાં આંસુઓનું મૌન અશબ્દ સવાલો વીંઝતું સામે ઊભું હતું. ક્યાં હતા ? શું થયું ? ક્યાં ગયા'તા ? કેમ ગયા'તા ? મોબાઈલ સાથે રાખવો જોઈએ ને ! ફોન તો કરાય ને ! - જેવા પ્રશ્નો ને સલાહોની, ચોતરફથી વરસતી ઝડીઓ વચ્ચે સરકતાં મેં ઓરડામાં ઘૂસી જઈ જાતને કેદ કરી લીધી. ઉત્તર આપવો યોગ્ય ન જણાયો. હજ્જારો મોઢાંની લાખ્ખો વાતોનો ગણગણાટ આશ્ચર્યો ઓકતો, થોડી ચહલપહલને અંતે વીખરાયો. પોતપોતાની કલ્પનાઓ ને તુક્કાઓને પોષતા ખૂણા ખાલી થયા. પ્રશ્નોનો ધસારો આસપાસનાં ઘર, સોસાયટી, શેરી, રસ્તા કોર ફંટાયો.

પ્રશ્નોના ભારથી દબાયેલું ઘર હળવું થતાં મેં બારણું ખોલ્યું. ઘરમાં ઊતરી આવેલા અંધારાને ફેડવા ઉજાશ અનિવાર્ય હતો. નહીં કળાતું, તો જ કળાશે. મેં લાઈટ ઑન કરી. અજવાળા વચ્ચે ય આકળવિકળ મૌન અટવાતું રહ્યું, અથડાતું રહ્યું. ઉજાશ મૌનના પડળને ન જ ભેદી શક્યો. હવે મૌન જ એનો માર્ગ ખોળશે. હું સૂવા ચાલ્યો.એક લાં...બો શ્વાસ લઈ પથારીમાં પડતું મેલ્યું. એલાર્મ સેટ કરી પડખું બદલ્યું, ત્યાં એકાંત તૂટ્યું : “કાલે નોકરીએ જવાનું છે કે પછી બસ, આમ જ રખડ્યે રાખવાનું છે ?!”

મેં સંવાદનો તંતુ સાંધ્યો : “હવે એ ફરી કોઈ મંગળવારે !”
એણે સ્વીચ ઑફ કરી. મને થયું : આ અંધારું જ કોઈ મારગ કંડારશે...
* * *


0 comments


Leave comment