3.2.3 - નગરજીવનનો સંક્ષોભ / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


    ‘રાવજીનાં ઘણાં કાવ્યો ગામ-સીમના વાતાવરણમાં જ ઊઘડે છે અને ખીલે છે, પરંતુ કેટલાક કાવ્યોમાં ગામકૃષક સૃષ્ટિ કવિના સંવેદનમાં ઉદ્દીપન વિભાગ તરીકે આવે છે, જે મુખ્યત્વે નગરમાં સ્થિર ન થઈ શકેલા સંવેદનશીલ યુવકનો ઝુરાપો વ્યક્ત કરે છે. ક્યારેક એને લાગે છે કે અહીં ઠરીઠામ થઈ શકાય એમ છે જ નહિ, (‘અંગત’ પ્રસ્તાવના’ લે.રઘુવીર ચૌધરી, પ્રકાશક. આર.આર.શેઠની કંપની, અમદાવાદ, બીજી આવૃત્તિ, ૧૯૯૨, પૃ.૧૧) રાવજીની કવિતા સૃષ્ટિમાં નગરની ઉપસ્થિતિ વિશે થી રઘુવીર ચૌધરીએ કરેલું આ નિરીક્ષણ સર્વથા તથ્યોગ્યતાયુક્ત છે. રાવજીનું સંવેદન જે અનેક દિશાઓમાં વ્યાપે છે તેમાંની એક દિશા નગરજીવનના વ્યાપની છે. નગર રાવજીને મન કોઈ ગોઝારું, ભયાનક સ્થળ, યા અતૃપ્ત વાસનાઓથી ખદબદતી અવાવરું ભૂમિ છે. આવી જગ્યાએ, ગ્રામજીવનમાં તેણે અનુભવેલાં, માનવજીવનના મુકત ધબકાર નિર્મળ પ્રેમોષ્ણા યા વૃત્તિ રહિત લાગણીની ભીનાશ તે અનુભવી શકતો નથી. તે નગરમાં વસે છે પણ નગરને અપનાવી શકતો નથી અને ગામડું છોડીને આવ્યો છે પણ મનથી ગ્રામજીવન ત્યાગી શકતો નથી. પરિણામે રાવજીમાં વિભાજિત વ્યક્તિત્વ ઊભું થાય છે. તે વસે છે નગરમાં અને જીવે છે સીમ-ગામના પ્રાકૃતિક પરિવેશમાં. તેની આ મનોમૂંઝારાની સ્થિતિ તેની ગોપકવિતાને ‘દગ્ધતા’નો પાશ ચડાવે છે. આ ‘દગ્ધતા’ રાવજીની કવિતામાં નગરની અનેક પરિણામીય ઉપસ્થિતિ રચે છે.

   રાવજીની આરંભકાલીન કૃતિઓમાં જોવા મળતું નગર ડાકોર, અમદાવાદ કે મુંબઈ છે. અર્થાત ગામડાગામના યુવક માટેનું આકર્ષણકેન્દ્ર તેની મુગ્ધતા અને આકાંક્ષાઓનું પ્રતીક. રાવજી આવા નગરના પરિચયમાં મુકાય છે ત્યારે તેને અંગત રીતે વરી ચૂકેલી કૃષિવસના પ્રકૃતિના અદમ્ય આકર્ષણ, વિશેષ કરીને માયાએ, તેને ઘેરી લીધો છે. નગરને પથ સંચરતા કવિને તેની સીમની અપાર મોહકતા વળગી પડે છે.
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે !
('અંગત', કાવ્ય – સીમનું મન)
   સંચરું શબ્દ અહીં અંતિમ ગમનને, point of no-return ને સૂચવે છે. આ સમગ્ર પંક્તિનો ભાવ સાથોસાથ નગરની માનવભક્ષિતાને પણ લક્ષ્ય કરે છે. (જુઓઃ લગ્નગીત ‘શુકન જોઈને સંચર જો રે’ એક નવા પરિવેશમાં ને સાથે હંમેશને માટે જોડાવા જતી કન્યાને ઉદ્દેશી આ ગીત ગવાય છે. અહીં નગર સાથે હંમેશ માટે જોડાવા જતા, ગ્રામ પરિવેશને હંમેશ માટે છોડી જતા કાવ્ય નાયકને ‘સંચરું’ શબ્દના ગોપિત સંસ્કારે હંમેશ માટે સાસરે જતી, નવા અજાણ્યા પરિવેશમાં જતી કન્યા રૂપે Juxtapose કરી આપે છે. કવિને પરિચિત આવા શબ્દસંસ્કારો તેની વિલક્ષણ આયોજનાને કારણે તેની કવિતાના કાવ્યવિશેષો બની રહે છે.)

   ‘લાગે’ કાવ્ય નગરજીવન ગામડાના સાલસ માણસને પણ કેવો અસહિષ્ણુ અને દંભી બનાવી મૂકે છે તેનું કુશળ ચિત્રણ કરે છે. તો વળી, સંવેદનશીલ ગ્રામજનના ચિત્ત ઉપર નગરજીવનનો ક્ષોભ અને આઘાત એવો તો વિચિત્ર પ્રભાવ દાખવે છે કે પરિણામે શાંત અને સહૃદય માણસનું ચિત્ત પણ સતત ખળભળતું રહે છે. સતત જીવનની આંટીઘૂંટીઓના ઉકેલો શોધવામાં જ નિમજ્જન રહે છે. નિજમાં ડૂબેલા આવા અશાન્ત મનના ઉકળાટોમાં, ખલેલ રૂપ, કોઈ વ્યક્તિને માર્ગ ઉપરથી પસાર થતાં જો કોઈ ભટકાઈ પડે તો, તગતગી ગયેલા ફરફોલાને કોઈ અડકી ગયું હોય એમ, પોતાના રોમરોમમાં ઊંડાણોમાંથી હિંસકતાપૂર્વક હથિયારો તાણી માણસ બહાર કૂદી આવે છે :
અજાણતાં સ્હેજ અડી જવાયું
જેવું મને કો' જનથી; ...
ને રોમરોમે હથિયાર ખેંચ્યાં
એ સ્પર્શ સામે પલવારમાં તો.
(અંગત', કાવ્ય - લાગે)
   હિંસાનો ભોગ બનીને ‘તમાચ’ ખાધેલી હાલતમાં પોતાની સમક્ષ ‘નતમુખ’ ઊભેલા જણનું ચિત્રણ કરીને, પોતે ગ્રામ ચેતનાનો જીવ છે, પોતાની સહિષ્ણુતા, સંવેદનશીલતા, વિશાળતા ક્યાં ગઈ? પોતે નગરજીવનની સંકડાશો, સમસ્યાઓ અને અભાવોના સંત્રાસ હેઠળ પોતાની મુલાયમ પ્રાકૃતતા ક્યાં મૂકી આવ્યો ? એવો પ્રશ્ન કરી કવિ સુબ્ધ બની જાય છે.
બની ગયો ક્ષુબ્ધ ઘડીક; માત્ર
એના નમ્યા મ્હોં પર દૃષ્ટિ ચોડી
ઑફિસને માર્ગ જતો રહ્યો છું.
(‘અંગત', કાવ્ય - લાગે)
   પરંતુ નગરજીવનનો ક્ષુબ્ધતાબોધ તેને ઝંપવા દે તેમ નથી. પોતાને ભટકાઈ પડનાર પણ પોતાના જેવો જ કોઈ નગરદગ્ધ સમદુખિયો જીવ હશે એમ વિચારીને કવિ સતત લાંછનભાવ અનુભવે છે.
કેમે કરી કામ કરી શકું ના,
હું સાચવી વાત કરું છતાંય
લાગે : ઘવાતું ઉર એ હજીયે.
('અંગત', કાવ્ય – લાગે)
   માનવ માટે જાણે નગરમાં હોવું જ શરમજનક ઘટના હોય એવી તીવ્ર લાંછનાનુભૂતિમાંથી નગરજીવનની એકવિધ, રેઢિયાળ, કૃત્રિમ, કઠોર, નિર્મમ અને આત્મકેન્દ્રી જિંદગીના વારંવાર પડઘા ઊઠતા જોઈ શકાય છે.

   ‘હેવમોરમાં’ કુતિ પણ નગરની અપ્રાકૃતિક જીવનલીલાને ચીંધે છે. આ કૃતિમાં અનુપસ્થિત લાગતો કવિનો ગ્રામ-સીમ અનુરાગ પ્રચ્છન્ન રૂપે સતત ઉપસ્થિત રહ્યો છે. કાવ્યમાં વર્ણિત ચીજ-વસ્તુઓની કવિચિત્તમાં પડતી સ્મરણાત્મક છાપ આ ગ્રામપરિવેશને છતો કરે છે. ‘હળવે /હળવે /હવા' એ ત્રણેય પદ પ્રાકૃતિક વાતાવરણના દ્યોતક છે. તે પછીનું આગંતુક પદ ‘લાવે પડદા' તરત જ પ્રકૃતિ નિમજજન ભાવપિણ્ડમાં નગરની આઘાતકર અનિષ્ટ તરીકેની ઉપસ્થિતિ સૂચવી ભાવક-સંવિત્તિને ડહોળી નાખે છે. ‘હવાથી હાલતા પડદા’ પ્રકૃતિ સ્મરણથી નગરજીવન પર છવાઈ રહેલા આવરણો હલી ઉઠે છે તે તેમજ આ નગર ભ્રમણાઓનું પોષક અને કૃત્રિમ છે એ વાત પણ સૂચવાઈ જાય છે. વધારે તીવ્રતાથી આ વાતને કવિ આગળ ઉપર આમ મૂકે છે.
ભીંતો પરના રંગ
મળ્યા છે
ટેબલ પરના ‘જગ’ માં
('અંગત', કાવ્ય - હેવમોરમાં)
   અહીં ભીંતો નહિ પણ તે ઉપરના રંગોના મિલનને બતાવી કવિ મુખવટો પહેરેલા, ઉપર ઉપરનો દેખાડો કરતા નગરજનોને ઉઘાડા પાડે છે. અને આ બધા બનાવટી ચ્હેરા મ્હોરા અને શબ્દોવાળા લોકો મળે છે. ટેબલ ઉપરના જગમાં અર્થાત બુદ્ધિજીવીઓના અખાડારૂપ ટેબલ-વિશ્વમાં, જ્યાં હકીકતમાં વાસ્તવના વિશ્વનો કોઈ સીધો પરિચય જ નથી. વળી ‘જગ’ શબ્દ ઉપર શ્લેષ સાધીને ટેબલ ઉપર મૂકેલા જગને બુદ્ધિજીવીઓનો કૂવો કલ્પીને આ બધા ‘કૂપમંડૂક’ હોવાનો અર્થબોધ પણ વિલક્ષણ અને વિડંબનકારી વૈદગ્ધ્યથી કવિ કરાવે છે.
એક્ઝોસ ફેને
ચૂસી
લીધી
પ્યાલા પરના રક્ત હરણની ફાળ !
થાક્યા પાક્યા
માંડ ઠરું ત્યાં
ખૂણે બેઠાં બે ય જણાં તે એકમેકને
તાકે
પીએ.
છતનું પેટન્ટ સ્કાય ઝરે છે ગીત મધુરું
નવરો પેલો બૉય ઊઠીને પ્યાલા પરના
ક્લૉથ કમલને ખોલે !
(‘અંગત', કાવ્ય - હેવમોરમાં)
   ‘એકઝોસ’ થઈ ગયેલા અર્થાત રકત-હરણની હવામાં લુપ્ત થઈ ગયેલી કાળની ઉપલબ્ધિથી નિર્વેદ અનુભવતા કવિમાં મહત્ત્વાકાંક્ષાઓના ટોળાં જ્યાં નગરી મૃગજળો પાછળ દોડી દોડીને, થાકીને, થાક્યાં-પાક્યાં માંડ ઠર્યા છે. ત્યાં પોતે કવિએ ભ્રાન્તિભંગને અંતે થાક, નિર્વેદ અને સંત્રાસપૂર્ણ જીવન વર્તુળ પૂરું કર્યું છે. ખૂણે બેઠા બેય જણા રૂપે ત્યાંથી નવા ભ્રાન્તિવર્તુળને ઊભું કરતાં શહેરી પ્રેમીઓને તે જુએ છે. અને આ ભ્રાન્તિવિશ્વ અનાદિ છે, તેનો કોઈ અંત નથી તેવા અર્થબોધને તટસ્થ, અનાસક્ત, અકર્મણ્ય, નવરા બેસી રહેલા બૉયની ક્લોથ-કમલ ખોલવાની ઘટનાને નિરૂપી કવિ આ બ્રહ્માના નાભિમાંથી કમલ ભ્રાન્તિ રૂપે પ્રગટેલી સૃષ્ટિની છલનામયતાને વિડંબનભાવે રજૂ કરે છે. આમ, રાવજીનું નગરનિરૂપણ નગર પ્રતિની તેની ચીડ, રોષ અને વિડંબનને તારસ્વરે વ્યકત કરે છે.

   રાવજીમાં નગરની ઉપસ્થિતિ હંમેશાં ભય જન્માવનારી બની રહે છે. નગર તેના માટે કોઈ ભયાવહ, ગોઝારી, અવાવરું જગ્યા છે જ્યાં કામનાદેહી પ્રેતો અને કંકાલો વસે છે. પોતાની નિર્મળ પ્રેમ પામવાની ઝંખનાને વગર જાણે કોઈ તે અનેકવાર આ-મૃત નગરજીવન સાથે વિરોધાવે છે. એણે ફરજિયાતપણે નગર સેવવું પડ્યું છે. રાવજીના અસ્તિત્વના પાતાળોનું તળ તો કૃષિ-પ્રકૃતિની ભૂમિનું છે અને એને એની ઉપર પરાણે વરખ ચોટાડવો પડ્યો છે. નગરજીવનનો ! ઊંડે ઊંડે એને એવો ભાવ પણ છે કે નગર જાણે પોતાની અસલિયત ભરી, પ્રાકૃતિક જિન્દગી હણી/ હરી લેનારું રાક્ષસી, પાશવી તત્ત્વ છે. નગર જાણે કોઈ વિકરાલ આસુરી તત્ત્વ છે. અને પોતે તેના સકંજામાં ભિડાયેલો ગભરુ જીવ, એવી પ્રતીતિએ તેનાં અનેકાનેક કાવ્યોમાં દેખા દીધી છે. નગરજીવનની રિબામણ, સંત્રાસ અને બેબાકળાપણું તેને સતત ભયભીત કરે છે. નગરે રાવજીમાં monophobia (એકલતાનો ભય) (ભીડનો ભય) agoraphobia (પરિસ્થિતિનો ભય) જેવી અનેક ભયગ્રંથિઓને સક્રિય કરી મૂકી છે. ocholophobia રાવજીનું સંવેદનતંત્ર જાણે નગરની સહોપસ્થિતિમાં ભયાનક સંક્ષોભ અનુભવે છે. ‘બસ સ્ટેન્ડ પર રાત્રે’ કાવ્યમાં તે કહે છે :
નરી ઊંડી ખીણો ખદબદ થતી, સાપ લબડે
(અહીં છું કે બીજે ?) શરીર ઘસતો સ્ટેન્ડસળિયે.
‘કશુંય પણ કાને નવ પડે’
‘હલે’ ના અંધારું...
(‘અંગત', કાવ્ય - બસ સ્ટેન્ડ પર રાત્રે)
   એવી નગરની ભયાનક સ્થિતિ જોઈને કવિ ભાગી છૂટવાની ભ્રાન્તિ રચે તે પહેલાં જ નગરની પાશવતાથી પોતે જાણે ઘેરાઈ જાય છે. કવિમાં એ નાગરી પાશવતા જાણે પ્રવેશીને તેનો પ્રભાવ દાખવી રહી હોય એમ પોતાને પશુ કલ્પીને પશુની જેમ ‘શરીર ઘસતો સ્ટેન્ડ સળિયે’ કહી ગ્રામ સ્મરણના ધોરી માર્ગથી તે નગરની કરાલ વાસ્તવિકતાને છોડીને ભાગી છૂટે છે.

   રાવજીનું એક નાનું હાઈકુ છે :
શિયાળ લાળી
કરે : આ સીમ છે કે
શહેર ? કહે કોણ ?
(‘અંગત’, કાવ્ય –દસ હાઈકુ)
   સૂની સીમમાં ભય જન્માવતી શિયાળની લાળી શહેરમાં ઉપસ્થિતિમાંથી જન્મતી કાળજું કંપાવતી ‘ટેરર’ની અનુભૂતિને અહીં કવિ વ્યક્ત કરે છે.
   કવિ શહેરની મધરાતને ભેંકાર સીમ-વગડાની સાથે મૂકીને સીમ-વગડે રાત્રે શિકાર માટે નીકળતાં નિશાચર શિયાળવાં સાથે નિશાચર શહેરીઓને juxtapose કરે છે. અલબત્ત, હાઇકુમાં રહેલો દ્વિધાભાવ પણ નગરજનો અને વગડાનાં નિશાચર શિકારી શિયાળના દ્વિધાભાવ કરતાં ય વધુ તો બન્નેની ભયાવહતાના સામ્યભાવને ધ્વનિત કરે છે.

   ‘રાત્રે-રિલીફ રોડ પરથી’ કાવ્યમાં પણ શહેરની વિકરાલ મરુભૂમિનું સૂક્ષ્મ અને ચૈતસિક ઊંડાણોના સ્તરોએ વિહરતી અનુભૂતિઓનું કલાત્મક નિરૂપણ થયું છે. કાવ્યનો પ્રારંભ જ શહેરીજીવનના ૨ઝળપાટ, દોડધામ, એકલવાયાપણું, ત્રાસ અને અનેકવિધતાના માનસ ઉપર પડતા ટેન્શનજનિત-દબાણને કારણે સર્જાતી ગુમરાહીના, ચિત્તક્ષોભની, પરાકાષ્ઠામય, સતત તંગ-ઉત્તંગ મનોસ્થિતિને રજૂ કરે છે. પાંચ શબ્દોની બે પંક્તિઓને અંતે કૌંશમાં મૂકેલા પ્રશ્નાર્થ શહેરના રઘવાટમાં બેબાકળા બની આત્મનિમજ્જનાવસ્થામાં ચાલતા શહેરીની વાચના પૂરી પડે છે.
હું જતો કશેક
ઘર ભણી (?)
('અંગત', કાવ્ય – રાત્રે – રિલીફ રોડ પરથી)
   ‘કશેક'માંથી દિશાશૂન્યતા અને ઘરભણી પછી આવતા પ્રશ્નાર્થમાંથી અનિશ્ચિતતા અને કાયમી રહેણાંક ઘરનો અભાવ પણ ઊભરે છે. એકલ, નિર્જન, અજાણ્યા, અનિશ્ચિત માર્ગ ઉપરથી સૂક્ષ્મ સૃષ્ટિને ઝીણી સંવેદનજંત્રી દ્વારા સંવેદીને કવિ આમ આલેખે છે :
માર્ગમાં ઝઝૂમતાં
અનેકનાં સિમેન્ટ સ્વપ્ન
કાચમાં ઢબૂરતાં સરી ગયાં
અવાવરું ઘણાંક સ્મિત
('અંગત', કાવ્ય – રાત્રે – રિલીફ રોડ પરથી)
   માર્ગમાં ઝઝૂમતાં કેટલાંય સ્વપ્નોને કાચમાં ઢબૂરતાં આલેખીને જાણે નગરજનની ઇપ્સા-લિપ્સા અને ઝંખનાઓ, આકાંક્ષાઓના સૂક્ષ્મ-પ્રેતદેહને યુદ્ધે ચડેલા દર્શાવી, ઉપરથી ‘અવાવરું સ્મિત’ ના ઓથારને નિરૂપીને કવિ અવગત એષ્ણાઓની પ્રેમ-લીલાનો આભાસ રચે છે. આ સૂક્ષ્મતમ ચૈતસિક વાસનાઓની છાયાસૃષ્ટિથી ડરી ગયેલો કવિ ‘ચર્ણ જરીક/વેગથી મૂકું’ કહી ભાગી છૂટવા મથે ત્યાં જ પગ પાસેથી આ બધાં ચળીતર કરતો કાળ ઝબાક દઈને જાગીને, જાણે અચાનક સૂતેલા કૂતરા ઉપર પગ પડતાં જાગીને ભાગે તેમ, ભાગતો જતો રહે છે. જે કાળની વિકરાળતાના પ્રત્યક્ષીકરણનું અનુપમ ઉદાહરણ બની રહે છે. કાળ વાયુરૂપ બનીને વૃક્ષની છાંયને હલાવતો અથવા- શ્વાસરૂપ- અસ્તિત્વમાં પડતી સ્થૂળ પદાર્થોના આકર્ષણની સિમેન્ટ- સ્વપ્નની- છાયાઓને ડબોળતો ચિત્તભૂમિમાં ફરી વળે છે. આવા કાળનું દર્શન ચિત્તનાં પાતળો ખળભળાવી જાય છે.
હવે
માર્ગના પ્રકાશ પર
તરવર્યા કરે તિમિર !
('અંગત', કાવ્ય – રાત્રે – રિલીફ રોડ પરથી)
   યુદ્ધને અંતે વેરાયેલી ભયાનક સ્થિતિનું આ બયાન યુદ્ધને અંતે વેરાયેલી વિરલ કોટિનું છે, પ્રત્યેક નગરજનની ચિત્તભૂમિ એક યુદ્ધભૂમિ છે. જ્યાં તેજ અને તિમિર વચ્ચે પ્રતિક્ષણ યુદ્ધનું ઘમસાણ મચે છે. કવિ નગરસંસ્કૃતિના આવા આલેખનમાંથી મનુષ્ય ચેતના ઉપર તિમિરવત્ ચઢી બેઠેલી મનુષ્યને રગદોળતી આધુનિક ચેતનાનો અર્થબોધ સારવી આપે છે. આ ભયાવહ આસુરી તત્ત્વોના વિજયને અંતે કવિ કાવ્ય પૂરું કરે છે. છતાં ય આખીય પરિસ્થિતિમાંથી ટપકતી ભયાનુભૂતિ ભાવકના ચિત્ત પર દીર્ઘકાળ સુધી પ્રભાવી/હાવી રહે છે.

   રાવજી માટે નગર એક ભયરૂપ, ગોઝારી, અવાવરું, યુદ્ધભૂમિરૂપ જગ્યા છે. તેથી જ કદાચ તે નગરમાં ‘પરાણે’ વસે છે અને ગામડામાં શ્વસે છે.

   નગરજીવનની કૃત્રિમ, રેઢિયાળ, ખોખલી પડી ગયેલી જીવનપદ્ધતિ અને આ પરિસ્થિતિના નિર્માણ માટે કારણભૂત એવી સામ્પ્રત વાસ્તવિકતાનું ચિત્રણ પણ રાવજીનું ઈપ્સિત ક્ષેત્ર છે. શ્રી રઘુવીર ચૌધરીએ રાવજીની કવિતામાં સામાજિક વાસ્તવના નિરૂપણનો આગ્રહ જોયો છે, જે સાચું છે. રાવજીની તરસ છે શુદ્ધ માનવતાની અને તેને ભૂખ છે નિર્ભેળ, લાગણીભર્યા, પ્રેમપોષ્યા માનવ સમૂહજીવનની. નગરે તેની પાસેથી તેની આ બે ય એષ્ણાઓ છીનવી લઈને અજાણ્યાપણું, પરાયાપણું અને નિતાંત એકલતા બક્ષ્યાં છે. નગરની આ કુત્સિત દેણગી માત્ર રાવજીની જ નહીં સમગ્ર સમાજજીવનને નગરે આપેલી અનિચ્છનીય ભેટ છે. રાવજી મૂલ્યહીન બની ગયેલા માણસ અને માનવીય સંદર્ભોને, વિદગ્ધનજરે અવલોકે છે, અને પરિણામે પ્રગટતાં ચીડ, રોષ અને આક્રોશને આવેગશીલ ભાષામાં મલાયાત્મક શૈલીમાં નિરૂપે છે. જેમાંથી પ્રગટે છે કવિનું ઉત્કૃષ્ટ માનવજાત માટેનું અરણ્યરુદન !
‘નથી થવું ભા. ઓ વર્ષો જૂની પાળેલી પેગંબરની
સ્ટીલનું બંધ કરો યુનિફોર્મ જાણવાનું. સ્ટીલના
સળિયાની સલામો ખેરવી દો. ટાંપવાનું બંધ કરો.
ક ખ ડ ચ, ફ ક યોજનાની સિમેન્ટ પરેડ પાથરી દો
બહુ ચાલ્યો પપેટ શો!'
(‘અંગત', કાવ્ય – એન.સી.સી. પરેડ)
   કવિના આ નગરાક્રોશમાં તીવ્ર અકળામણ / ગુંગણામણ છે જેને તાર સ્વરે ગાળ દઈને, (ફક)કહીને, પ્રલાપાત્મક રીતે વ્યક્ત કરે છે. તો નગરમાં ઊછરતી દેશની ભાવિ પેઢીઓ વિશે કવિ ચિંતા કરે છે :
અગાસી પર એક પેઢી
આમતેમ આમતેમ મિલની હીસલો ઓઢીને ઘોરે છે.
('અંગત', કાવ્ય – ચણોઠી – રક્ત અને ગોકળગાય)
   વસતીની ગીચતાને કારણે, સંકડાશને લીધે એક આખી પેઢી અગાસીઓ પર ઊધમાંય અસ્વસ્થ થઈને ઉંધતી નથી, ઘોરે છે. ‘આમતેમ આમતેમ’ની પુનઃઉક્તિ દ્વારા કવિ ચિત્તની અસ્વસ્થતા તથા તેના દૈહિક પ્રભાવને લીધે પડખાં ફેરવ્યા કરતી, સળવળતી, આ પેઢીઓ ને મિલની વ્હીસલની નિશ્રામાં ઘોરતી દર્શાવી તેમની સંવેદનશૂન્ય જડ સ્થિતિનો સામાજિક વાસ્તવ સાથે સંદર્ભ જોડી આપે છે. એક અન્ય કાવ્યમાં મિલની વ્હીસલે મને ઝબકાવ્યો કહીને તે પોતાને ય આ નગરમાં ઉછરતી પેઢીઓ સાથે મૂકી આપે છે. મિલની વ્હીસલ કવિને માટે કેદીઓ, ગુલામો યા પાળેલાં પશુઓને એકઠાં કરવાની નિશાની રૂ૫ છે. ગામડે સંભળાતી ટ્રેનની વ્હીસલ મુક્તિસૂચક છે. (જુઓ: ‘ખેતર વચ્ચે’ કાવ્ય) તો અહી તે અર્થવિપર્યય સાધે છે તેથી જ આવી સંભ્રાન્તિની ક્ષણે કવિ ઝબકી જાય છે. કદાચ ઊંઘમાં, સ્વપ્નમાં આવેલી ગામડે વાગતી ટ્રેનની, વ્હીસલ છે અને વાસ્તવમાં પોતાને અવમૂલ્યબોધ કરાવતી મિલની મજૂરવાચક વ્હીસલ છે. આ બે વ્હીસલો વચ્ચેની ભ્રાન્તિ ક્ષણે કવિ ઝબકી જાય છે. આ ઝબકી જવાની ક્રિયાનો પણ કવિ કાવ્યોચિત ઉપયોગ કરે છે. જાણે કે ઊંઘમાં (સ્વપ્નમાં) તે ગ્રામ પરિવેશમાં મઝેથી જીવતો હતો અને ઝબકીને જાગતાં જ નગરરૂપી દુઃસ્વપ્નમાં આવી પડ્યો હોય એમ અનુભવે છે.

   શિબિરાજાના મસ્તક ઉપર વામને મૂકેલા પગની નોંધ કવિએ ‘એન.સી.સી. પરેડ’માં લીધી છે. ‘અવતાર’ નો છલવેશ નગરસંસ્કૃતિરૂપે કામના છદ્માવેશનો દ્યોતક બને છે :
લેફ્ટ
રાઈટ
લેફ્ટ રાઈટ પગ તોપ-તોપ વેલ
પગ નીચે વેલ
પગ નીચે બસ
પગ નીચે શહેર
-----
ઝાળ જેવા પગ
અમદાવાદ ઝાળ,
(‘અંગત', કાવ્ય – એન.સી.સી. પરેડ)
   વામન જેમ શિબિરાજા માટે કાળરૂપ હતો તેમ અહીં વામન ‘પગ’ની નીચે કચડાતી ‘વેલ’ની વિલક્ષણ ક્ષણને પકડીને કવિ નગરની ધ્વંસાત્મક પ્રવૃત્તિને લયબદ્ધ કરે છે. ગામડે દિવાળીમાં આનંદાર્થે ફોડવામાં આવતી ગજવેલ (પાઈપનું બનેલું પૉટાશ ભરીને અવાજ કરી શકાય તેવું સાધન) ને વિનાશાત્મક ‘તોપવેલ’માં સ્ફોટક બની ગયેલાં, પગ અને વેલ-ગતિ અને સૌંદર્યને કવિ ચીંધે છે. માનવ, જાતનો વિનાશ કરશે તો આ ગતિ અને સૌંદર્યની વિકૃતિ, તેજશલાકાની વિકૃતિ છે આ સ્ફોટક દાહકતાની ઝાળ. પ્રત્યેક શહેરનું મન જાણે આ દાહક ઝાળમાં બળે છે. કવિને મન અમદાવાદ આ ઝાળ છે.

   નગરજીવનમાં રહેલાં દંભ, ડોળ અને દેખાડો તથા સંસ્કૃતિરૂપે વિચરતી વિકૃતિ પણ રાવજીને સતત ખોતરતાં રહ્યાં છે. તે સતત તેનામાં વ્યંગ, કટાક્ષના કાકુને પ્રગટાવતાં રહ્યાં છે.
આ શહેરમાં –હોટલમાં – સરિયામ રસ્તે –
કોઈ સાથે- ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી (!) ને સાચવ્યા કરવી.
(‘અંગત', કાવ્ય - તા.૧૫-૧૧-૧૯૬૩)
   કવિની શૈલી અહીં વિલક્ષણ રીતે વર્તીને પોતાની વાતને ધ્વનિત કરે છે. શહેરમાં અર્થાત્ હોટલમાં અર્થાત્ સરિયામ રસ્તે અર્થાત્ કોઈ સાથે અર્થાત્ ટ્રેનમાં અર્થાત્ પરગામમાં પ્રત્યેક ઠેકાણે સભ્યતા કુંવરીને સાચવ્યા કરવાની, પણ કુંવરી પછી કૌંસમાં આશ્ચર્ય વિરામ મૂકીને અપરિચિત, અજાણ્યાઓ (કારણ કવિએ દર્શાવેલાં સ્થળોએ અપરિચિત અજાણ્યાં જ હોય!) સાથે રઝળતી, તે કુંવરી (!) કુંવારી કેવી રીતે હોઈ શકે ! ભીતરે નરી પ્રાકૃતતા અને ચહેરા ઉપર સંસ્કૃતતાનો ‘મેકઅપ' કરી કુંવરી (જેમાં કંઈ સાચવવાપણું) ને સાચવવાની વિચિત્ર પ્રવૃત્તિ રજૂ કરીને કવિ નગરજીવનના દંભ (Hypocracy) પ્રગટાવી આપે છે. આવા જ દંભને ‘મહાનગરના ગળચીયા (tie) જેવી લિફ્ટ’ દ્વારા સૂચવે છે. અહીં ગળચીયું અને લિફ્ટ મહાનગરના તથાકથિત બુદ્ધિજીવી વર્ગ, ઉચ્ચવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. અર્થાત તેમની ઇચ્છાઓની લાળ અને મહત્ત્વાકાંક્ષાઓના ઘૂંટડાને સૂચવે છે. તો નગરીય ખુશામતખોરી અને લાચારીને કૃષક કવિ વ્યંગ ભાવે મૂકે છે :
હું મારા Boss -જીનો Personal telephone
તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી
નોકરીને પાલવું છે.
(‘અંગત', કાવ્ય – હું જીવતો છું) 
   અહીં ‘પાલવવું' ક્રિયાપદ અદ્ભુત રીતે વ્યંગસાધક બને છે. ‘પાલવવું' એટલે કે કશાક બદલાની આશા વિના માત્ર જવાબદારી ભાનથી પાલનપોષણ કરવું. અહીં શહેરમાં નોકરી જીવતી વ્યક્તિ છે. નોકરીનો સારો ઉછેર થવો ઘટે. તેની વૃદ્ધિ સાથે જ આપણી વૃદ્ધિ છે, એવી વક્રોક્તિ દ્વારા કવિ નગરજીવનના દંભ અને લાચારીને અભિવ્યક્ત કરે છે.

   રાવજીના નગર નિરૂપણનું એક અન્ય પરિમાણ નગરજીવનના સંદર્ભે પોતાના અસ્તિત્વનાં પડળોમાં ખાંખાખોળાં કરી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કરી રહ્યું છે. નગર તેના માટે સતત મુકાબલા ભરી પરિસ્થિતિ રહ્યું છે. તેથી તે પોતાની જાત સાથે ખેલાતાં આંતરયુદ્ધોમાં ક્યારેક નગરને પ્રતીકનું પરિમાણ બક્ષે છે. પોતાના જ અસાંદર્ભિક નગરનિવાસથી છેડાઈને સ્હેજ ઊંડા ઊતરતાં કવિ નગરને અસ્તિત્વ વિષયક સમસ્યાઓ સાથે જોડી બેસે છે.
મને સમજાતું નથી આ કાવ્ય હું કોને લખું છું ?
કાલિદાસ, તેં ઇચ્છેલું કશુંય થયું નહિ,
અહીં તો હજીય માણસને તારી જેમ બે પગ બે હાથ
બે આંખો અને હજાર હજાર લફરાં છે, હજીય
છાપાનાં પાનાં પર સૌ ચોકઠાં બાંધીને
દંભાય છે. કામરાજના પરાજયથી છોકરાં નાચે છે.
દિનેશ કોઠારી લાંબી બાંયનું શર્ટ પ્હેરી કવિતા
વાંચવા જાય છે. ભદ્રના ફૂટપાથ પર એક સ્ત્રી રસ્તે જતા
પુરુષને રસ્તો પૂછે છે.
ટાઇપ રાઇટરના કી-બોર્ડમાં બૉસ અને કમિશ્નર
વચ્ચે ‘૫૭ના સુમાર અંગે કૉમ્યુનિકેશન થાય છે.
અને હું નમારમુંડો
મધ્યરાત્રે સડક પર પથરાઈ ગયેલું
મારા ઘરનું તાળું ખોલતો
કામાતુર પત્નીની નિર્જન યોનિને અવહેલતો
હીહીહીહી
માણસની જાત ચપટી કુલેર મળી કે
રાજીની રેડ
લમણામાં મરી ગયેલા કવિની ખોપરી ગોળીની જેમ
વાગે છે ત્યારે
ટાઇપરાઇટરમાંથી વાવાઝોડું અમદાવાદ, ત્રિચિનાપલ્લી,
દિલ્હી અને ડાકોરને ચીંથરાની જેમ લઈને ઊડે છે.
('અંગત', કાવ્ય – દ્રોહસમય પછી)  
   નગરની રોજિંદી ઘટમાળ યા દેશમાં અન્ય એવાં જ નગરજનોની એકધારી બેસૂરી, તાલમેલહીન, કર્કશ સંદર્ભહીન Absurd જિંદગી સાથે કવિ પોતાનો આંતરસંદર્ભ રચી શકતો નથી. પોતાની નગર સાથેની સહોપસ્થિતિના કાર્યકારણને ય જાણી શકતો નથી. તેનો મૂંઝારો અનુભવે છે. શહેરમાંના માણસો ‘લફરા’નાં ઢગ નીચે દટાયા છે, દંભના ચોકઠામાં પુરાયા છે. કોઈ શર્ટને કવિતાવાચન સાથે સંદર્ભે છે તો ‘ભદ્રના ફૂટપાથ’ પરની મહીલા પોતાની અંગત ‘મૂઝવણ’નો કોઈ ‘પુરુષ’ને ‘રસ્તો' (ઉકેલ) પૂછે છે. રેઢિયાળ તુમારશાહીનાં બોસ અને કમિશ્નર હજીય રખોપાં કરે છે. ત્યારે આ બધી પરિસ્થિતિઓની ઘટમાળ વચ્ચે પોતે કોઈ સંદર્ભ રચી શકતો નથી, આ બધાના સંદર્ભે પોતાની ઉપસ્થિતિમાં ય સમજી શકતો નથી એવાં ‘સડક પર પથરાઈ ગયેલું તાળું’ ખોલતા કવિના દમિત ચિત્તને કામ (sex) પણ આકર્ષી શકતો નથી. અથવા એમ પણ કહી શકાય કે પોતાની આ સ્થિતિ અને નગરની આ પરિસ્થિતિ વચ્ચે કવિ સંક્ષોભાત્મક વિરતિ અનુભવે છે. અને તેથી જ અવગત આત્માઓની શાંતિ અર્થે તર્પાવાતી ‘કુલેર’થી રાજી થતા પ્રેતરૂપ માણસોની વાસનાનું બીભત્સરૂપ આલેખી શક્યો છે. ટાઇપરાઇટર ઉપર કામ કરતી વ્યક્તિનો ટાઇપ થતી ઘટના સાથે જેમ કશોય સંદર્ભ નથી તેમ કવિ પોતાની અસંદર્ભ ઉપસ્થિતિ અમદાવાદથી ત્રિચિનાપલ્લી યા દિલ્હીથી ડાકોર સુધી ચીંથરાની જેમ ઊડતા વાવાઝોડા રૂપે મૂકે છે. અહીં મૂકેલાં શહેરો અનેક અર્થચ્છાયાઓ અને અધ્યાસો ધરાવે છે. અમદાવાદ-ત્રિચિનાપલ્લી આર્ય અને દ્રવિડ સંસ્કૃતિ પરિવેશો, દિલ્હી રાજકીય અને ઐતિહાસિક સંદર્ભો અને ડાકોરે આધ્યાત્મ યા શ્રદ્ધા વિષયક ભૂમિને લગતા સૂક્ષ્મ અધ્યાસો છતા કરે છે. આ બધામાં પોતાનું હોવું સાવ absurd છે, નિયતિની નિર્હેતુક વિડંબના છે તેવી નિર્વેદવાચક અને વિષાદપ્રેરક પ્રતીતિ કવિ મેળવે છે.

   રાવજીનો શહેરને જોવાનો અનુભવ અન્યોથી થોડો જુદો છે. તેને મન કવિતા અને જીવનની ભેદરેખા ભૂંસાઈ ચૂકી છે તેથી તેના અનુભવો બેરોકટોક કવિતામાંથી જીવનમાં અને જીવનમાંથી કવિતામાં આવનજાવન કરી શકે છે તેથી જ કવિતામાં તેણે જોયેલું હિરોશીમા આપણને વિલક્ષણ અનુભવ કરાવે છે.
કવિતામાં હિરોશીમા દીઠું ત્યારે
બીજાં શ્હેર ડબા જેવું ખખડીને કોરે ખસ્યાં.
('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
   અહીં કવિતા લખવાનો હિરોશીમા જેવો તારતાર તૂટવાનો કારમો અનુભવ અને અન્ય ખાલી ખખડતા ડબા જેવા કવિઓને રાવજી પોતાની વૈચિત્ર્યપૂર્ણ રીતિથી અલગ સેરવી આપે છે.

   આમ, રાવજીનો નગરજીવનનો વસવાટ તેની કવિતાનું એક પરિમાણ બને છે. નગર પ્રતિના તેના આક્રોશ, ચીડ, રોષ અને ભયસંચલનોને પડછે ગામ, સીમ અને કૃષિ-પ્રકૃતિ પ્રતિનો વ્યામોહ અને માયા સતત ડોકાયા કરે છે. તો રાવજીની નગરકવિતા તેની સામાજિક ચિંતા અને નીતર્યા માનવપ્રેમના ઝુરાપાને ય વ્યક્ત કરે છે. વળી અંતરના ઊંડાણોમાં પ્રતીકાત્મક રૂપો ધારણ કરીને પડેલી અસ્તિત્વ સૃષ્ટિને પણ તે આકારે છે. ગુજરાતી કવિતામાં આધુનિક ચેતનાનું આવું રાસાયણિક સેન્દ્રિય અને સચ્ચાઈભર્યું કાવ્યવાતાવરણ લગભગ અલભ્ય છે. તો આ નગરકવિતાઓ રાવજીની કવિતાની ય એક મોટી ઉપલબ્ધિ છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment