2.1 - થોડાંક પ્રતિબિંબો / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / હેમેન શાહ


એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.

   હું કશા સાથે સંપૂર્ણ રીતે સહમત નથી, એ એક જ કારણ કવિતા લખવા માટે પૂરતું છે. ‘લાખ ટુકડા કાચના' ‘ક, ખ, કે ગ….’ નો અનુગામી કાવ્યસંગ્રહ છે. આટલા વર્ષોમાં કંઈક બદલાયું છે અને નથી પણ બદલાયું. જે બદલાયું છે એમાં શરૂઆતનો રોમાંચ અને જે નથી બદલાયું એમાં ગઝલ સાથેનો મારો સંબંધ. હવે ઠીક ઠીક ઘરોબો કેળવાયો છે છતાં ગઝલને પૂરેપૂરી જાણી શક્યો છું, એમ ન કહી શકું.

   ગઝલના આંતરિક માળખાં વિષે ઘણું કહેવાયું છેઃ ઈબારત, ઈશારત, હુશ્ને ખયાલ, અંદાઝે-બયાં, મૌસિકી વગેરે. છતાં હજી કંઈક છે જેનું પૃથક્કરણ થઈ શકતું નથી. ગઝલ એ લાઘવની કળા છે. જે કહેવાનું છે એ કશુંક સંતાડીને કહેવાનું છે. ગઝલ ભાગ્યે જ તારસપ્તકમાં બોલે છે. ગઝલમાં ઝીણું નકશીકામ કદાચ ઊડતી નજરે ન દેખાય, પણ એની મહત્તા ઓછી નથી. શે'રના વિચારમાં અથવા એની રજૂઆતમાં નવીનતા હોવી જોઈએ. પહેલો મિસરો ઊઘડ્યા પછી બીજો મિસરો બધી અટકળોથી અલગ હોય અને છતાં તર્કની સીમાની અંદર હોય એ જરૂરી છે. આમ આસાન દેખાતો આ કાવ્યપ્રકાર ભલભલાની કસોટી કરી શકે છે. મુરસ્સા યાને સર્વાંગ સુંદર ગઝલ લખવી એ એક અતિ મુશ્કેલ કાર્ય છે. ગઝલ લોકપ્રિય કાવ્યપ્રકાર છે એ કોઈ દુર્ગુણ નથી પણ માધ્યમ દ્વારા કવિ ક્યું નિશાન તાકે છે એ મહત્ત્વનું છે.

   ગઝલના સ્વરૂપની જો લાક્ષણિકતાઓ છે તો મર્યાદાઓ પણ છે. રદીફ અને કાફિયા ગઝલની મર્યાદા પણ છે અને ખૂબી પણ. ગઝલ એક ઉદ્ગારનો પ્રકાર છે એટલે ગઝલ ઉક્તિવશ છે. શે'ર સ્વયંપર્યાપ્ત હોય એ જરૂરી હોવાથી દરેક શે'રમાં વાતની શરૂઆત અને અંત હોવાં જોઈએ, એટલે ગઝલમાં કોઈ સળંગ વાત કરવી મુશ્કેલ છે.

(‘લાખ ટુકડા કાચના'ની પ્રસ્તાવનામાંથી...)


0 comments


Leave comment