2.2 - દરરોજ અંધકારનો પ્રચાર થાય છે / હેમેન શાહદરરોજ અંધકારનો પ્રચાર થાય છે,
તો પણ અજાયબી છે કે સવાર થાય છે.

જંગલનો કાયદો બધે જ છે અમલ મહીં,
જેની ગતિ હો મંદ, એ શિકાર થાય છે.

રફ્તાર મારી છે કે સમયની? ખબર નથી,
જાણું છું એ જ કે બધું પસાર થાય છે.

ઘરબાર છોડીને ઘણા ય નીકળ્યા હશે,
એ ત્યાગ જો ન થઈ શકે, લટાર થાય છે.

ઝરમર નહીં ઓ મેઘ ! તું કરી દે જળપ્રલય,
બળવાનનો જ વિશ્વમાં સ્વીકાર થાય છે.

ખડકો ઘસાઈ જાય છે અહીં વખત જતાં,
મારી ગઝલ વિષે મને વિચાર થાય છે.


0 comments


Leave comment