2.3 - રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી / હેમેન શાહ


રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી,
સૂર્ય એવો તો નથી મોંફાટ, પણ ઓછો નથી.

માણસોને સ્પષ્ટ પારખવા બહુ મુશ્કેલ છે,
સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.

બ્હારથી આનંદ-મંગળ લાગતી આ વસ્તીમાં
વ્યક્તિગત રીતે જુઓ, તલસાટ પણ ઓછો નથી.

શું કહો છો પક્ષીઓ સંખ્યામાં ઘટતાં જાય છે?
આખી દુનિયામાં કશે ફફડાટ પણ ઓછો નથી.

તારી અંગત વેદનામાં વિશ્વને કંઈ રસ નથી,
બંધ કર વાજિંત્ર, અહીં ઘોંઘાટ પણ ઓછો નથી.


0 comments


Leave comment