2.5 - સર્વથા સાચો પડ્યો ભય વર્ષના વચલા દિને / હેમેન શાહ
સર્વથા સાચો પડ્યો ભય વર્ષના વચલા દિને,
એકદમ વધતી ગઈ વય વર્ષના વચલા દિને.
જે નવા વરસે અટલ સંકલ્પ બનતો હોય છે,
થાય છે એનો પરાજય વર્ષના વચલા દિને.
હું છું વિતેલો સમય, ને તું અનાગત કાળ છે,
કરશું તો શું કરશું નિર્ણય વર્ષના વચલા દિને?
ફૂટતી કૂંપળ, ફફડતી પાંખ, કે મંથર પવન,
છે અનેકાનેક વિસ્મય વર્ષના વચલા દિને.
બંધ દરવાજા સમા ચહેરાથી સૌ પાછા વળ્યા,
પણ ખૂલ્યું એ સંગ્રહાલય વર્ષના વચલા દિને.
હોય શાયર માટે બસ બે શે'ર વચ્ચેની જગા,
થાક જ્યાં ખાતા મહાશય વર્ષના વચલા દિને.
0 comments
Leave comment