2.6 - બોલ નહિ તું આટલો ગદ્ગદ થઈ / હેમેન શાહ


બોલ નહીં તું આટલો ગદ્ગદ થઈ,
આ તને શોભે નહીં, કાસદ થઈ.

ભિન્નતા વધતી ગઈ એવી રીતે,
દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ.

પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા.
આખરે લીલાશ પણ રૂખસદ થઈ.

આમ ન્હોતો શ્વાસ લેવાનો સમય,
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ.

એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.


0 comments


Leave comment