2.8 - માંડ મળ્યો ખૂણો અંધારો, ત્યાં થોભો ને રાહ જુઓ / હેમેન શાહ


માંડ મળ્યો ખૂણો અંધારો, ત્યાં થોભો ને રાહ જુઓ,
જ્યાં તડકાનું ઝેર ઉતારો ત્યાં થોભો ને રાહ જુઓ.

દરવાજની હસ્તીને સાબિત કરવી આસાન નથી,
એક ટકોરો ધીરે મારો, ત્યાં થોભો ને રાહ જુઓ.

પડછાયાના ચિત્રોથી મન બહેલાવે રાખો અથવા
તણખો ક્યાં છે? એમ પુકારો, ત્યાં થોભો ને રાહ જુઓ.

ક્યાં મળશે? ને ક્યારે મળશે? એવા પ્રશ્નો ના પૂછો,
હોય નદીનો કોઈ કિનારો ત્યાં થોભો ને રાહ જુઓ.

શું કહેશો? શું સાંભળશો? આ અવિરત આતશબાજીમાં,
દૂર જઈને કંઈક વિચારો, ત્યાં થોભો ને રાહ જુઓ.

આભ ઉપર નાના અક્ષરમાં તમને ગમતું નામ લખો,
કલમ ઉપર લો એક સિતારો, ત્યાં થોભો ને રાહ જુઓ.


0 comments


Leave comment