2.1 - સતનાથ ભાટ / ચારણી સાહિત્યના પ્રાચીનકાલીન કવિઓ / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


ઢાંકના નાગાજણ જેઠવાના માથાનાં દાનની લોકકથા સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’માં આ વાત લીધી છે, જેમાં એમણે નાગાજણ જેઠવાનું માથું તેના જ ચારણ કવિએ દાનમાં માગ્યાનું લખ્યું છે. જ્યારે શ્રી મેઘરાજભાઈ ગઢવીએ નાગાજણ જેઠવાનું માથું સતા નામે ભાટ કવિએ માગ્યાનું નોંધ્યું છે. (લે, પ્ર. કવિશ્રી મેઘરાજ મૂળુભાઈ ગઢવી, ‘કસુંબલ શૌર્ય કથાઓ', પ્રથમઆવૃત્તિ : ૭૧ ‘માથાનું દાન', પૃ. ૧૩૬-૧૭૦)

   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાં ચો. નં. ૯, હસ્તપ્રત નં. ૨૯૪ની કૃતિ પણ ઉપરની નાગાજણ જેઠવાના માથાનાં દાનની વાત કહે છે. તેનો પુષ્પિકા લેખ આ પ્રમાણે છે :
|| किवत नागाजण जेठुआना : सतनाथ भाटरा कहल ।।
   આ જ કૃતિની બીજી હસ્તપ્રત પણ પ્રાપ્ત થાય છે. (સૌરાષ્ટ્ર યુનિ. ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર ચોપડો નં. ૧૧, હસ્તપ્રત નં. ૩૮૧) જેનો અંતનો પુષ્પિકા લેખ આ પ્રમાણે છે :
॥ सवंत १७६५ वरे सावण सदि १२ दने किवत नागाजण
जेठुआनां वारुट सतनाथ कहिल : लाः गाः क्रसनदास करण : श्री राम सत छे :
   આ રચનાના આંતરપ્રમાણો સતનાથ ભાટે નાગાજણ જેઠવાનું શિશ દાનમાં માગ્યાનું કહે છે અને સતનાથ ભાટ કનોજના હોવાનું પણ ખુલ્લે છે. યથા :
सतनाथ वड भाट । सध कनवज थे आउ ।
बोले बरद बषांण | राउ सुअंत जगाऊ ||............૧
(સૌરાષ્ટ્ર યુનિ. ચા, સા , હ પ્ર, ભંડાર ચો . નં. ૩૯, હ. પ્ર. નં ૫૭૬૨)
   ભાટ માથું માગે છે :
रेवास राउ राआं तलक । संत वचन सचु कहे ।।
सर देअ नागाजण राज मूअ अवनि क्रीति जगि जगि रहे || ..... ૨૫
(સૌરાષ્ટ્ર યુનિ. ચા, સા , હ પ્ર, ભંડાર ચો . નં. ૩૯, હ. પ્ર. નં ૫૭૬૨) .


देह देह सर देह । भट नागाजण ।
(સૌરાષ્ટ્ર યુનિ. ચા, સા , હ પ્ર, ભંડાર ચો . નં. ૩૯, હ. પ્ર. નં ૫૭૬૨)
   કૃતિમાંથી સમય પણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે :
चैत्र मास पंचमी । सकल पष वे बारह ।
सवंत रुद्र एकमे । सर्जे मकरधज धारह ।
एक कोडी पांत्रीस लख ! सजे सुरमा समधड |
सर दाध रहेवास राउ । वीरती भडू धड़ ।
जळगंग कमंध झीलु जबही । कवि आवि व्रनव की ।
नररूप धनं नागेयण । सात राति धड झुझिउ ।। ४३ ॥
(સૌરાષ્ટ્ર યુનિ. ચા, સા , હ પ્ર, ભંડાર ચો . નં. ૩૯, હ. પ્ર. નં ૫૭૬૨)
   અર્થાત વિ. સંવત ૧૧૦૧માં ચૈત્ર સુદ પાંચમ અને ગુરુવારે નાગાજણે માથું દાનમાં આપીને કબંધપણે યુદ્ધ કર્યું. ત્યારે કવિએ આવીને એ વીરતાને વર્ણવી.

   ૪૩ છંદોની આ રચના છે. આ સિવાયની બીજી કોઈ રચના સતનાથની રચેલી જોવા મળી નથી. ભાષાકીય દૃષ્ટિએ नागाजण जेठुआना कवित બહુ પ્રાચીન લાગતાં નથી, પણ લહિયાઓ દ્વારા વારંવાર પ્રતિલિપિને કારણે ભાષામાં પણ પરિવર્તન આવ્યું હોય એવી અટકળ થઈ શકે છે.

   કેટલીક પ્રતોમાં गण नागाजण जेठुआ નું નામ પણ મળે છે. (સૌરાષ્ટ્ર યુનિ. ચા, સા , હ પ્ર, ભંડાર ચો . નં. ૩૯, હ. પ્ર. નં ૫૭૬૨)
(ક્રમશ :...)


0 comments


Leave comment