106 - વૃત્તય: પંચતય: / જવાહર બક્ષી


ધોમ તડકાનું દઈ ઘેન સુવાડે છે મને
રાત પડતાં જ તિમિર છાંટી જગાવે છે મને

છીપમાં ચંદ્રમણિ રૂપ ધરી સ્હેજ..... છૂપે
પકડી પાડું તો એ મોતીથી વધાવે છે મને

એનું હોવાપણું આકાશ કુસુમવત્ લાગે
શ્વાસમાં લઉં તો સુગંધોથી સજાવે છે મને

ભૂલવા જાઉં તો ભૂલવું પણ યાદ રહે
યાદ આવે પછી મુજથીય ભુલાવે છે મને

સાંભળું, જોઉં કે ધારું તો કરી દે ધુમ્મસ
ઓગળી જાઉં તો ભીનાશમાં ઝાલે છે મને


0 comments


Leave comment