2 - વ્યક્તમધ્ય / જવાહર બક્ષી


જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ

પળભર મળ્યાં છે મેઘધનુ રંગ – રૂપ નાં
કાજળ ન આંજ હમણાં... આ પળમાં વહી જઈશ


0 comments


Leave comment