9 - સોનેરી માછલી / કિશોર જાદવ


   રસ્તાના વળાંક આગળ, માણસોની ભીડમાંથી ઘસાઈને એ નીકળે છે, ને એકાએક ઊભો રહી જાય છે. પોતે થંભી ગયો છે એનું ભાન થતાં, આજુબાજુના ઘોંઘાટમાં, વળી એ આગળ વધે છે. રસ્તામાં કયારેક ઓળખીતી વ્યકિત ભેટી જાય, તો એની સાથે આડીઅવળી વાતે વળગવાનો પ્રયત્ન કરવા જતાં, કશુંક અસંબદ્ધ બોલ્યે જાય છે. ઊપડી આવેલી કશીક અજાણી ફડકને મનમાં દાબી દેવા, બાઘાની જેમ અસ્થિરપણે, સામેના પહોળા રસ્તા પરનાં ખીચોખીચ વાહનોની એકધારી ગતિ અને કોલાહલથી દોરવતો એ આગળ સરકતો જાય છે. ને થોડીવાર બાદ, જમણા હાથની આંગળીઓથી નિરર્થક ચપટી વગાડતો, નજદીકની જૂની પુરાણી હોટેલમાં દાખલ થાય છે. અત્યારે ત્યાં કોઈ વરતાતું નથી. વર્ષોથી ઘસાતી આવતી, કાળી પડી ગયેલી ખાલી ખુરશીઓના લીધે, એના અડોઅડ પાયાઓ વચ્ચે કોઈક જાણે ગોંધાઇને ત્યાં નીચે અટવાયા કરતું હોય એમ લાગે છે. એથી પોતે બંને પગને નીચે બરાબર ગોઠવી શકતો નથી. તાજું જ પોતું મારેલા ટેબલ પરની ચીકણાશને લીધે, હાથને ક્યાં રાખવા એની વિમાસણમાં પડે છે. ત્યારબાદ હાથને ટેબલ પર પડી રહેવા દે છે. અંદરથી નોકર- હોટેલનો માલિક-ચાનો કપ, નિત્ય પ્રમાણે, એની સામે મૂકી જાય છે. એની સાથે બોલવાનો પણ સંબંધ નથી. કારણ કે એવી કશી આવશ્કયતા ઊભી થતી નથી. એ વેળા, હોટેલ બહાર, રસ્તા પરની એકેએક વિગતને, ઝીણામાં ઝીણી હિલચાલને નોંધતો હોય એમ અનિમેષ નજરે મીટ માંડી રહે છે. પણ એ કશું જ જોતો નથી. અર્ધો કપ ચા ગટગટાવીને બહાર નીકળે છે. ને બાજુના ઊંચા મકાનના બીજે મજલે, બારી પરનો પરદો સહેજ હલે છે. ઘડીભર થંભીને, ત્યાં ઉત્કટ નજરે તાકી રહે છે. ત્યારે પરદાની ઓથમાંથી ચમકતી બે આંખો, એના પ્રતિ આતુર બનીને ટગટગ્યા કરતી હોય છે. એ ખુશ થાય છે. એ સાથે એને થાક વરતાય છે...

   ને એકાએક યાદ આવ્યું. એને કશીક વિનંતિ કરવાની હતી. કોને, એ વિષેનો એને અણસાર સુદ્ધાં નહોતો. પણ... એ ઘણું ઘણું ભૂલી જતો હતો. મોડે પાછા ફરતાં, દિવસપર્યંતની સઘળી પ્રવૃત્તિઓના ધીમેધીમે ઘેરાઇ આવતા વજન તળે આગળ ધકેલાતો દાદરાના પહેલા પગથિયે ઠેસવાઈને, કોઠેરો પકડી લેતાં... ઘરમાં દાખલ થતાં, ચારેબાજુથી ત્યાંની અવડ હવા એને ઘેરી વળતી હોય ત્યારે..કલાકો સુધી ખૂણામાં બેસીને, પોતાના હ્રદયના ધૂંધળા ધબકારને સાંભળ્યા કરવામાં... રાત્રે આજુબાજુની નિઃશબ્દતાને જાણે ફંફોસતો, અગાસીમાં સતત આંટા માર્યા કરતો હોય એ વેળાએ... પોતે ઘણું ઘણું ભૂલી જતો હતો. એને ખ્યાલ નહોતો. ને કશીક વિજ્ઞપ્તિ કરવાની હતી. એકાએક ધક્કો લાગતાં, એ પડી જતાં રહી ગયો. જોયું તો, મકાનનો દરવાજો રોકીને નોકર એની સામું હસી રહ્યો હતો. એણે માથા પર, ચળકતા તારની ફૂલ-ભરતવાળી ઘેરા લાલ રંગની ટોપી પહેરેલી હતી.

   ‘હું વિનાયક, મકાન માલિક છે અંદર? ' કહીને આવેશભેર એ અંદર જવા વળ્યો.
   ‘કશો ફર્ક પડવાનો નથી.’ નોકરે એને બાવડેથી ખેંચ્યો.

   એ ઉશ્કેરાઈ ઊઠયો. ને એમ થોડી ક્ષણો સુધી બન્ને વચ્ચે ઝપાઝપી ચાલી. ત્યારે ઉપર અગાસીમાંથી ઝૂકીને કોઈકે ઈશારો કરતાં, નોકરે એના હાથની પકડ ઢીલી કરી. “એ તો હું ટીખળ કરતો હતો... ખાલી... હી.. હી...હી...” વિચિત્ર રીતે હસતાં, એને એ અંદર દોરી ગયો. એ સાથે વિનાયકને લાગ્યું કે એના પગે મોચ આવી ગઈ હતી. ત્યારે સામેથી, બીજો નોકર વ્હિલિંગચેરને ખેંચી લાવતો દેખાયો. એનો ચહેરો ધુમ્મસના ગોટા જેવો હતો. ઉપરથી એણે જ ઇશારો કર્યો હશે, વિનાયકે વિચાર્યું. અને બન્નેએ એને ‘ચેર’માં ગોઠવ્યો. પોતાની પીઠ પાછળથી, પેલો ટોપીવાળો નોકર, ચેરને આગળ ઠેલવા લાગ્યો. ને એમ ત્રણેય, આજુબાજુની લાકડાની બોદી દીવાલો વચ્ચે થઈને, સામેના અંધકારની વળેલી લીલ પર મૂંગામૂંગા આગળ વધી રહ્યા હતા. આ પરસાળનો કયાંય અંત આવે એમ નહોતો. દુર્ગધને લીધે એણે નાક સંકોડ્યું.

   ‘એ તો હવા...’ ખુરશીનો હાથ પકડીને ચાલતો બીજો નોકર બોલ્યો. ત્યારે અનારનવાર નીચે ફરસ સાથે ઘસડાતા એના દુખણા પગમાં સણકા ઊઠતા હતા. એ જોઈને, પેલાએ જાળવીને, પગને ખુરશીમાં વાળી આપ્યો. પણ એને ગૂંગળામણ થતી હતી. એથી બંને ગળગળા થઈને, કશુંક બોલવા મથ્યાં. ત્યાં એકાએક અધવચ્ચેથી જ ત્રણેય, મકાનના આગલા ખંડમાં દાખલ થયા. અહીં, ઓરડાના મધ્યભાગને, સામેની બારીમાંથી લંબાઈ આવતા પ્રકાશની લંબચોરસ છત, આવરી રહી હતી, ને એમાં કયાંકથી અદૃશ્યપણે પડતા. માણસોના પડછાયાઓ, આમતેમ સતત અટવાયા કરતા હતા. એણે બારી બહાર દષ્ટિ ફેરવી. ત્યાં કોઈ નહોતું. પેલા પડછાયાઓની એકધારી વણથંભી હરફર જોઈને એ સહેજ અકળાયો. હાથની એક આંગળી ઊંચી કરી, એણે ઈશારો કર્યો. બીજો નોકર ઉતાવળે પગલે જઇને સામેની બારી બંધ કરી આવ્યો. ને વ્હિલિંગ ચેર આગળ ખેસવાતી ગઈ. ધીમેધીમે એ જાણે કશીક સત્તા પર આવતો જતો હોય એમ એને લાગ્યું. ને મગરૂરીમાં એણે ગરદનને ટટ્ટાર કરી. ત્યારે બંને નોકરો કશીક રકઝકમાં પડ્યા હતા. એણે પાછળ ફરી જોયું. આંગળી પર ટોપી રમાડતો નોકર બાઘાઈભર્યું હસી રહ્યો હતો. ‘શી અવદશા થઈ ગઈ છે ! ' મનમાં એ બબડ્યો. ને એકાએક એને ભાન થયું. અહીં અગોચરપણે કોઇક જાણે સમગ્ર વાતાવરણનો દોરીસંચાર કરી રહ્યું હોય એમ એને લાગ્યું. “મકાનમાલિક કયાં છે?' એ બરાડી ઊઠયો.

   ‘અમને ખબર નથી.. અંદર હશે... બહાર ગયા હશે... ‘ હાંફળા બનીને બંને નોકરો ઊંચે શ્વાસે બોલ્યા.
   બીજા ખંડના સાંકડા ખૂણામાં, નાનકડો ‘લેમ્પ' સળગતો હતો. એના પ્રકાશમાં, નીચેના વિશાળ ટેબલ પર જડેલો કાચ ઝગઝગી રહ્યો હતો. એ તરફ જોઈ રહેવું અસહ્ય થઈ પડતાં, એણે બાજુમાં નજર કરી. ટિપોઈ પરની કાચની પેટીમાં, સોનેરી રંગની બે નાજુક માછલીઓ, વાંકીચૂંકી પાતળી ધ્રુજારીઓ ફેલાવતી, આછેરા સેલારા મારતી, તરવરી રહી હતી. ઘડીભર ત્યાં એ મુગ્ધભાવે ટીકી રહ્યો. પણ ધીમે ધીમે એને લાગ્યું કે બહાર હવામાં તરફડયા કરતી હોય એમ પેલી માછલીઓ ત્યાં પાણીમાં તરી રહી હતી.

   ‘આને અહીંથી ઉઠાવી લ્યો...' રોષમાં મોટેથી એ બોલ્યો.
  
   એ સાથે બન્ને નોકરો, શું કરવું એ ન સૂઝતાં, ગભરામણમાં ઘાંઘાની જેમ બારણાં વચ્ચે થંભી જઈને કંઈક ગુસપુસ કરવા લાગ્યા,’હવે શું થશે? હવે શું થશે ? ' ને આગળ કંઇ પણ વિચારે એ પહેલાં, વિનાયકને લાગ્યું કે તેની ચારે બાજુ કોઈકે જાણે અદશ્યપણે જબરદસ્ત ઘેરો નાખી દીધો હતો. એ વેળા નજદીકમાં બારણા પરના પરદામાં સળ ખેચાતા દેખાયા. એની પાછળ ઓથમાં, પગલાનો ધસારો સંભળાયો. ને પડકાર ફેંકતો હોય એમ એ બોલવા ગયો :
  
   ‘કોણ છે ત્યાં?' પણ એનો રુંધાતો અવાજ એકાએક ગળામાં જ દબાઇ ગયો. મોં અદ્ધર ફાટેલું રહી ગયું. એણે હાથની આંગળીઓથી ચપટી વગાડવા પ્રયત્ન કર્યો. પણ હાથપગ અક્કડ થઈ ગયા હતા. એને ગભરામણ થઈ આવી. થોડી ક્ષણો આડીઅવળી ઘૂમી શકતી બન્ને આંખો, સામે કબાટ પરના અરીસા તરફ એક જ દિશામાં સજ્જડ રીતે ફાટી રહી. ત્યારે પોતાના માથા પર, એની ધ્યાન બહાર, નોકરે મૂકી દીધેલી પેલી ટોપી અરીસામાં જોતાં એને ઝાંઝ ચઢી આવી. ને એક આંચકા સાથે શરીરને વીંઝી નાખવા એ મથ્યો. પણ આખું શરીર જાણે પક્ષપાત ખાઈને પાંગળું થઈ ગયું હતું. આ જોઈને, બારણામાં જડાઈ ગયેલો નોકર ત્યાંથી દોડતો આવીને ટોપી ઉઠાવી ગયો. વિનાયકે એક ઊંહકાર ભર્યો. હ્રદયના ધબકાર હજી સંભળાતા હતા એની ખાતરી કરી જોઈ. ને એને યાદ આવ્યું. એને કશીક વિનંતી કરવાની હતી. કાળપર્યત એના હાડેહાડને ગાળી નાખતી, કશીક અજ્ઞાત ગમગીનીની વાત કરવી હતી. એના બદલે આ તો..

   ‘એ કશા કામનો નથી. એને ફગાવી દો.’ અંદરથી અવાજ સંભળાયો.
   ને બન્ને નોકરોએ એને સમતોલ અદ્ધર ઊંચક્યો. મરણિયો પ્રયાસ કરીને એ બોલવા ગયો : ‘હું જીવું છું.' પણ એની જીભ ઝલાઈ ગઈ હતી. ત્યારે લબડી રહેલા એના ઊંધા માથા પર, નોકરે પોતાની ટોપીને એક હાથે દાબી રાખી, ‘આ ટોપીમાં એ કેટલો ગૌરવશાળી લાગે છે!' આ સાંભળીને, ઊંચી દીવાલના બાકોરામાં વિનાયકના પગને ભેરવવાની ગડમથલમાં પડેલા બીજા નોકરે ચહેરા પર ગાંભીર્ય ધારી રાખતાં, માથું ધુણાવ્યું. ‘હં....' પેલાએ ટોપી ઉતારી લીધી અને એક ધક્કા સાથે એને બહાર હડસેલ્યો. જાણે ઉત્તુંગ શિખર પરથી ક્યાંનો ક્યાંય અનંત અવકાશના મહાસાગરમાં એ ફેંકાયો, એમાં એ માત્ર ઝીણું ટપકું બનતો જતો કયાંક ઊંડે ને ઊંડ વીંઝાતો ગયો, ને એમ એ શૂન્યતાના ગર્ભમાં કશોક આકાર પામતો જતો, કંકણો-રણકતા બે જોડાયેલા હાથમાં એ ઝિલાયો. ખોળાની હૂંફમાં લપેટાયો. બે હોઠ વચ્ચે ચગળાતી સ્તનની ડીંટડીને ચૂસવા લાગ્યો. ને એ રડી ઊઠયો. વળી રહેલી બાલ્ય મૂઠીઓથી, સત્વહીણાં સ્તન પર, એણે પ્રહારો કર્યા, ઘૂમટાના ઘેરાવામાંથી, પોતાના પર ઝૂકી રહેલા વહાલભર્યા ચહેરા પ્રતિ એણે ઊંચે જોયું, બે આંખો-પેલી સોનેરી રંગની બે માછલીની જેમ તરવરી રહી હતી એ ચૂપ થઈ ગયો. અસહ્યતામાં એણે પોતાની આંખો મીચી દીધી પેલી દુગ્ધહીણી ડીંટડીને ખાલી એ ચૂસ્યે ગયો. ને આખરે એ હસ્યો-નર્યું શુષ્ક હાસ્ય.
* * *


0 comments


Leave comment