2.2 - માવલ વરસડા / ચારણી સાહિત્યના પ્રાચીનકાલીન કવિઓ / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   માન્યતાઓનો આધાર લીધા વગર જો આપણે કૃતિના આધારે પ્રાચીન યુગના ચારણકવિઓનો ઇતિહાસ લખીએ તો તેમાં બીજું નામ માવલ વરસડાનું આવે છે.
   માવલ વરસડાના પિતા સાબા વરસડા કચ્છના જામકુળના કવિ હતા, પણ સાબા વરસડાનાં કોઈ કાવ્યો ઉપલબ્ધ નથી. એથી ચારણી સાહિત્યમાં આદિકવિનું પદ માવલ વરસડાને પ્રાપ્ત થાય છે.

   માવલ વરસડા કચ્છ-કેરાકોટના યશનામી જામ લાખા ફુલાણીના કવિ હતા અને બાળસખા પણ હતા. ચારણી સાહિત્યમાં જામ લાખા ફુલાણીનો સમય આ પ્રમાણે પ્રાપ્ત થાય છે :
સાકે સાત સતોતરે, સાતમ શ્રાવણ માસ;
સોનલ લાખો જનમિયો સૂરજ જ્યોત પ્રકાશ
(લે.પ્ર. શ્રી શંભુદાન ગઢવી (ભૂજ), ‘કચ્છદર્શન', પ્રથમ આવૃત્તિ ૧૯૭૮, પૃ. ૨)
   અર્થ એ છે કે શક સંવત ૭૭૭માં શ્રાવણ માસમાં સાતમને દિવસે જામ લાખો ફુલાણી જન્મ્યો. એ પ્રમાણે વિ. સં. ૯૧૧માં લાખો ફુલાણી જન્મ્યાનું માની શકાય. લાખા ફુલાણીના મૃત્યુકાળ વિષે ચારણી સાહિત્યમાં પ્રાચીન હસ્તપ્રતોમાંથી એક છપ્પય મળે છે કે :
સાકે નવ એકમે, માસ કારતક નિરંતર,
પિતા વેર છલ રાખ, સોહડ દાખે અતિ સધર;
પડે સમા સો પનર, પડે સોલંકી સો ખટ;
સો ઓગણીશ ચાવડા, વડા મૂળરાજ રખણ વટ;
પાતળે સુમંગળ ગાઈઆ, હથ મળ સેલસિંહના શિરે;
આઠમે પક્ષસુદ ચાંદણે, મૂળરાજ હાથ લાખો મરે.
(લે.પ્ર. શ્રી શંભુદાન ગઢવી (ભૂજ), ‘કચ્છદર્શન', પ્રથમ આવૃત્તિ ૧૯૭૮, પૃ. ૨)
   અર્થાત શક સવંત ૯૦૧ની સાલમાં મૂળરાજને હાથે લાખો ફુલાણી કામ આવ્યો. આ થઈ તેના મૃત્યુની સાલ વિ. સં. ૧૦૩૫ની છે.
   આમ, જામ લાખાનો સમય વિ. સં. ૯૧૧ થી ૧૦૩૫ સુધીનો છે. એ જ સમય માવલ સાબાણી (સાબા વરસડાનો પુત્ર હોવાને કારણે માવલ વરસડો માવલ સાબાણી તરીકે પણ ઓળખાય છે) નો છે.

   વિદ્વાનોમાં લાખા ફુલાણીના સમય પરત્વે કંઈક મતભેદ હોઈ શકે, પણ અમારા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, માવલ વરસડા લાખા ફુલાણીના સમકાલીન હતા.
   માવલ વરસડા કૃત કેટલાક દુહાઓ મળે છે જે નીચે પ્રમાણે છે :
ભવ જીયણ અથ ભોગવણ, ગુણ જાણણ ગહગીર;
ભૂજા ધન માઉલ ભણે, લેહરિરવ લખધિર...૧
(જિદગીને જીતી લેનારો, ધન ભોગવનારો, ગુણ (કાવ્ય)ને જાણનાર અને ગંભીર એવા સાગર સમાન રાવ લાખા ફુલાણીની ભૂજાઓને ધન્ય છે, એમ માવલ કહે છે.)

તાહરૌ ફુલં તણાહ, લાખા જસ અંબર લગૌ;
ઉપરિ જગતિ અથાહ, જિગિઓ કિરણાપતિ જિહિ... ૨
(હે ફુલના પુત્ર લાખા ! તારો યશ આકાશે જઈ પહોંચ્યો અને અપાર એવા સંસાર પર તે યશ સૂર્યરૂપે પ્રકાશ્યો.)

જુગ જાઐ લાખૌ રહે, કમણ કુહાડા એહ,
વૂઠો ઘર વૈહલાં તણે, તાસ ન જાએ તેહ.... ૩
(યુગો જશે પણ લાખો નહિ જાય; આનો ભેદ શું છે ? આનું કારણ એ છે કે કવિશ્વરોનાં ઘરો પર રીઝીને (ધનરૂપે) વરસ્યો હતો.)

જાઈ જુગંતરે વાળિઆ, જાખા એક ન જાઈ;
દીનૈ કારણ ફુલઉત, નિતિ નવલો થાઈ...૪
((ક) ‘ઊર્મિ નવરચના' (માસિક) ‘દુહો દશમો વેદ' વિશેષાંક; સને ૧૯૭૮. નવે. ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, કવિગણ, લે. રતુદાન રોહડિયા, પૃ.૩૭૮ (ખ) રતુદાન રોહડિયાના અંગત હસ્તપ્રતનાં ટાંચણોને આધારે.))
(યુગો વહ્યા જશે પણ મહાન એવો એક લાખો ફુલાણી નહીં જાય. દાતારીને કારણે ફુલનો એ પુત્ર નિત્ય નિત્ય નવું જીવન અને નવું યૌવન પામતો રહેશે.)
   લાખા ફુલાણીના સંવાદી સંસારના કંઈક મનોવિનોદી સંવાદોને પણ માવલ વરસડાએ દુહામાં ગૂંથીને અમર કર્યા છે. જેમકે :
લાખો લેખે પાંતરું, મેહળા ભુલી મત;
આંખ તણે ફરુકડે, જમી પરાયે હથ...૧
(લાખો તો છેટેનું સમજે છે. રાણી પણ ભૂલ્યાં છે. અરે ! આ ભૂમિ તો આંખના ફરકવામાત્રમાં જ પરાયા હાથમાં ચાલી જાય !)

લાખો મેહળા ધીહડી, ત્રણે ભુલાં જોય;
સાસ સરીરાં ઊપડ્યો, આયા નાયો હોય...૨
((ક) ‘ઊર્મિ નવરચના' (માસિક) ‘દુહો દશમો વેદ' વિશેષાંક; સને ૧૯૭૮. નવે. ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, કવિગણ, લે. રતુદાન રોહડિયા, પૃ.૩૭૯ (ખ) રતુદાન રોહડિયાના અંગત હસ્તપ્રતનાં ટાંચણોને આધારે.))
(લાખો, રાણી અને રાજપુત્રી ત્રણેય ભૂલે છે. જુઓ, આ શ્વાસ કાયામાંથી બહાર ગયા પછી પાછો આવ્યો કે ન આવ્યો પણ હોઈ શકે. એનો વિશ્વાસ નથી.)
   તો ક્યાંક માવલ વરસડાના કવનમાં ચારણસહજ આખાબોલાપણું પણ ડોકાય છે કે :
લાખા ! રાણી ને પૂછીએ, પૂછો મંગણહાર;
જેના ઘટમાં ઘુમતા, દશ દિશના દાતાર.
((ક) ‘ઊર્મિ નવરચના' (માસિક) ‘દુહો દશમો વેદ' વિશેષાંક; સને ૧૯૭૮. નવે. ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, કવિગણ, લે. રતુદાન રોહડિયા, પૃ.૩૭૯ (ખ) રતુદાન રોહડિયાના અંગત હસ્તપ્રતનાં ટાંચણોને આધારે.))
(લાખા ! આવી (મારા સરખો બીજો કોઈ દાતાર છે ? એવી) વાત રાણીને ન પૂછીએ, પણ કવિઓને પૂછો કે જેમના દિલમાં દશેય દિશાના દાતારો રમી રહ્યા છે.)
   પોતાના સમયમાં માવલ વરસડા સમર્થ કવિ તરીકે નામના પામી ગયેલા અને એમણે મૂળરાજ સોલંકીના રાજદરબારમાં બાલવણ ભાટ નામે વિદ્વાન કવિને કાવ્યચર્ચામાં હરાવેલ જે વિષેની દંતકથા ચારણોમાં પ્રચલિત છે. ((ક) ‘ઊર્મિ નવરચના' (માસિક) ‘દુહો દશમો વેદ' વિશેષાંક; સને ૧૯૭૮. નવે. ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, કવિગણ, લે. રતુદાન રોહડિયા, પૃ.૩૭૯ (ખ) રતુદાન રોહડિયાના અંગત હસ્તપ્રતનાં ટાંચણોને આધારે.))

   માવલ વરસડાની રચના ‘લકખ ભણઈ નિઘટ્ટ’ એવા વિષયપરક નામ સાથે મેરૂતુંગાચાર્ય કૃત ‘મૂલરાજ પ્રબંધ'માં એક દુહા રૂપે મળે છે.
ઊગ્યા તાવિ ઉ જહિ ન કિ ઉ, લખ ભણઈ નિઘટ્ટ !
ગણિયા લભ્ભઈ દીહડા, દહક અહવા અઠ્ઠ. (મનોહર શર્મા, ‘પરંપરા’ ૧૨, સને ૧૯૬૧, પૃ.૬૬)
નેણસીએ પણ પોતાના ખ્યાતમાં માવલ વરસડા કૃત એક દુહો આપ્યો છે કે :
હિરણી માથા ઢળી ગઈ, કિરતી ગઈ ઉલત્થ;
નારી નરાં સનાહિયાં, પૈ ઝડોફડ હત્થ.
(આચાર્ય બદરીપ્રસાદ સાકરિયા, ‘મુંહતા નેણસી રી ખ્યાત', ભા.૨, પૃ. ૨૩૩)
   જોકે પહેલા દુહાની અને નેણસીવાળા દુહાની ભાષામાં ફરક સ્પષ્ટપણે વર્તાઈ આવે છે, પણ નેણસી સુધી પહોંચતાં એ દુહાએ સૈકાઓનો લાંબો પ્રવાસ ખેડ્યો હશે, અનેક પ્રતિલિપિઓમાંથી પસાર થયો હશે, એટલે આ કારણે એના ભાષાકીય સ્વરૂપમાં કંઈક ફેરફાર થયાનું નકારી ન શકાય.

   આ જ પરિસ્થિતિ માવલ વરસડાના અન્ય દુહાઓ માટે પણ સ્વીકારવી રહી, કેમકે જ્યાં સુધી સોલંકીકાલીન ચારણી સાહિત્યની કોઈ વિશ્વસનીય હસ્તપ્રત ખુદ ચારણોનાં ઘરમાંથી ન નીકળી આવે ત્યાં સુધી તો આ પરિસ્થિતિ અફર રહેવાની.
* * *


0 comments


Leave comment