11 - ઘેરો થયો ગુલાલ / જવાહર બક્ષી


આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો !
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે
મૃગજળને પૂછ, કેમ હું તરસ્યો થઇ ગયો

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પ્હાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો


0 comments


Leave comment