42 - એ પછી : ૬ / જવાહર બક્ષી


કોઈ ખબર પડી નહીં આવી જનારની
બસ, આટલી જ વારતા છે ખુલ્લા દ્વારની

સ્વપ્નોના સૂર્ય લઈને એમ એમ સૂઈ ગયા
ઊઠયા તો ઓળખાણ પડી નહિ સવારની

પડછાયા રોપવાનું ભલે ફળ મળ્યું નહીં
એકલતાને તો ઓથ મળી અંધકારની

હું લોહીની નદીમાં થીજેલો પહાડ છું
શ્વાસોનું માન ! રાહ ન જો આવકારની

ઓળંગ્યા સર્વ પ્હાડ, નદી, દરિયા, વન ને રણ
એક ભીંત તૂટતી નથી તારા વિચારની


0 comments


Leave comment