2.13 - એક ગંગા દરેક જન્મતા ઝરણમાં છે / હેમેન શાહ


એક ગંગા દરેક જન્મતા ઝરણમાં છે,
પ્હાડને કોતરી જવાની વેતરણમાં છે.

હું ગઈકાલને અતિક્રમી શકું જ નહીં,
આ સ્થિતિથી વિશેષ શું કશું મરણમાં છે?

ના સમય પણ સતત પ્રવાહ જાળવી શકતો,
ક્યાં વહી જાય છે એ વેળ જે સ્મરણમાં છે.

હું ઊભો છું, નિરાકરણ થશે – ની આશામાં,
કોણ ચાલ્યું વધુ? વિવાદ બે ચરણમાં છે.

કામધંધે જતા ખભો ટપારી ફૂલ ખરે,
ને પૂછે, ‘ક્યારનો તું શા વશીકરણમાં છે?’


0 comments


Leave comment