2.15 - પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે / હેમેન શાહ


પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે,
કંઈ જાણકારી ના હો તોય જોર થઈ શકે.

રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો,
પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે?

પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે,
કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.

અઘરી નથી અહીં ચળકતી લોકપ્રિયતા,
લોકો વિદૂષકોથી યે વિભોર થઈ શકે.

કહેવું પડે કે મિત્રોનાં હૃદય છે ફૂલનાં,
એકાદ પણ ન ખેલદિલ ટકોર થઈ શકે.


0 comments


Leave comment