2.16 - સોબત વાદળ માફક થઈ ગઈ / હેમેન શાહ


સોબત વાદળ માફક થઈ ગઈ,
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.

કોણ ટહુક્યું ભરબપ્પોરે ?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.

બારી ખોલી, મેઘધનુષ ત્યાં !
શું અણધારી આવક થઈ ગઈ.

જે ક્ષણને મેં ધુત્કારી'તી,
એ તો ભાગ્યવિધાયક થઈ ગઈ.

બત્તી ઊઘડી, હસ્યા ફુવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.

જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.


0 comments


Leave comment