2.17 - ટીપાંની જલધિ કને શી વિસાત હોઈ શકે? / હેમેન શાહ


ટીપાંની જલધિ કને શી વિસાત હોઈ શકે ?
ઉપર સવાર થવા લાયકાત હોઈ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું,
પ્રકાશમાં જુદા પરદાઓ સાત હોઈ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઈ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઈ શકે.

જરાક ગમગીની માગી'તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઈ શકે.


0 comments


Leave comment