2.18 - મૌનને પસવારવું સ્હેલું નથી / હેમેન શાહ


મૌનને પસવારવું સ્હેલું નથી,
સત્યને ઉચ્ચારવું સ્હેલું નથી.

વાળશો બહુ બહુ તો થોડું ઘાસને,
વૃક્ષને પડકારવું સ્હેલું નથી.

રાતને તો આંખમાં પૂરી શકો,
પણ કિરણ ભંડારવું સ્હેલું નથી.

કોઈ તો ફરિયાદ બાકી હોય છે,
જે મળે, સ્વીકારવું સ્હેલું નથી.

માનવાચક સૌ વિશેષણ અવગણી,
નામ દઈ પોકારવું સ્હેલું નથી.

અહીં બચી છે વર્ણસંકર વૃત્તિઓ,
ચાહવું, ધિક્કારવું, સ્હેલું નથી.


0 comments


Leave comment