2.19 - જગત છે દોરેલું ચિત્ર ઝાંખા ખયાલ પરથી / હેમેન શાહ


જગત છે દોરેલું ચિત્ર ઝાંખા ખયાલ પરથી,
પહોર છેલ્લો ખરી રહ્યો છે મશાલ પરથી.

સલજ્જ મળતાવડી બે આંખો મને પૂછે છે,
તમે શું સમજ્યા ત્રુટક ત્રુટક બોલચાલ પરથી?

જૂઈના ફૂલો હજી તો હમણાં વીણીને આવ્યાં,
સુગંધ સાવ જ ઊડી ગઈ છે રૂમાલ પરથી.

નથી હું સહમત થયો સહજતાથી પૂર સાથે,
સહન કર્યું છે ઘણું અમસ્તા સવાલ પરથી.

દીવાનખાનામાં યુદ્ધ અંગે શું વાત કરશો?
ન રંગ લોહીનો ટપકી શકશે દીવાલ પરથી.


0 comments


Leave comment