2.20 - વાદ જો હો આ તરફ, પ્રતિવાદ સામે હોય છે / હેમેન શાહ
વાદ જો હો આ તરફ, પ્રતિવાદ સામે હોય છે,
દ્વન્દ્રની આ ગોઠવણ આબાદ સામે હોય છે.

કાટ ખાધેલો, ઘસાયેલો, તૂટેલો માનવી,
હર ઘડી ઘડિયાળના પોલાદ સામે હોય છે.

છે ગમા ને અણગમા પર કેટલો દારોમદાર,
કેફ અહીં, તો ક્રોધ ત્યાં વરસાદ સામે હોય છે.

યા તો શોષિત યા તમે શોષક હશો સંબંધમાં,
આ નિયમનો એક પણ અપવાદ સામે હોય છે?

વિશ્વને બે વાત કહેવામાં શું આદરભંગ છે ?
શિષ્યનો એક દાવ તો ઉસ્તાદ સામે હોય છે.


0 comments


Leave comment