2.9 - કાવ્ય. ૩૮ એક ફલ એવું, કાવ્ય. ૩૯ પ્રેમના મંત્રનું કૈંક ગુંજન, કાવ્ય. ૪૦ માયાવિની, કાવ્ય. ૪૭ પ્રાસાનુપ્રાસ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


   આ ચારે કાવ્યોમાં, એકનાં એક જ પ્રેમીજનો છે. બન્ને પ્રેમીજનો, સ્ત્રી અને પુરુષ, એક સરખાં ચતુર છે. એમની બુદ્ધિના ચમકારા એમના તરલચંચલ સંવાદમાં ક્ષણેક્ષણે અનુભવવા મળે છે. એમનાં તોફાન, મસ્તી, ઠઠ્ઠામશ્કરીને પૂરતો અવકાશ મળે એવા પરંપરિત હરિગીત, પરંપરિત ઝૂલણા, મુક્ત મિશ્રોપજાતિ અને મનહર છંદ કવિએ યોજ્યા છે. પ્રેમીજનોના સ્વમુખી પ્રેમના રહસ્યનું ઉદ્ઘાટન એ આ કાવ્યોનો વિષય છે. પરસ્પરનો પરાજય અને પછી જ પુરસ્કાર એ પ્રેમીજનોનો પ્રિય વ્યવહાર છે. પ્રેમ એટલે જીતવું કે જીતાવું એ પ્રેમનો સનાતન કોયડો છે. આ ચારે કાવ્યો જહોન ડનની ‘મેટાફીઝીકલ' કવિતાની શૈલીનાં છે. આ ચારે કાવ્યોનો હળવો ઉપાડ અને ભારેખમ અંત છે; બુદ્ધિની ચાલાકી, રમત, ચાતુરી, ચંચલતામાંથી વિકસતા હૃદયના ભાવેદ્રેકમાં કે ચિંતનમાં, ગાંભીર્યમાં કે રહસ્યદર્શનમાં વિરમે છે. ચિત્તની તરલતા અને બુદ્ધિની ગહનતાનો એમાં સુભગ સમન્વય છે.


0 comments


Leave comment