2.11 - કાવ્ય ૫૪ વિજન અરણ્યે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


પંચતત્ત્વોનું સાહચર્ય અને સર્વનો સંગ પામ્યાના આનંદનો આ ઉદ્ગાર છે. વૃક્ષ, વનસ્પતિ, કિરણોનો શાંત વૈભવ, વાયુ વ.ની વન્ય રિદ્ધિ એટલે કે પ્રકૃતિ અને જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ એવા અતીત સાથે કવિનો મેળ છે એટલે તો કાવ્યનું ધ્રુવપદ છે ‘એકાકી હું નહીં’ પણ ‘એકાકી તો પણે... હૈયાનો મેળ ના જ્યહીં.’

‘મને તો દાખવે....સરે સૌંદર્ય સર્પનું’
કવિને કાનનમાં સાકાર સુંદરનાં દર્શન થાય છે. કારણ કે સૌંદર્ય એટલે સંવાદ, અભેદ, એકત્વ. કવિને કોમળાંગી મૃગોનાં ટોળાં અને હિંસક પ્રાણીની ગર્જના બન્ને એકસરખાં ગમે છે. વિરોધ વિસંવાદની વચ્ચે આ સંવાદ સ્થપાય છે. કારણ કે પંચતત્ત્વોના સાહચર્ય અને સર્વના સંગમાં, પ્રકૃતિ અને અતીતમાં કૈં ખૂટતું હોય તો કવિએ એના હૈયાનો, જેની આનંદ ઘોષણા ગાજી રહી છે એવો, પ્રેમ એમાં પૂર્યો છે. એથી તો આ સંવાદ સ્થપાયો છે, સુંદર સાકાર બન્યો છે. કવિ કહી શકે છે, ‘એકાકી હું નહિ નહિ.’ જેની પાસે પ્રેમની પૂંજી છે એ એકાકી રહી જ શકતો નથી, એ સહુમાં વિલસી રહે છે. પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે'નો વિચાર વળી પાછો અહીં પ્રગટ થાય છે. કવિને જે સૌંદર્યનો અનુભવ છે એ દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ અને ગંધ, એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા થતો પંચતત્ત્વોના સૌંદર્યનો અનુભવ છે. ડાળીએ ડાળીએ પંખી નહીં પણ પંખીના છંદને રવ ઊડે છે, રેખાળી ગતિમાં સર્પ નહીં પણ સર્પનું સૌંદર્ય સરે છે. આ બન્ને પંક્તિઓનું લાવણ્ય કેવું સ્વયંસિદ્ધ છે. કવિએ આગળ કહી દીધું છે, ‘મને તો દાખવે સંધે બન્યો સાકાર સુંદર.' પંખી અને સર્પની એટલે કે સાકારની પછવાડે જે સુંદર એટલે કે છંદનો રવ અને રેખાળી ગતિમાં સૌંદર્ય વસે છે એનું દર્શન એને અહીં થાય છે. અનુષ્ટુપમાં જે શબ્દો અને જે ક્રમમાં એ શબ્દો યોજ્યા છે એ એવો લય પ્રગટ કરે છે કે આપણે પંખીના છંદનો રવ ડાળીએ ઊડતો અને સર્પનું સૌંદર્ય રેખાળી ગતિમાં સરતું પ્રત્યક્ષ અનુભવીએ છીએ. થાણા પાસેના જંગલોમાં આ કવિએ લાકડાંના વ્યવસાયનો અનુભવ લીધો છે એમાં બીજી જે કંઈ કમાણી કરી હોય તે તો કવિ જાણે પણ આપણે એટલું જાણીએ કે આ કાવ્ય પણ એની જ કમાણી છે.


0 comments


Leave comment