2.12 - કાવ્ય પ૭ શ્રાવણી મધ્યાહ્ને / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ કાવ્ય પણ આ કવિની એક અત્યંત લાક્ષણિક અને મહત્ત્વની કૃતિ છે. કવિના જન્મસ્થાન કપડવણજથી શ્રાવણના કોઈ મધ્યાહ્ને ઉત્કંઠેશ્વર લગી પદયાત્રા કરો (કવિએ અનેકવાર અને આ લખનારે કવિના જ સંગમાં એકવાર કરી છે અને આ કાવ્ય પ્રત્યક્ષ અનુભવ્યું છે, એનો સાક્ષાત્કાર કર્યો છે) તો પ્રતીતિ થશે કે પગલે પગલે આ કાવ્ય પથરાયેલું પડ્યું છે. ઠેર ઠેર આ કાવ્યનાં ચિત્રો નજરે ચડે છે. આ ગામ, ભીનો, પંકિલ દુર્વાથી છાયો, વાડ થકી દબાયો વન્ય પંથ, વેલ તણી ઝૂલ, કંકાસિની, ખેતર, બાજરી, ખંજન, કીર, લેલાં, મોર, મહિષી-ધણ, દાદૂર, બાવળ, તળાવ, અશ્વત્થ અને શંભુનું સદન વ. બધું જ આ કવિએ સગી આંખે જાણ્યું, માણ્યું અને પ્રમાણ્યું છે એટલે તો આ કાવ્યમાં કવિએ અપૂર્વ મનહર અને મનભર ચિત્રાત્મકતા સિદ્ધ કરી છે. વસંતતિલકા છંદ પરનું પ્રભુત્વ પણ એટલું જ અસાધારણ છે.

‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત
ધીરે ધીરે સરતી ગોકળગાય જેમ'
આખું કાવ્ય જાણે કે આ પ્રથમ પંક્તિનો જ વિસ્તાર અને વિકાસ છે. આ એક પંક્તિમાંથી જ જાણે કે આખું કાવ્ય પ્રસર્યું છે. અલસતા અને પ્રશાંતિ માત્ર મધ્યાહ્નની વેળનાં જ નહીં, ક્ષણે ક્ષણમાં જ નહીં, પણ ગામથી તે શંભુના સદન લગી સર્વત્ર અણુએ અણુમાં વ્યાપી વળ્યાં છે. એટલે કે સ્થળ અને કાળ બનેમાં વ્યાપી વળ્યાં છે. બીજી પંક્તિમાં ગોકળગાયની ઉપમાથી આ અલસતા અને પ્રશાંતિ કેવાં પ્રત્યક્ષ થાય છે. વળી ‘ધીરે’ શબ્દના પુનરાવર્તન અને ગોકળગાય શબ્દમાં ગોકળગાય એમ વચમાં અલ્પવિરામ લેવો જ પડે એવા સ્થાને એની યોજનાને કારણે આ અલસતા અને પ્રશાંતિ છંદના લય દ્વારા પણ પ્રત્યક્ષ થાય છે.

‘ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક’
દ્રુમથી એકે એકે રહી રહીને ઝરતાં ફોરાંના આ ઉલ્લેખથી અલસતા અને પ્રશાંતિને ઉપસાવી છે, ‘એક' શબ્દના પુનરાવર્તન અને ‘રહૈ રહી એક એક'માં છંદના અતિવિલંબિત લય દ્વારા વળી પાછી વધુ ઉપસાવી છે. દ્રુમથી જેમ ફોરાં તેમ કવિની કલમમાંથી શબ્દો પણ રહૈ રહી એક એક સરે છે.

‘ભારો ઉતારી શિરથી....નિજમાં નિમગ્ન'
શ્રાવણ મહિનામાં વિસામો લેતા ગામનું આ વર્ણન અને બે ભરતીની મધ્ય જલધિની આ ઉચિત ઉપમા પ્રથમ પંક્તિના પ્રશાંત શબ્દને સાર્થ કરે છે.

‘કર્તવ્ય કોઈ અવશેષમહીં....હતા ન સૂના.'
એ જ સમયે કવિના મનની સ્થિતિનું આ વર્ણન માત્ર બહિર્જગતમાં જ નહીં પણ કવિના આંતરજગતમાં પણ કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે કેવો સુમેળ સધાયો છે એની પ્રતીતિ કરાવે છે.

‘મેં સ્હેલવા મન કરી... પ્રસૂન વડે પ્રફુલ્લ’
વન્ય પથ અને કવિના સ્હેલતા મનનું વીગતભર્યું સુરેખ ચિત્ર. ‘ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ' પંક્તિમાં પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે'નો એક વિચાર વળી પાછો અહીં વ્યક્ત થયો છે. આ પંક્તિ કવિ માત્રનો મિજાજ રજૂ કરે છે અને એથી કાવ્યસંગ્રહના પ્રથમ પાને ટાંકી શકાય એવી છે.

‘ત્યાં પંથમાંહિ મહિષી-ધણ સુસ્ત બેઠું
દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે'
આ સંગ્રહમાં પાને પાને પ્રગટ થતાં ચિત્રોમાં આ ચિત્રનું સૌંદર્ય અપ્રતિમ અને અતિ વિરલ છે. કવિએ પ્રથમ પંક્તિમાં જ મધ્યાહ્નની વેળને અલસ અને પ્રશાંત કહી છે. ગામનું વર્ણન જેમ ‘પ્રશાંત' શબ્દને સાર્થ કરે છે તેમ આ મહિષી-ધણ અને દાદૂરનું ચિત્ર ‘અલસ’ શબ્દને સાર્થ કરે છે. પંકમાં મહિણી-ધણ સુસ્ત બેઠું છે એમ કવિ તો કહે છે પણ એનો પુરાવો ? એના જીવતા પુરાવા જેવા જોઈ લ્યો આ દાદૂર ! મહિષી-ધણ એવું સુસ્ત છે કે આ પીઠપે નિરાંતે રમતાં દાદુરને દૂર કરવા પૂછડું તે વળી કોણ હલાવે ? હવે તો માનવું જ રહ્યું કે ‘મહિષી-ધણ સસ્ત બેઠું' છે અને મધ્યાહ્નની વેળ અલસ છે. આ પંક્તિઓ આ કવિની એક અસાધારણ સિદ્ધિ છે.

‘ઘંટારવે યદપિ ના રણકાર કીધો'
અલસતા અને પ્રશાંતિ વાતાવરણમાં એવાં તો વ્યાપી વળ્યાં છે કે શંભુના સદનમાં ઘંટારવ કરવો એ પણ જાણે કે આ પવિત્ર શાંતિનો ભંગ કરવા જેવું, આ શાંત વાતાવરણને કલુષિત કરવા જેવું કવિને લાગે છે.

‘ટેકો દઈ ઋષભ-......તો ય સર્વ’
આગળ કવિના મનની સ્થિતિના વર્ણનથી જેમ કવિના આંતરજગતમાં કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે તેમ ફરીથી કવિના મનની સ્થિતિના આ વર્ણનથી કવિના આંતરજગતમાં કેવી અલસતા વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે. કવિ ઋષભ-નંદિ-ની પાસ ટેકો દઈને બેસી જાય છે. પક્ષ્મરોમેં હવાને હલમલતી અનુભવે છે અને અંતે દિવાસ્વપ્નમાં સરી જાય છે. આમ બીજા અને ત્રીજા શ્લોક દ્વારા અલસતા બહિર્જગત અને કવિના આંતરજગત બન્નેમાં વ્યાપી વળ્યાં છે એની કવિએ એવી તો દૃઢ પ્રતીતિ કરાવી છે કે હવે કબૂલ કર્યા વિના છૂટકો જ નથી કે ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત.’


0 comments


Leave comment