2.13 - કાવ્ય ૬ર યામિનીને કિનાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ કાવ્યમાં કવિએ અંધકારમાં પૃ. ૪ અને પૃ. ૭ પર કહ્યું છે તે રહસ્ય કે તેજનો ઉઘાડ નહીં પણ અંધકાર જ જોયો છે. એટલે આ dark night of the soul ‘આત્માની અંધકાર-રાત્રિ'નો ફિલસૂફી અંધકાર નથી પણ નર્યો વાસ્તવિક અંધકાર છે. પ્રથમ છ પંક્તિમાં અરવ પગલે ઊતરતા અંધકારમાં યામિનીને કિનાર રમતાં સજીવ છાયાચિત્રોનું વર્ણન ગ્રેની જગપ્રસિદ્ધ એલેજીનું સ્મરણ કરાવે છે. અંધકારની જેમ સંધ્યાના ગહનગંભીર સ્તબ્ધઘેરા વાતાવરણને અનુકૂળ થવા વિશ્વની મંદ ગતિ સાથે તાલ મિલાવવા છંદ પણ અરવ પગલે ધીરે ધીરે વહે છે. બીજી, સાતમી અને આઠમી પંક્તિમાં ‘ધીરે’ (બંને ગુરુ અક્ષરોના શબ્દનું ત્રણ વારનું પ્રત્યેક પંક્તિમાં પુનરાવર્તન) વાતાવરણને વધુ ઉપસાવે છે. ‘ને ગાણાના ધ્વનિત પડઘા.. ફૂટતા તારલાઓ’

આ તરંગ (fancy) ફરીથી પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે જે સંવાદ છે તેનું પ્રતિપાદન કરે છે. હવે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન અને તારલાઓ વચ્ચેનો સંબંધ, તારલાઓને ગાણાના ધ્વનિત પડધા કહીને કવિએ સાધ્યો છે. ‘તરલધવલા ફૂટતા તારલાઓ'માં કવિએ ત્રણ ‘ત' ના ઉપયોગ દ્વારા એક પછી એક ઝડપભેર ફૂટતા અને અંધકારમાં વધ ધવલ લાગતા તારલાઓનાં ગાણાના ધ્વનિત પડઘારૂપ હોવાથી આખા આકાશમાં ગાજતો અવાજ સાંભળતા આપણને કરી મૂક્યા છે. વળી ‘વ્યોમે' ‘વ્યોમે' એમ બે વાર વ્યોમ શબ્દના ઉપયોગથી એમ સૂચવ્યું છે કે વ્યોમ એક જ નથી, અનેક છે; જેટલા તારલાઓ છે એટલાં વ્યોમ છે. સંધ્યા સમયે ફૂટતા તારલાઓ નીરખતાં જે અનુભવ થાય છે એ કવિએ આ ‘વ્યોમે વ્યોમે'માં બે વાર વ્યોમ શબ્દના ઉપયોગ દ્વારા પ્રત્યક્ષ કર્યો છે. આ તારો ફૂટ્યો, ઓ ફૂટ્યો, અહીં ફૂટ્યો, ત્યાં ફૂટ્યો; એમ આપણે ચકિત ચકિત નેત્રે નિહાળીએ છીએ અને તારાનું વ્યક્તિત્વ પણ ત્યારે એવું હોય છે કે પ્રત્યેક તારો એક સ્વતંત્ર વ્યોમ રચે છે. આમ આ પંક્તિમાં આપણે સંધ્યા સમયના તારાઓનું દર્શન પ્રત્યક્ષ અનુભવીએ છીએ.


0 comments


Leave comment